________________ (4) જૈનદર્શન સામાન્ય રીતે સત્યની શોધ એ પ્રત્યેક દર્શનનો પ્રધાન ઉદ્દેશ રહ્યો હોય છે. એ શોધમાં વિચારણાને આગળ ને આગળ ધપાવતા જે તે દર્શને પોતાના કેટલાક મૂળભૂત સિદ્ધાંતોનું પ્રતિપાદન કરે છે. કાળક્રમે સ્થાપિત થઈ ગયેલા એ સિદ્ધાંતો જ અંતિમ છે, એવી માન્યતા દૃઢ બનતા કોઈ એક દર્શન પોતાના સિદ્ધાંતોથી ભિન્ન સિદ્ધાંતોનું પ્રતિપાદન કરતા અન્ય દર્શનોનું ખંડન કરવા લાગે છે અને આમ ખંડન-મંડનની પ્રક્રિયામાં એકબાજુ વિચારણાનો વિકાસ તો થાય છે, પણ સત્યની શોધ પૂર્વાગ્રહોથી તથા સ્વપક્ષ સ્થાપનાની પ્રબળ ઝંખનાથી ગૌણ બની જાય છે. ત્યારે તર્કજાળમાં ફસાએલા સત્યને તેના શુદ્ધતમ સ્વરૂપે પામવું કઠિન બની જાય છે. આવી પરિસ્થિતિમાં જૈનદર્શને અનેકાન્તવાદ કે સ્યાદવાદનો નરવો અભિગમ સ્વીકારી વિભિન્ન દર્શનોમાં ધબકતા સત્યાંશોનો સ્વીકાર કરી, અન્ય ચર્ચાનો પરિહાર કરી દેખાતા વિરોધોથી ઉપર ઉઠવાનો મહદંશે સફળ પ્રયાસ કર્યો છે. તત્ત્વમીમાંસા, જ્ઞાનમીમાંસા અને આચારમીમાંસા - આ ત્રણેય ક્ષેત્રોનું જૈનદર્શન અને ધર્મમાં ઊંડું અને વ્યાપક ખેડાણ થયું છે. તત્ત્વ અને જ્ઞાનચર્ચામાં જૈનોની દષ્ટિ સમુદાર, વ્યાપક અને બહુધા અંતિમોથી મુક્ત રહી છે. જેમકે ઉપનિષદ અને વેદાન્તમાં કથિત આત્માનો જૈનદર્શન સ્વીકાર કરે છે, પણ સાથે સાથે વેદાન્તની જેમ તેને અવિકારી માનતું નથી. તો બૌદ્ધોએ પ્રતિપાદિત કરેલું પરિણમન પણ તેને માન્ય છે. પણ માત્ર પરિવર્તનોનીક્ષણોની પરંપરા જ હોય અને કોઈ સ્થિર તત્ત્વ જ ન હોય, એ મત તેમને સ્વીકાર્ય નથી. તેમના મતે પદાર્થ સ્થિરત્વ જાળવીને બદલે છે. તે ઉત્પન્ન થાય છે, પરિણમન પામે છે અને સ્થાયી પણ રહે છે. જૈનો આત્માને વિભુ કે એક નહીં પણ મધ્યમ પરિમાણયુક્ત અને અનેક પણ માને છે. આ રીતે આ દર્શન સમભાવપૂર્વક સત્યની નજીક પહોંચવા પ્રયત્ન કરે છે.