________________ 14 ભારતીય દર્શનોમાં પરિણામવાદ બુદ્ધિથી માંડીને તન્માત્રાઓ સુધીના તત્ત્વો પરિણમન દ્વારા પ્રાપ્ત થતા વિકારો છે; તેમ મહાભૂતો પણ તન્માત્રાના વિકારો છે. આ ભૂતોમાંથી પછી કોઈ વિકાર સંભવતો નથી, પરંતુ અહીં શંકા થાય છે કે પૃથ્વીના પણ ગાય, ઘડો, વૃક્ષો વગેરે વિકારો વિકારો તો છે જ. તેથી ભૂતોને પણ પ્રકૃતિ એટલે કે કારણ કેમ ન માનવા ? આ શંકાનો ઉત્તર એ છે કે ગાય (=ગાયનું શરીર) વગેરે પૃથિવીથી તાત્ત્વિક રીતે ભિન્ન નથી. પ્રકૃતિ એટલે અન્ય તત્ત્વને ઉત્પન્ન કરનાર. ગાય-ઘડો વગેરે તત્ત્વાંતરો નથી. સ્થૂળ ઇન્દ્રિયોથી એ બધા પૃથિવીના ઘટકો રૂપે સમાન રીતે જ ગ્રહણ થાય છે. તેથી પૃથિવી વગેરે માત્ર વિકારો જ છે.* આમ સાંખ્યદર્શનમાં પચીશ તત્ત્વો સ્વીકારવામાં આવ્યા છે : એક સુનિશ્ચિત કારણ-કાર્ય પ્રક્રિયા દ્વારા પરિણમન પામીને અહીં તત્ત્વાન્તરોની વિવિધ સર્જનલીલાનો ઉપક્રમ દર્શાવ્યો છે. આ કારણ કાર્યની સરણિના અનુસંગે સાંનિર્દિષ્ટ તત્ત્વોનો વિચાર ચાર પ્રકારે કરી શકાય. (1) એવું તત્ત્વ કે જે અનાદિ હોય, જેનું કારણ ન હોય પણ જે પોતે અન્યનું કારણ હોય. આ તત્ત્વ તે પ્રકૃતિ, મૂળ પ્રકૃતિ, અવ્યક્ત કે પ્રધાન. (2) એવાં તત્ત્વો કે જે કોઈનું કાર્ય હોય અને સાથે સાથે બીજા તત્ત્વનું પણ કારણ હોય. આ તત્ત્વોને પ્રકૃતિ-વિકૃતિ કહેવામાં આવ્યા છે. તે સાત છે - મહતુ, અહંકાર અને પાંચ તન્માત્રા. (3) એવાં તત્ત્વો કે જે કોઈનું માત્ર કાર્ય જ હોય અને અન્ય કોઈનું કારણ ન હોય. આ તત્ત્વોને “વિકાર' કહેવામાં આવ્યા છે. તેમની સંખ્યા સોળ છે. મન સાથે અગિયાર ઇન્દ્રિયો અને પાંચ મહાભૂતો. (4) એવું તત્ત્વ કે જે કોઈનું કારણ (પ્રકૃતિ) પણ ન હોય અને કાર્ય (વિકૃતિ) પણ ન હોય અર્થાત્ જે અનાદિ અને નિત્ય તથા અવિકારી હોય. આ તત્ત્વ તે ચૈતન્ય પુરુષ. ઈશ્વરકૃષ્ણ આ વિભાગ આ કારિકામાં સચોટ રજૂ કર્યો છે - मूलप्रकृतिरविकृतिर्महदाद्याः प्रकृतिविकृतयः सप्त / / षोडकस्तु विकारो न प्रकृतिर्न विकृतिः पुरुषः // 3 // ગુણવિચાર : મૂળ પ્રકૃતિનું આવું પરિણમન એ ખરેખર તો ગુણોના કારણે થાય છે. આ ત્રણ ગુણોની કલ્પના અને તેનું નિરૂપણ એ સાંખ્યદર્શનનું આગવું પ્રદાન છે. સર્વે ભૌતિક અને માનસિક તત્ત્વોનું ચરમ કારણ આ ત્રણ ગુણો જ છે. તેઓ ભલે ગુણો કહેવાય,