________________ 38 ભારતીય દર્શનોમાં પરિણામવાદ અનિત્યતા એ આ ધર્મોનો સ્વભાવ છે. કાંઈ જ સ્થિર નથી કે શાશ્વત નથી. જે કાંઈ પ્રતીત થાય છે, તે ક્ષણવારમાં ચાલ્યું જાય છે. જો ઇચ્છા પ્રમાણે વસ્તુ મળે કે સ્થિતિ પ્રાપ્ત થાય અને તે સદાકાળ રહે તથા તેનો ભોક્તા પણ મૃત્યુ ન પામે... અમર રહે એમ હોત તો તો દુઃખની શક્યતા જ ન રહેત. પણ એમ નથી. અનિત્યતાનો અનુભવ સર્વ કોઈને થાય છે. અહીં એટલો ઉલ્લેખ પણ કરી લઈએ કે બૌદ્ધોના સર્વાસ્તિવાદ પ્રમાણે ધર્મ બે પ્રકારના છે. (સવસ્તિવાદ એટલે બાહ્ય પદાર્થોના અસ્તિત્વનો અભ્યદય.) સંસ્કૃત અર્થાત્ હેતુ કે પ્રત્યયજનિત ધર્મો જે એકત્ર થઈ વ્યવહાર કરે છે. અસંસ્કૃત ધર્મો ત્રણ છે - આકાશ, પ્રતિસંખ્યાનિરોધ અને અપ્રતિસંખ્યાનિરોધ. જો કે આકાશના સ્વરૂપ વિષે મત-મતાંતર છે અને તેથી કેટલાક બૌદ્ધ દાર્શનિકો આકાશ નામના પદાર્થને સ્વીકારતા નથી. પ્રતિસંખ્યાનિરોધ એટલે પ્રતિસંખ્યા અર્થાત્ પ્રજ્ઞા વડે ઉત્પન્ન થતો જુદા જુદા ક્લેશોનો નિરોધ તેમજ પ્રત્યયો અથવા વૃત્તિઓના અભાવ થયા પછી ભાવોનું અદર્શન કે તેની અપ્રતીતિ થાય તે અપ્રતિસંખ્યાનિરોધ છે. સામાન્ય રીતે અનિત્યતા વગેરેનો સંદર્ભ સંસ્કૃત ધર્મોનો જ હોય છે. બૌદ્ધો જ્યારે ધર્મોને અનિત્ય કહે છે, ત્યારે તેનો અર્થ ક્ષણિક એવો ઠરે છે. અહીં ક્ષણિક અને અનિત્ય એ વચ્ચેના ભેદની સ્પષ્ટતા કરી લઈએ; નૈયાયિકો પણ માને છે કે જે વસ્તુ ઉત્પન્ન થાય છે તે નાશવંત પણ હોય છે અને તેથી તે અનિત્ય છે. અમુક સમયે તેનો નાશ થાય છે, પરંતુ તે ઉત્પન્ન થતાં જ નાશ નથી પામતી. એટલે તે અમુક સમય સુધી સ્થાયી પણ છે. બૌદ્ધો તેમ માનતા નથી. તેમના મત પ્રમાણે તો પ્રત્યેક પદાર્થ માત્ર એક ક્ષણ સુધી જ ટકે છે અને તુરત જ નાશ પામે છે. તેઓ આમ સ્થાયીત્વનો વિરોધ કરે છે. આ મતને ક્ષણિકવાદ કે ક્ષણભંગવાદ કહે છે. બૌદ્ધો કહે છે કે નૈયાયિકો પદાર્થને અમુક ક્ષણ સુધી સ્થાયી માને છે, તે બરાબર નથી. એક તો તેમાં ટકી રહેવાના સમય બાબત અનિશ્ચય છે અને બીજું એ કે પદાર્થમાં ઉત્પન્ન થતાં જ નાશની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. એટલે એ રીતે તે ક્ષણિક જ છે. બૌદ્ધના આ ક્ષણિકવાદ પર ખંડન-મંડનની લાંબી ચર્ચા ચાલી છે. પરંતુ અહીં એમાં ઉતરવાના બદલે આપણે હવે બૌદ્ધો ક્ષણિકવાદનું શી રીતે સમર્થન કરે છે, તે જોઈએ : | સર્વ સત્ પદાર્થો ક્ષણિક છે. કારણ કે તેથી જ તેમનામાં અર્થક્રિયાકારિત્વ શક્ય બને છે. કોઈ પ્રયોજનરૂપ જે ક્રિયા છે, તે ક્રિયાનું કરાવનારું હોવું તે અર્થક્રિયાકારિત્વ છે. કોઈપણ કાર્ય કોઈ એક ઉદ્દેશ્યથી કરવામાં આવે છે, તે કાર્ય કરવાની ક્ષમતા એટલે અર્થક્રિયાકારિત્વ. આ પ્રકારની જેનામાં ક્ષમતા છે, તે સત્ છે અને તે ક્ષમતા કે સામર્થ્ય જો સત્ ક્ષણિક હોય તો જ સફળ બને. સ્થાયીમાં નહિ. કાર્ય સાર્થક કરવામાં આ શક્તિ