________________ 56 ભારતીય દર્શનોમાં પરિણામવાદ (2) ક્ષણિકત્વની સિદ્ધિ માટે બૌદ્ધો જલધરપટલ (વાદળ) વગેરેનું દષ્ટાંત આપે છે. પણ જલધરપટલ ક્ષણિક છે તે જ સિદ્ધ કરવાનું બાકી છે. તમારી ક્ષણિકતાની વિભાવના પ્રમાણેનું ક્ષણિકત્વ તો એટલું સૂક્ષ્મ છે કે જલધરનો એવો અનુભવ જ શક્ય નથી. જલધર નવો નવો દેખાય છે, એમ કહેવા માટે પણ તેનો થોડી ક્ષણો સુધી અનુભાવ અનિવાર્ય છે. (3) અનુમાનથી પણ સતુ તે ક્ષણિક એમ સિદ્ધ થતું નથી. અર્થક્રિયાકારિત્વ હોય તે સત્ એવો હેતુ બરાબર નથી. કારણ કે સર્પદંશથી ખરેખર ઝેર ન ચડ્યું હોય તો પણ ઝેર ચડ્યું, તેવી શંકાના કારણે પણ મૃત્યુ થઈ શકે છે. તો તે અર્થક્રિયાકારિતાના કારણે શંકાવિષને પણ સતુ માનવું પડશે. પણ તે તો ખોટું જ છે. ખરેખર તો જે “ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્યયુક્ત છે” તે સત્ છે. (4) કર્મના કારણે જ તેના ફળ ભોગવવાની અપેક્ષાએ પુનર્જન્મ થાય છે. એમ ભવ એટલે સંસાર ચાલે છે. પણ આત્મા ક્ષણિક હોય તો એમ સંભવે નહિ. (5) વળી આપણે મોક્ષનો પણ સ્વીકાર કરીએ છીએ. મોક્ષ એટલે બંધનમાંથી મુક્તિ. પણ બૌદ્ધો તો કોઈ સ્થિર આત્માને માનતા નથી. તો પછી કોણ આ મુક્તિ મેળવવા માટે પ્રયત્ન કરે છે? તમે કહો કે અમે આત્મસંતાનમાં માનીએ છીએ. પણ એ ખરેખર છે ? જો છે તો પછી સર્વ ક્ષણિક છે, એ સિદ્ધાન્તનો ભંગ થઈ જશે. અનુભવ કરનારનું જ બીજી ક્ષણે મૃત્યુ થાય છે, તેથી તેની સ્મૃતિ જ રહેશે નહીં અને એમ તમારા જ પક્ષમાં સ્મૃતિભંગ દોષ પણ આવી પડશે અને આ તે જ પદાર્થ છે, એવી પ્રત્યભિજ્ઞા પણ થશે નહિ. (6) ક્ષણિકત્વ પક્ષમાં જ્ઞાનકાળે શેયનું અસ્તિત્વ નહીં હોય અને જોયકાળે જ્ઞાનનું અસ્તિત્વ નહીં હોય. આમ ગ્રાહ્ય ગ્રાહકભાવી જ સંભવશે નહીં. તેથી તો સકલ લોકવ્યવહાર જ બંધ થઈ જાય. (7) બૌદ્ધો એમ બચાવ કરે કે ક્ષણિક એવો પદાર્થ પછીની ક્ષણમાં પોતાના જેવા આકારનું સમર્પણ કરીને નાશ પામે છે. તેથી જ્ઞાનની ક્ષણ ભલે તે પોતે વિદ્યમાન ન હોય તો પણ આકારસમર્પણને કારણે તે જ્ઞાનગ્રાહ્ય બનશે. જૈનો કહે છે કે આ પણ બરાબર નથી. પદાર્થ જયારે પોતાના આકાર સાથે પૂર્વેક્ષણમાં હોય છે, ત્યારે જ્ઞાન થતું નથી. ઉત્તર ક્ષણે જ્ઞાન હોય ત્યારે આકાર સમર્પિત કરનારો પદાર્થ હોતો નથી. આથી આવો સાકારવાદ શક્ય બનશે નહિ.૧૩