________________ (1) સાંખ્યદર્શન સાંખ્યદર્શન પ્રમાણમાં પ્રાચીન હોવા છતાં પણ અન્ય દર્શનોની અપેક્ષાએ તેના પરનું ઉપલબ્ધ સાહિત્ય કંઈક અંશે અલ્પ છે. પ્રાચીન અને અર્વાચીન વિદ્વાનોએ ઈશ્વરકૃષ્ણની “સાંખ્યકારિકાને જ મુખ્યત્વે સાંખ્યદર્શનનો પ્રમાણભૂત ગ્રંથ માન્યો છે. કારિકાના સાંખ્યને પ્રશિષ્ટ (Classical) સાંખ્ય કહેવામાં આવે છે. તેમાં સૃષ્ટિ સર્જનની પ્રક્રિયાના અંતિમ કારણરૂપે રહેલ મૂળ પ્રકૃતિ અને તેના પરિણમનથી ક્રમશઃ પ્રાપ્ત થતાં બુદ્ધિ (મહત), અહંકાર, મન અને દશ ઇન્દ્રિયો, પાંચ તન્માત્રાઓ તથા પાંચ મહાભૂતો - અને આ સર્વથી નિરાળો પુરુષ - એમ કુલ પચીસ તત્ત્વોની ચર્ચા કરવામાં આવી છે. આમ અહીં પુરુષ અને પ્રકૃતિ એ બન્ને પરસ્પરથી સ્વતંત્ર અને અનાદિ તત્ત્વો તરીકે સ્વીકારાયાં છે. પ્રકૃતિને સત્ત્વ, રજસ્ અને તમસૂ એ ત્રણ ગુણોની સામ્યવસ્થા કહેવામાં આવી છે. આ ત્રણ ગુણોના વૈષમ્યમાંથી પરિણમન દ્વારા સૃષ્ટિ સર્જન શી રીતે શક્ય જો કે સાંખ્યદર્શનનું આ પ્રશિષ્ટ સ્વરૂપ તેને પ્રારંભથી જ પ્રાપ્ત થયું નથી. તેના તત્ત્વો અને તેની વિચારધારાના બીજ વધતા-ઓછા પ્રમાણમાં વેદ, ઉપનિષદ્, મહાભારત અને પુરાણોમાં જોવા મળે છે. વિદ્વાનોએ પરિશ્રમપૂર્વક અભ્યાસ કરી એ સહુને તારવી અને તેમનો ક્રમિક વિકાસ તથા અંતે તે એક સુવ્યવસ્થિત દર્શન એટલે કે સાંખ્યદર્શન રૂપે કઈ રીતે સ્થાપિત થયું, તે દર્શાવ્યું જ છે.' વેદ: આધુનિક માન્યતા પ્રમાણે ઋગ્વદના મંત્રોનો મોટો ભાગ દેવોની સ્તુતિઓનો છે, તો પણ તેનાં કેટલાંક સૂક્તોમાં વિશ્વના નિગૂઢ રહસ્યોનું ઉદ્ઘાટન કરવાની દાર્શનિક પ્રવૃત્તિઓનો પ્રારંભ નિઃશંક જોઈ શકાય છે. વળી, કોઈ એક તત્ત્વમાંથી અન્ય તત્ત્વો કે સૃષ્ટિના સર્જન વિષેના ઉલ્લેખો પણ તેમાં મળી આવે છે. કેટલાક વિદ્વાનો ઋગ્વદના