________________ ભારતીય દર્શનોમાં પરિણામવાદ (2) આ જે કાંઈ છે તે ચૈતન્ય સિવાય બીજું કાંઈ જ નથી. ચૈતન્યમાં જડતા સંભવે નહિ. તેથી જેને આપણે જડ માનીએ છીએ, તે વાસ્તવમાં જડ નથી. પરંતુ ચૈતન્યનું જ સ્વરૂપ છે અથવા તો તે ચૈતન્યથી ભિન્ન હોય એવો આભાસ માત્ર જ છે. આ વિચારધારા કેવલ ચૈતન્યવાદી અર્થાત્ અંત વેદાન્તની છે. (3) જડ અને ચેતન એ બે નિતાન્ન ભિન્ન તત્ત્વો છે. તેથી એકના ગુણધર્મો બીજામાં કદી સંભવી શકે નહિ. તે બેમાંથી કોઈપણ એક જ સાચું તત્ત્વ છે, એમ માની શકાય નહિ. એ બન્નેનો સંયોગ થઈ શકે, પણ સમિશ્રણ નહિ. આ મત દ્વૈતવાદી વિચારધારાનો અને તેમાં પણ વિશેષતઃ સાંખ્યનો (4) જડ અને ચૈતન્ય બન્ને ભિન્ન ભલે રહ્યા. પરંતુ તે બન્ને સ્વતંત્ર નથી. એ બન્ને પર એક નિયામક તત્ત્વ છે, તે તત્ત્વ તે ઈશ્વર છે. આ મત ઉપરના બે અને ત્રણમાં દર્શાવેલ મતોનો સુધારા સાથે સ્વીકાર કરે છે. એક રીતે તો તે સેશ્વર સાંખ્ય જ છે. આ ચારેય વિધાનોમાં એક વાત સામાન્ય છે કે તત્ત્વો પરિણમન પામે છે અને તેમનું તત્ત્વાંતર કે રૂપાંતર થયા કરે છે. તેનાથી આ સૃષ્ટિચક્ર ચાલી રહ્યું છે. આ તત્ત્વાન્તર કોનું અને કઈ રીતે થાય છે, તે વિશે જ અભિગમભેદ છે. એમાં પણ આપણા સામાન્ય અનુભવમાં તો પ્રથમ નજરે જડ અને ચેતન એ બે તત્ત્વો આવતા જણાય છે. તેમજ જડ તત્ત્વો રૂપાંતર પામતા હોય, ઉત્પન્ન થતા હોય અને નાશ પામતા હોય એમ પણ જણાય છે. આ જાણનાર જડ તત્ત્વથી જુદો છે, એમ પણ સમજી શકાય છે અને જડ તત્ત્વ કોઈ રીતે ચેતનના પ્રભાવથી જ ગતિશીલ બની પરિણમન કરી શકે તેમ પણ લાગે છે. આમ હોઈ આવો મત પ્રતિપાદિત કરતું સાંખ્યદર્શન કેવળ સામાન્યજનને જ નહિ પણ અન્ય દાર્શનિક ચિંતકોને પણ એક કે બીજી રીતે, સંપૂર્ણપણે નહીં તો અંશતઃ સ્વીકારવા યોગ્ય લાગ્યું છે. એટલું જ નહીં પણ સૃષ્ટિની ઉત્પત્તિ અને વિકાસ માટે ભારતીય દર્શનમાં થએલી વિચારણામાં સાંખ્યદર્શન પ્રાચીનતમ છે એમ પણ મનાય છે. તેનો પાયાનો સિદ્ધાંત પરિણમનને લગતો છે તે સ્પષ્ટ છે અને એ સિદ્ધાંતના અંગે ન્યાયવૈશેષિક, બૌદ્ધ, જૈન અને વેદાન્ત દર્શનમાં પોતપોતાના પરિપ્રેક્ષ્ય પ્રમાણે જે વિચારણા થઈ તેણે ભારતીય દર્શનને જીવંત રાખવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે.