________________ (3) બૌદ્ધદર્શન દુઃખોથી ઘેરાયેલા મનુષ્યોને એમના દુઃખોમાંથી મુક્તિ અપાવવાનો ઉપાય શોધી તદનુરૂપ આચારધર્મનું પ્રતિપાદન કરવું એ ભગવાન બુદ્ધનો પ્રધાન ઉદ્દેશ હતો અને એ માટે જ તેમણે લોકોની જ તત્કાલીન પાલિ ભાષામાં ઉપદેશ આપ્યો હતો. એમના વચનાં વર્ષો પછી લિપિબદ્ધ થયા અને એ ઉપદેશ જે ગ્રંથરાશિમાં થયો તે ત્રિપિટક તરીકે ઓળખાય છે. સમય વીતવા સાથે આ ટીકાઓ પર ભાષ્ય અને ટીકાઓ તથા ઉપાટીકાઓ તેમજ અન્ય સ્વતંત્ર ગ્રંથોની પણ રચનાઓનો પ્રવાહ ચાલ્યો. પાલિ ઉપરાંત સંસ્કૃત ભાષામાં પણ ગ્રંથો રચાયા. અનેક ગ્રંથોના તિબેટી અને ચીની તથા જાપાની ભાષામાં અનુવાદો થયા. બુદ્ધનો ઉપદેશ આચારમૂલક અને સરળ હતો. પરંતુ તેમાંથી સંકેતો ગ્રહણ કરી પાછળથી દાર્શનિક મીમાંસા કરવાનું પણ શરૂ થયું અને બૌદ્ધદર્શન અસ્તિત્વમાં આવ્યું. વસુબંધુ, કુમારલાત, નાગાર્જુન, આર્યદેવ, બુદ્ધપાલિત, ભાવવિવેક, ચંદ્રકીર્તિ, શાંતિદેવ, મૈત્રેય, અસંગ, શાંતરક્ષિત, કમલશીલ, દિનાગ, ધર્મકીર્તિ અને ધર્મોત્તર આદિ પ્રસિદ્ધ આચાર્યોએ પુષ્કળ ખેડાણ કરી બૌદ્ધદર્શનને સમૃદ્ધ બનાવ્યું. (આ યાદી કાળક્રમ પ્રમાણે નથી અને સંપૂર્ણ પણ નથી.) આ ઉપરાંત વર્તમાન સમયમાં છેલ્લા બે સૈકાઓમાં બૌદ્ધધર્મ અને દર્શન ઉપર ભારતની તેમજ વિદેશોની અનેક ભાષાઓમાં અનેક વિદ્વત્તાપૂર્ણ ગ્રંથો લખાયા છે. આજે પણ લખાય છે. ભગવાન બુદ્ધ મૌલિક, સ્વસ્થ ચિંતનયુક્ત અને સર્વજનને સુલભ હોય તેવો આચારમૂલક ઉપદેશ આપ્યો. એમણે ચાર આર્ય સત્યો પ્રબોધ્યા. (1) સર્વ કાંઈ દુઃખમય છે, (2) દુઃખનું કારણ (સમુદય) છે, (3) દુઃખનો નિરોધ શક્ય છે અને (4) તે માટેનો સમ્યફ અષ્ટાંગ માર્ગ છે. સર્વ કાંઈ દુઃખમય છે, તેમ કહી બુદ્ધ દુ:ખની વિભાવનાના મૂળ સુધી પહોંચે છે. દુઃખની જન્મભૂમિ અનિત્યતા છે. સૃષ્ટિના પદાર્થો અનિત્ય છે. પદાર્થોને ધર્મો તરીકે પણ ઓળખવામાં આવે છે.