________________ do ભારતીય દર્શનોમાં પરિણામવાદ નવ્ય ન્યાયનો યુગ આવે છે. નવ્ય ન્યાયનો આધાર ગ્રંથ તત્ત્વચિંતામણિ છે. તેના કર્તા બંગાળના પ્રકાંડ પંડિત ગંગેશોપાધ્યાય છે. તે ગ્રંથ પરની પણ કેટલીક મહત્ત્વની ટીકાઓ રચાઈ છે. આ ઉપરાંત ન્યાય અને વૈશેષિક એ બંને દર્શનોનો સમન્વય કરતાં કેટલાક ગ્રંથો લખાયા છે. તેમાં શિવાદિત્યની સપ્તપદાર્થો, લૌગાક્ષ ભાસ્કરની તર્કકૌમુદી, જગદીશ રચિત તર્નામૃત વગેરે ગ્રંથો છે. પરંતુ વિશ્વનાથ કૃત ભાષાપરિચ્છેદ અને તેના પર પોતે જ લખેલ સિદ્ધાન્ત મુક્તાવલી, ઉપરાંત કેશવમિશ્રની તર્કભાષા અને અન્નભટ્ટ રચિત તર્કસંગ્રહ તેમજ તેના પર તેમની જ દીપિકા ટીકા વિશેષ લોકપ્રિય બનેલા ગ્રંથો છે. ન્યાય અને વૈશેષિક આમ સમાન તંત્રી દર્શનો છે, તેથી તેમનો ન્યાય-વૈશેષિક દર્શન એમ ઉલ્લેખ કરાય છે. ન્યાય-વૈશેષિક દર્શનમાં જે કાંઈ વિદ્યમાન છે, તેનું પદાર્થોમાં વર્ગીકરણ કરી પછી પ્રત્યેકનો વિગતવાર અભ્યાસ કરવાની વિશ્લેષણાત્મક (Analytical) પદ્ધતિ સ્વીકારી છે. ન્યાયના સોળ પદાર્થો છે, તો વૈશેષિકોના સાત. ન્યાયદર્શનમાં પદાર્થના સ્વરૂપની યથાર્થતા દર્શાવતા પ્રમાણ તરફ વિશેષ ધ્યાન અપાયું છે. ત્યારે વૈશેષિકોએ પદાર્થના સ્વરૂપની જ તાત્ત્વિક મીમાંસા કરી છે.' આમ, બંને દર્શનોના સાહિત્યનો અને તેના મુખ્ય વિષયોનો પ્રારંભિક પરિચય કર્યા પછી હવે આપણે તેમાં પરિણમન અંગે શો વિચાર થયો છે અને તેઓ પદાર્થની ઉત્પત્તિ વિશે કયા મત ધરાવે છે, તે જોઈએ. ન્યાય-વૈશેષિક દર્શન પદાર્થોને વાસ્તવિક માને છે. આમ એક રીતે તે બાહ્યાર્થવાદી છે. બંને દર્શનોમાં પદાર્થોની સંખ્યા જુદી જુદી છે. પણ પછીના આચાયોએ એ બંનેનો સમન્વય કરી ન્યાયના સોળમાં વૈશેષિકોના સાત અને વૈશેષિકોના સાતમાં ન્યાયના સોળ પદાર્થોને સમાવી લેવાનો પ્રયાસ કર્યો છે. તેથી આપણા પ્રસ્તુત વિષયના સંદર્ભમાં વૈશેષિકોના સાત પદાર્થો પર જ આપણે ધ્યાન આપીશું. કણાદે છ ભાવ પદાર્થો દર્શાવ્યા છે. (1) દ્રવ્ય, (2) ગુણ, (3) કર્મ, (4) સામાન્ય, (5) વિશેષ અને (6) સમવાય. પછીના વૈશેષિકોએ અભાવ નામનો સાતમો પદાર્થ પણ સ્વીકાર્યો છે. અહીં એ નોંધવું જોઈએ કે કણાદ મુનિ “અર્થ' શબ્દ વડે દ્રવ્ય, ગુણ અને કર્મ એ ત્રણ વસ્તુઓનો જ ઉલ્લેખ કરે છે. સામાન્ય અને વિશેષ એ બે તેમના મતે કલ્પિત પદાર્થો છે. તેમણે સમવાયનો ઉલ્લેખ પણ માત્ર કાર્યકારણના સંબંધની સમજૂતી પૂરતો જ કર્યો છે. પરવર્તી આચાર્યોએ જ આ ત્રણ વિશે ઘણી વ્યાપક ચર્ચા કરી છે.