________________
પણ અપ્રતિબ્ધ સમ્યકત્વરત્નના લાભથી પ્રાણ, ભૂત, સત્વ અને જીવની અનુકંપાથી પ્રેરિત થઈને તમે તમારો પગ ઉપર રાખ્યો પણ નીચે ન રાખ્યો. આના ફળ સ્વરૂપે તમે મનુષ્યભવ અને તેમાં પણ રાજા શ્રેણિકના પુત્રના રૂપમાં જન્મ પામ્યા અર્થાત સમ્યગ્દર્શનથી આપે તિર્યંચયોનિમાંથી મનુષ્યયોનિ મેળવી.
સમ્યગદર્શન પ્રાપ્તિ એક વિશુદ્ધ જ્યોતિની ઉપલબ્ધિઃ
સંસારના દીપક આદિ પ્રકાશની જ્યતિ બુઝાઈ જાય છે. પરંતુ સમ્યગ્દર્શનની દિવ્ય જ્યોતિ, એમાં પણ ક્ષાયિક સમ્યગદર્શનની જ્યોતિ કયારેય બુઝાતી નથી, ઉપરથી તેનો પ્રકાશ ઉત્તરોત્તર વધતો જાય છે.
જન્માંધ વ્યક્તિને જેમ આંખની જ્યોતિ મળી જતા જે આનંદ થાય છે તેનાથી પણ વધારે આનંદ સમ્યગદર્શન મેળવનારને થાય છે. અનંતકાળ સુધી જેણે મિથ્યાત્વના ભયંકર અંધકારમાં જીવન પસાર કર્યું છે, ભલા તેને સમ્યગ્દર્શનનું અજવાળું પ્રાપ્ત થતા કેમ આનંદ ન થાય? ચોક્કસ થાય જ!
સમ્યગદર્શનની દિવ્ય જ્યોતિની પ્રાપ્તિ થવા પર મનુષ્યજીવનના કોઈ પણ ખૂણામાં ભાવ અંધકાર રહેતો નથી. તેનું આંતરિક જીવન ઝગમગી ઊઠે છે. સમ્યગદર્શનની જ્યોતિ જ્યારે સાધકના જીવનપથને પ્રકાશિત કરે છે ત્યારે તેને કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી. તે બેધડક પોતાના માર્ગ ઉપર ચાલે છે. મોક્ષપુરુષાર્થમાં અબાધગતિએ આગળ વધે છે. સમ્યગ્રદર્શનને તે પરમપદ માનીને તેની ઉપાસના અને સાધનામાં સંલગ્ન રહે છે. લાટીસંહિતામાં આ વાતનું સમર્થન કરતા કહ્યું છે.
"तदेव सत्पुरुषार्थस्तदेव परमं पदम् । तदेव परमज्योतिः तदेव परमं तपः ॥"
સમ્યગદર્શન જ સત્પરુષાર્થ છે, તે જ પરમપદ છે, તે જ પરમજ્યોતિ છે, અને તે જ પરમતપ છે.
જીવનના આધ્યાત્મિક ક્ષેત્રમાં સમ્યગ્રદર્શન જ પરમ જ્યોતિ છે. જે મિથ્યાત્વનો અંધકાર તોડી પ્રકાશની ઉજ્જવળ કિરણો ફેલાવે છે. માટે તે પરમજ્યોતિ છે.
૨૭૫
સમકિત