________________
પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ની દ્વિતીય આવૃત્તિ સંકલન-સંપાદનની વેળાએ પ્રાકકથન
ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ, સારસ્વતપુત્ર મહોપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજાની એક અજોડ અનુપમ બેનમૂન સ્વોપજ્ઞવૃત્તિ સહિતની અણમોલ કૃતિરૂપ પ્રતિમાશતક ગ્રંથરત્ન, આપણા સૌના અતિ પરમ સદ્ભાગ્યને કારણે આપણને દુષમકાળમાં પણ સ્થાપનાનિલેપે રહેલ પરમાત્માના સ્વરૂપને પીછાણવા માટે પ્રાપ્ત થયેલ છે.
પ્રતિમાશતક ગ્રંથરત્ન શબ્દશઃ વિવેચન ભાગ-૧ અને ભાગ-રના પ્રકાશન પછી ભાગ-૩ના પ્રકાશન માટે અનેક વિદ્વાન વર્ગની સતત માંગણી આવતી જ રહી છે કે ભાગ-૩નું પ્રકાશન ક્યારે થશે ? પરંતુ અન્ય સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોના સંપાદન-સંશોધન કાર્યની વ્યસ્તતાને કારણે તેમ જ નાદુરસ્ત તબિયત રહેતી હોવાને કારણે થોડો વિલંબ થયો છે.
ખરું કહું તો, મારી નાદુરસ્ત તબિયતના કારણે રાજનગર મુકામે પૂજ્યોની આજ્ઞાથી સ્થિરતા કરવાનું બન્યું એ અરસામાં યોગ-અધ્યાત્મગ્રંથ-મર્મજ્ઞ પંડિતવર્યશ્રી પ્રવીણભાઈ ખીમજીભાઈ મોતા પાસે યોગગ્રંથો અને અધ્યાત્મગ્રંથોના વાચનનો સુઅવસર સાંપડ્યો, તેને મારા જીવનની સોનેરી ક્ષણો ગણું છું. એમાં પણ જ્યારે મહાકીમતી રત્ન કરતાં પણ શ્રેષ્ઠ રત્નસ્વરૂપ, મહામૂલા નજરાણા જેવા પ્રતિમાશતક ગ્રંથરત્નના વાચનનો અવસર સાંપડ્યો ત્યારે તો ભૂખ્યાને સુધા સંતોષવા ઘેબરનું ભોજન મળે, તરસ્યાને તૃષા છિપાવવા જળનું પાન મળે અને જે તૃપ્તિનો - આલ્લાદનો અનુભવ થાય, એનાથી પણ વિશેષ તૃપ્તિનો-આલ્લાદનો અનુભવ થયો છે અને એનું વિવેચન લખવાની ક્ષણોમાં એકાગ્રતાની અનુભૂતિ થઈ છે, તો આંશિક સંવેગના માધુર્યનો રસાસ્વાદ ચાખવા મળ્યો છે, તેના કારણે અસતાવેદનીયકૃત શરીરની પીડામાં કાંઈક હળવાશનો અનુભવ થયો છે. અન્યથા શરીરવિષયક આર્તધ્યાનથી નવા અનેક કર્મોની હારમાળા સર્જાતી રહેત. પંડિતવર્યશ્રી પ્રવીણભાઈ ગ્રંથવાચન કરાવતા તે વખતે રોજેરોજના પાઠની સંકલના સ્વસ્વાધ્યાય માટે નોટરૂપે તૈયાર કરેલ ત્યારપછી અનેક જ્ઞાનપિપાસુ, તત્ત્વજિજ્ઞાસુ વર્ગની ભાવના-ઇચ્છા-માંગણીને અનુરૂપ એ વિવેચનની પુનઃ સુવાચ્ય અક્ષરરૂપે ટીકા-ટીકાર્થ-વિવેચન સહ ગોઠવણી કરી, પ્રેસકોપી તૈયાર કરી. તેમાંથી ૧ થી ર૯ શ્લોકની સંકલના પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ અને ૩૦ થી ૪૦ શ્લોકની સંકલના પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ રૂપે પ્રકાશિત થયેલ છે. હવે પ્રસ્તુત પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩માં ૬૧ થી ૧૯ શ્લોકની સંકલના ગીતાર્થ ગંગા સંસ્થાના ઉપક્રમે પ્રકાશિત કરવામાં આવે છે, જેમાં સર્વ લુંપાકમતનું-પ્રતિમાલપકનું નિરાકરણ પૂર્ણ થયેલ છે. હજુ ૭૦ થી ૧૦૪ શ્લોકની સંકલના તૈયાર કરવાની બાકી છે, તે પરમાત્માની અચિંત્ય કૃપાશક્તિથી અનેક ગુરુભગવંતોના આશીર્વાદ અને ઉપબૃહણાથી તથા તત્ત્વજિજ્ઞાસુ વર્ગની શુભ ભાવનાથી જલદી પરિપૂર્ણ થાય એવી ઇચ્છા રાખું છું.