________________ 32 ભારતીય દર્શનોમાં પરિણામવાદ કારણ નિત્ય હોય કે અનિત્ય, પણ કાર્યોત્પત્તિમાં તેનું અપરિણામી રૂપે રહેવું. (4) અપૂર્વ અર્થાત્ ઉત્પત્તિ પહેલાં અસત્ કાર્યની ઉત્પત્તિ યા અલ્પકાલીન સત્તા. આમ કારણ પોતાનો જરા જેટલો અંશ પણ કાર્યમાં સંક્રાન્ત કરતું નથી. બન્ને સંપૂર્ણપણે ભિન્ન છે. તંતુઓ તંતુઓ જ છે અને પટ (વસ્ત્ર) પટ જ છે. વ્યવહારમાં પણ એમ જ જોવા મળે છે. પટનો ઉપયોગ - પહેરવા-પાથરવા વગેરેમાં થાય છે. તંતુઓનો એવો ઉપયોગ થતો નથી. જો કારણ અને કાર્ય વચ્ચે અભેદ હોય તો પછી કાર્યથી પાર પડતા તમામ હેતુઓ કારણથી પણ પાર પડવા જોઈએ, પણ તેમ નથી થતું. આથી કારણ અને કાર્ય એકબીજાથી જુદા જ છે. કોઈ શંકા કરે કે જો આમ જ હોય, એટલે કે કાર્યને કારણ સાથે કોઈ જ સંબંધ ન હોય તો પછી કાર્ય માટે અમુક કારણ એવા શબ્દપ્રયોગનો અર્થ જ શો છે? તેનો ઉત્તર આપતા નૈયાયિકો કહે છે કે સંબંધ છે - પણ વિશિષ્ટ પ્રકારનો. તેને અમે સમવાય કહીએ છીએ અને એ સમયવાયના પ્રતાપે કાર્ય કારણમાં ઉત્પન્ન થાય છે, નહિ કે કારણમાંથી. સમવાય સંબંધથી ઉત્પન્ન થએલું કાર્ય કારણમાં પણ એ જ સંબંધથી રહે છે. પણ આ સમવાય છે શું? ન્યાય-વૈશેષિકો કહે છે કે આ સમવાય એક વિશિષ્ટ પ્રકારનો સંબંધ છે. બે સ્વતંત્ર વસ્તુઓના તેમજ સ્વતંત્ર રીતે છૂટી પડીને પણ રહી શકે તેમના સંબંધને સંયોગ કહે છે. પણ તેનાથી જુદો આ સમવાય સંબંધ એવો છે કે જેમાં એક વસ્તુ બીજી વસ્તુ સાથે એ નાશ ન પામે ત્યાં સુધી જોડાએલી જ રહે છે. આ સમવાય સંબંધને તેથી અયુતસિદ્ધ સંબંધ કહે છે. આમ સમવાયની યુક્તિ (Technique) થી ન્યાય-વૈશેષિકોએ અસત્ કાર્યવાદનો બચાવ કર્યો અને વ્યવહાર વગેરેને આગળ ધરી સાંખોના સત્કાર્યવાદનું ખંડન પણ કર્યું. સત્કાર્યવાદનું ખંડન કરવામાં બૌદ્ધોનો સાથ પણ તેમને મળ્યો. જેમકે બૌદ્ધ દાર્શનિક કમલશીલ કહે છે કે “એનું એ જ તત્ત્વ અન્ય તત્ત્વ બની શકે નહિ. કારણ કે એમ થવાનો અર્થ એ થયો કે ત્યાં એક નવા જ સ્વભાવની ઉત્પત્તિ થઈ છે.” (અર્થાત્ ભિન્ન સ્વભાવવાળું નવું જ તત્ત્વ ઉત્પન્ન થયું છે.) હવે પ્રશ્ન એ છે કે તત્ત્વનું અન્યથારૂપે થવું એટલે શું તે અસ્તિત્વ ધરાવતા (મૂળ) તત્ત્વથી ભિન્ન છે કે તેનું તે જ રહે છે ? તે તેનું તે જ રહે છે એમ કહી શકાય તેમ નથી. કારણ કે તેનું મૂળ કારણ પણ પોતાના કારણનું કાર્ય છે. જો ભિન્ન છે તો તમારા મતમાં સત્કાર્યવાદ પક્ષમાં) તો શક્ય જ નથી. કારણ કે ત્યાં તો વર્તમાન તત્ત્વ પોતાના મૂળ સ્વભાવ કે સત્ત્વને અકબંધ રાખે છે. એટલે તે અન્યથા બની જ ન શકે.