________________
ધર્મ શ્રવણ થવું તે તો જીવ માટે ખૂબ જ દુર્લભ છે. અને ધર્મશ્રવણ થયા પછી તેના ઉપર ધર્મશ્રદ્ધાની પ્રાપ્તિ થવી એ તો એથી પણ અતિશય દુલર્ભ છે. કારણ કે મનુષ્યપણાથી માંડીને ધર્મશ્રવણ સુધીની સામગ્રી તો અભવ્ય જીવોને પણ પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ ધર્મશ્રદ્ધાની પ્રાપ્તિ તો માત્ર ભવ્યાત્માઓને જ થઈ શકે છે અને તે પણ એવા ભવ્ય આત્માઓ છે જેનો સંસારકાળ એક પુદ્ગલ પરાવર્તન જેટલા કાળથી અધિક ન જ હોય. આ જ છે સાચી શ્રદ્ધાની દુર્લભતા. આપણે ઉપર જોયું કે સમ્યગ્દર્શન કેટલું દુર્લભ છે. હવે આપણે એ સમજીએ કે સમ્યગ્દર્શનની ઉપલિબ્ધ એટલે શું અને તે કેવી રીતે થઈ શકે?
સમ્યગ્દર્શનની ઉપલિબ્ધ કે પ્રાપ્તિનો અર્થ એમ નથી કે પહેલા આત્મામાં ‘દર્શન’ હતું જ નહીં, અને હવે નવું ઉત્પન્ન થાય છે.
‘દર્શન’ ગુણ તે આત્મામાં સદાય હોય જ છે, તે આત્માનાં રત્નત્રય ગુણમાંનો એક ગુણ છે.
કોઈ નવો પદાર્થ આત્મામાં જન્મતો નથી. પરંતુ સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો અર્થ એ જ થાય છે કે આત્માનો ‘દર્શન’ ગુણ જેના બે પર્યાયો છે. જે મિથ્યા પર્યાય (ખોટી શ્રદ્ધાવાળો) તેનાથી બદલાઈને જ્યારે સમ્યગ પર્યાયમાં (સાચો શ્રદ્ધાવાન) આવે છે ત્યારે વ્યવહારિક રીતે એમ કહેવાય છે કે સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું કે ઉપલબ્ધ થયું.
સમ્યગ્દર્શન મૂળમાં કોઈ નવી ચીજ પ્રાપ્ત કરવાવાળી વસ્તુ નથી. પરંતુ જે સદા વિદ્યમાન છે તેના જ શુદ્ધ સ્વરૂપને જાણવું, ઓળખવું અને જોવું. આમ જ સમ્યગ્દર્શનની ઉપલબ્ધિ કે પ્રાપ્તિનો અર્થ થાય છે.
આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ “શ્રી શાસ્ત્રવાર્તા સમુચ્ચય’’ નામના ગ્રંથરત્નમાં ફરમાવે છે કે સમ્યગ્દર્શન જેમ ‘દર્શન’ કહેવાય છે તેમ ‘મુક્તિબીજ’ પણ કહેવાય છે. ‘સમ્યક્ત્વ’ પણ કહેવાય છે, ‘તત્ત્વસાધન’ પણ કહેવાય છે અને ‘સુખારંભ’ પણ કહેવાય છે.
પ્રશ્ન એ થાય કે સમ્યગ્દર્શનની ઉપલબ્ધિ સ્વતઃ થાય છે કે પરતઃ? એટલે વ્યક્તિ સ્વયં પોતોના પુરૂષાર્થથી સમ્યગ્દર્શન મેળવે છે કે કોઈ મહાપુરુષ, ગુરુ યા શાસ્ત્ર કે વ્યક્તિ સમ્યગ્દર્શન કરાવી આપે છે.
આ પ્રશ્નનું સમાધાન એ રીતે સમજવું જોઈએ કે વાસ્તવમાં કોઈ મહાપુરુષ, ગુરુ યા શાસ્ત્ર કોઈપણ સાધકમાં નવી વાત ઉત્પન્ન નથી કરી શકતા. પરંતુ જે કંઈ છે તેની તે પ્રતીતિ કરાવી આપે છે. જે શક્તિ અંદર છે, પણ સ્મૃતિમાં નથી તેનું સ્મરણ અથવા ભાન કરાવી દેવું તે તીર્થંકરભગવાન, ગુરુ અને શાસ્ત્રનું કામ છે.
૯૪
સમકિત