________________ 46 ભારતીય દર્શનોમાં પરિણામવાદ . જૈન ધર્મની પરંપરા અતિપ્રાચીન છે. આદ્ય તીર્થકર શ્રી ઋષભદેવથી ચોવીશમા તીર્થકર ભગવાન મહાવીર સુધી તેનો વ્યાપ છે. ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ અને પછી ભગવાન મહાવીરના કાળમાં આ ધર્મ વિશેષ પ્રભાવી બન્યો. પાર્શ્વનાથ અને મહાવીરસ્વામીની ઐતિહાસિકતા પ્રમાણભૂત છે. ભગવાન મહાવીરનો દેહોત્સર્ગ ઈ.સ.પૂ.પર૭માં થયો. એમના ઉપદેશ વચનોનો જે વિપુલ ગ્રંથરાશિ નિર્મિત થયો તે “આગમ' તરીકે પ્રસિદ્ધિ પામ્યો. વર્ષો પછી તે ગ્રંથોને વ્યવસ્થિત સ્વરૂપ પ્રાપ્ત થયું. તે સાથે જૈન સંપ્રદાય, આગમોની પ્રામાણિકતા અને કેટલીક આચારવિષયક માન્યતાઓ અંગેના દૃષ્ટિભેદના કારણે આશરે ઈ.સ.પૂર્વેની બીજી સદીમાં જૈન ધર્મના શ્વેતામ્બર અને દિગંબર એમ બે મુખ્ય સંપ્રદાયો થયા. પરંતુ તત્ત્વમીમાંસાના સંદર્ભે આ બન્નેમાં ખાસ મતભેદ હોય તેમ લાગતું નથી. આગમો 45 છે. તેમાં 11 અંગ 12 ઉપાંગ, 10 પ્રકીર્ણ, 6 છેદસૂત્ર, 4 મૂલગ્રંથ કે મૂલસૂત્ર અને 2 સ્વતંત્ર ગ્રંથ. (નન્દીસૂત્ર તથા અનુયોગદ્વાર)નો સમાવેશ થાય છે.' સમયાંતરે આ પ્રાચીન સાહિત્ય પર નિર્યુક્તિ, ચૂર્ણિ, ટીકા વગેરે રચાતા ગયા. આ ઉપરાંત પણ બન્ને સંપ્રદાયના આચાર્યોએ અનેક ગ્રંથો રચ્યા. પરિણામે આ સાહિત્ય વિપુલ અને સમૃદ્ધ બન્યું છે. એમાંના કેટલાક મુખ્ય આચાર્યો અને એમના ગ્રંથો આ પ્રમાણે છે : ઉમાસ્વાતિકૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર (ઈ.સ.પ્રથમ સદી), કુન્દકુન્દ્રાચાર્ય (ઈ.સ.ની પ્રથમ સદી), તેમણે પ્રવચનસાર, સમયસાર, પંચાસ્તિકાય, નિયમસાર વગેરે ગ્રંથો રચ્યા છે. સિદ્ધસેનદિવાકરસૂરિ (ઈ.સ.ની પાંચમી સદી), તેમનો મુખ્ય ગ્રંથ સન્મતિતર્ક છે. સમન્તભદ્ર (ઈ.સ.ની છઠ્ઠી સદી) તેમનો આતમીમાંસા ગ્રંથ સુપ્રસિદ્ધ છે. હરિભદ્રસૂરિ (ઈ.સ.ની આઠમી સદી) તેમનો પ્રધાન ગ્રંથ ષડ્રદર્શન સમુચ્ચય છે. અકલંક (ઈ.સ.આઠમી સદી) તેમની તત્ત્વાર્થસૂત્ર પરની રાજવાર્તિક ટીકા તથા આપ્તમીમાંસા પરની અષ્ટશતી ટીકા સુપ્રસિદ્ધ છે. આ ઉપરાંત વિદ્યાનન્દ (ઈ.સ.નવમી સદી), માણિક્યનન્દી (ઈ.સ.નવમી સદી), વાદિદેવસૂરિ, શ્રી હેમચન્દ્રાચાર્ય, શ્રી નેમિચંદ્ર તથા શ્રી યશોવિજયજી જેવા પ્રસિદ્ધ આચાર્યોના ગ્રંથો પણ નોંધપાત્ર છે. (આ સર્વનો સમય ઈ.સ.ની 11 થી ૧૭મી સદીની વચ્ચેનો છે.) આ ઉપરાંત દેશના અને વિદેશના અનેક વિદ્વાનોએ જૈનદર્શન અને ધર્મ પર મહત્ત્વના ગ્રંથો લખ્યા છે અને હજુ પણ આવા ગ્રંથો લખાયા કરે છે. જૈનદર્શન આમ પદાર્થને એકાન્તિક નિત્ય કે ઐકાન્તિક અનિત્ય માનતું નથી.