________________ 40 ભારતીય દર્શનોમાં પરિણામવાદ આ રીતે પ્રથમ આર્યસત્યની સમજૂતીમાં ક્ષણિકવાદ અભિપ્રેત છે. દુઃખ સમુદય એ બીજું આર્યસત્ય છે. સમુદય એટલે દુઃખના ઉદયનું કારણ. દુઃખ આકસ્મિક નથી. તેનું પણ કોઈ કારણ છે. જો દુઃખ અકારણ હોય તો તેનું નિરાકરણ શક્ય ન બનત. બુદ્ધ કહે છે કે દુઃખનું કોઈ એક જ કારણ નથી, પણ એક કારણ શુંખલા છે. આ શૃંખલાના બાર મણકા છે. તેને દ્વાદશ નિદાન કહેવામાં આવે છે. તે બાર ઘટકો આ પ્રમાણે છે. (1) જરા-મરણ, (2) જાતિ (જન્મ), (3) ભવ (પૂર્વજન્મના કર્મ), (4) ઉપાદાન (આસક્તિ), (5) તૃષ્ણા, (6) વેદના (=સંવેદના), (7) સ્પર્શ (ઇન્દ્રિ અને પદાર્થનો સ્પર્શ), (8) ખડાયતન (પાંચ જ્ઞાનેન્દ્રિય અને મન), (9) નામરૂપ, (10) વિજ્ઞાન, (11) સંસ્કાર અને (12) અવિદ્યા. અહીં ઉત્તરનું ઘટક પૂર્વઘટનું કારણ છે અને અંતતોગત્વા સર્વ દુઃખનું મૂળ અવિદ્યા-અજ્ઞાન છે. આ શૃંખલા સીધી લીટીની નથી, પણ વર્તુળાકાર છે. અવિદ્યાનો સંબંધ જરા-મરણનો ભાવ ઉત્પન્ન કરે છે.' આ દ્વાદશનિદાનરૂપી કારણમાલાના મૂળમાં પણ ક્ષણિકવાદ રહેલો છે. પ્રત્યેક ઘટક પદાર્થની ક્ષણિકતાને સ્વીકારીને જ વર્તે છે. એક ઘટક છે તેથી બીજો ઘટક છે અને એમ ચાલ્યા કરે છે. આ સિદ્ધાંતને પ્રતીત્યસમુત્પાદ કહે છે. પ્રતીત્યસમુત્પાદ એ બૌદ્ધધર્મનો મહત્વનો સિદ્ધાંત છે. તેનો અર્થ છે - એકની પ્રાપ્તિ થવાથી અન્યનો સમુત્પાદ. માત્ર બાહ્ય ભૌતિક પદાર્થો જ નહીં પણ સંવેદન, ઇચ્છા, જન્મ-જરા-મરણ એ બધું જ આ પ્રકારે જ વર્તે છે. એક પ્રતીત થયું - નાશ પામ્યું અને બીજું ઉત્પન્ન થયું. પદાર્થ માત્ર ક્ષણિક છે. પ્રથમ ક્ષણે ઉત્પન્ન થએલો પદાર્થ બીજી ક્ષણે નાશ પામે છે અને તે સાથે જ તદાકાર અન્ય પદાર્થ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે આ સંતતિ પ્રવાહ રૂપે ચાલ્યા જ કરે છે, તે અનાદિ છે. જો પદાર્થ નિરપેક્ષ, સ્વતંત્ર અને નિત્ય હોય તો તે અન્ય સાથે સંબંધમાં આવી સક્રિયતા ઉપજાવી ન શકે. પણ એમ જોવા મળતું નથી. પરિવર્તન, પદાર્થનો સ્વભાવ છે. એટલે જગત પરિવર્તનશીલ છે, એમ કહેવાને બદલે ખરેખર તો જગત એ જ પરિવર્તન છે (World is change) એમ કહેવું વધારે યોગ્ય છે. બીજી રીતે કહીએ તો પ્રતીત્યસમુત્પાદ પ્રમાણે પ્રત્યય અર્થાત્ કારણ પછી કાર્યની ઉત્પત્તિ. આમ બૌદ્ધ સંપ્રદાય અનુસાર એક વિશિષ્ટ પ્રકારનો કાર્ય-કારણવાદ (Theory of Caustation) જોવા મળે છે. કારણ પછી કાર્યની ઉત્પત્તિ થાય એ તો દર્શનોનો સર્વ માન્ય સિદ્ધાંત છે, પણ કારણ કઈ રીતે કાર્યને ઉત્પન્ન કરે છે - એ વિશે જુદા જુદા મત છે. આપણે જોઈ ગયા તેમ સાંખ્યદર્શન પ્રમાણે કારણ પોતે જ પોતાના સત્ત્વથી કાર્યમાં પરિણમન પામે છે. કારણ પૂર્વે કાર્યમાં જ નિહિત હતું - સત્ હતું. હવે તે કાર્યરૂપે