________________ ભારતીય દર્શનોમાં પરિણામવાદ તો ક્યારેક આ સર્વ પ્રપંચમાંથી છૂટવાનું અને તે પણ સંપૂર્ણ રીતે મુક્ત થવાનું એટલે કે મોક્ષ પામવાનું મન પણ થઈ આવે છે. પરંતુ તેમાં પણ મોક્ષ એટલે શું? અને તે પણ કોનો? કેવી રીતે? આવા પ્રશ્નો તો પાછા ઉભા જ છે. - આ પ્રશ્નોના ઉત્તરની શોધ અદ્યાપિ ચાલુ જ છે. એ અંગે થયેલી ગહન-સૂક્ષ્મ અને આયાસપૂર્ણ વિચારણાના સીમાસ્થંભો વિવિધ દર્શનો રૂપે આપણને પ્રાપ્ત થાય છે. ભારતમાં તો બહુ પહેલેથી આવા દર્શનોનો આરંભ થઈ ચૂક્યો હતો અને તેમનો વિકાસ થતો રહ્યો હતો. શોધ પદ્ધતિ, તર્ક, અનુભવ અને અભિગમના ભેદથી આ દર્શનોના વિવિધ ગૃહીતો અને સિદ્ધાંતો પણ હોય તે સ્વાભાવિક છે. ભારતીય દર્શનોના આમ એકથી વિશેષ પ્રવાહો પોત-પોતાની નિશ્ચિત તટસીમામાં બંધાયા અને એમને એ રીતે નિશ્ચિત નામોથી ઓળખવામાં આવ્યા. આ દર્શનોની સંખ્યા આમ તો 12, 15 કે 19 જેટલી માનવામાં આવે છે.' આપણે જોયું તેમ દર્શનનો આરંભ તો સામાન્ય રીતે દશ્યની પરીક્ષાથી થાય છે અને દશ્ય જગતમાં જે વૈવિધ્ય વગેરે છે, તે તેમાં ચાલતા પરિવર્તનને કારણે હોય એમ પણ જણાઈ આવે છે. પ્રથમ દૃષ્ટિએ તો જગતના અનેકવિધ પદાર્થોના રૂપ-રંગ-આકાર વગેરે બદલાતા હોય તેમ દેખાય છે. વળી કોઈ એક કે અનેક તત્ત્વો રૂપાંતર પામતા હોય, એકના સ્થાને બીજું જ તત્ત્વ આકરિત થતું હોય એમ પણ દેખાય છે. પરસ્પરના સંયોગ કે સંયોજનથી આમ અપાર પદાર્થો-તત્ત્વો કે દ્રવ્યો સર્જાય છે અને વિઘટન પણ પામે છે. જાણે કે જગત એટલે જ પરિવર્તન છે. વિજ્ઞાને આ પરિવર્તનશીલતાનો ઉપયોગ કરી અનેક આવિષ્કારો કર્યા. અનેક અન્ય પદાર્થો કે દ્રવ્યો રચ્યા. (જેમકે હાઈડ્રોજન અને સલ્ફરના સંયોજનથી સક્યુરિક એસિડ H SO, બનાવ્યું વગેરે). સંશ્લેષણ દ્વારા આમ તેણે એક નવી જ લાગતી સૃષ્ટિ જ રચી દીધી, તો બીજી બાજુ વિશ્લેષણ પદ્ધતિનો ઉપયોગ કરી પરિવર્તન કે પરિણમન પામતા દ્રવ્યના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ પણ થયો છે. એ પરિવર્તનના મૂળ અધિષ્ઠાન - બીજી રીતે કહીએ તો અંતિમ અંશ એવા અણુ સુધી - હવે તો તેથી પણ આગળ વધીને ઇલેક્ટ્રોન વગેરે સુધી પણ સંશોધકો પહોંચ્યા છે અને તેના આધારે અનેક આશ્ચર્યપ્રદ ઉપલબ્ધિઓ શક્ય બની રહી છે.