________________ ભારતીય દર્શનોમાં પરિણામવાદ 33 સાંખ્ય આ પ્રકારના આક્ષેપનું નિરાકરણ કરે છે કે સત્કાર્યવાદમાં કારણનું પરિણમન કાર્યમાં થાય છે, પણ કારણનું સત્ત્વ અને કાર્યનું સત્ત્વ તો એનું એ જ રહે છે. જો અહીં શંકા કરો કે જ્યારે સત્ત્વ (Essence) માં ભેદ જ નથી, તો પછી પરિણમનનો અર્થ જ શો છે ? વ્યાસભાષ્ય એના ઉત્તરમાં કહે છે કે અહીં પરિણમન દ્વારા ભાવાન્યથાત્વ એટલે સંસ્થાન અર્થાત્ સંરચનામાં જ ફેરફાર થાય છે. મૂળ દ્રવ્યમાં પરિવર્તન થતું નથી. ધર્મીમાં પરિણમન નથી, ધર્મમાં છે અને તે પણ ધર્મી અને ધર્મ વચ્ચે તાત્ત્વિક અભેદ રાખીને જ છે. જેમ સુવર્ણના પાત્રને ગાળી તેનું કંકણ વગેરેમાં રૂપાંતર કરવામાં આવે છે. અહીં મૂળ સુવર્ણત્વ તો સમાન જ છે, તેમ જ અહીં કારણ અને કાર્યનો અભેદ સહિતનો જ ફેરફાર છે.* પરંતુ ન્યાય-વૈશેષિકનો પાયાનો પ્રશ્ન તો ઉભો જ છે કે મૂળ તત્ત્વમાં પરિવર્તન આવ્યા વિના તેના સ્વરૂપમાં પરિવર્તન શી રીતે સંભવે ? એવું પરિવર્તન અસતું હોય અથવા તો જો તે સત્ હોય તો મૂળ તત્ત્વમાં પણ પરિવર્તન થાય છે તેમ માનવું પડે. આમ હોવા છતાં કાર્ય કારણથી તદ્દન ભિન્ન છે અને ઉત્પત્તિ પૂર્વે તેનો સંપૂર્ણ અભાવ જ હતો એમ માનવામાં તો શૂન્યમાંથી સર્જન થયું એમ સ્વીકારવું પડે. તો પછી કારણની જરૂર ક્યાં રહે? ગમે તે વસ્તુ એમ જ ઉત્પન્ન થઈ શકે. તેના બચાવમાં ન્યાયવૈશેષિક એમ કહે કે અમુક કારણો અમુક વસ્તુની ઉત્પત્તિ માટે એક નિશ્ચિત ભૂમિકા પૂરી પાડે છે. આ કારણો ત્રણ છે : સમવાય, અસમવાય અને સહકારી. જેમાં સમવાય સંબંધથી કાર્ય ઉત્પન્ન થાય તે સમવાય કારણ. જે સમવાયિ કારણમાં રહીને કાર્યોત્પાદનમાં સમર્થ બને તે અસમવાય કારણ. એ રીતે તંતુઓ પટનું સમવાધિકારણ છે. જયારે તંતુઓનો અમુક પ્રકારનો સંયોગ તે પટનું અસમવાયિકારણ છે. આ બન્ને સિવાયના જરૂરી કારણો તે સહકારી કે નિમિત્ત કારણો છે. જેમકે શાળ-કાંઠલો વગેરે પટોત્પત્તિમાં આવા કારણો છે. પરંતુ જો કાર્ય કારણથી તદ્દન ભિન્ન હોય અને કારણનું સત્ત્વ તેનામાં સંક્રાન્ત જ થતું ન હોય તો કારણ કાર્યોત્પાદનમાં ભૂમિકા શી રીતે પૂરી પાડી શકે ? તંતુઓ અને પટ પોતપોતાના રંગ, માપ અને વજન પણ અકબંધ રાખીને રહેતા હોય તો તેમના વચ્ચે કાર્યકારણ સંબંધની કલ્પના કેમ થઈ શકે ? વળી ન્યાય-વૈશે. મત પ્રમાણે તો પટ તંતુઓમાં રહે છે, તંતુઓ એમના અંશુઓમાં રહે છે અને એમ છેવટે એ સહુ અણુમાં પણ રહે છે. આમ એકીસાથે અનેક દ્રવ્યો એક અન્યાવયવીમાં રહે છે. આ મત સામાન્ય બુદ્ધિને પણ પચાવવો સહેલો નથી.