________________
યહુદીઓને અન્ય જાતિઓથી અલગ પાડતા કાયદાઓનો પગપેસારો થવા લાગ્યો. યહૂદીઓને અસ્પૃશ્ય બનાવવા માટે વોસ શહેરના ‘ગટો' (વાડો) નામે ઓળખાતા અલાયદા વિભાગમાં એમને રહેવા માટે મજબૂર કરવામાં આવ્યા. જાતિદ્વેષને કારણે માનવ દાનવ બન્યો હતો. અલાયદા વાડામાં વસતા યહૂદીઓ પર હિંસક ત્રાસ આપવાનું મોકળું મેદાન મળી ગયું. એમને સ્વાથ્યની સામાન્ય સગવડોથી વંચિત રાખવામાં આવ્યા, રોગચાળો ફેલાવા લાગ્યો. બે ટંક ભોજન મેળવવા માટે વલખાં મારવાં પડતાં હતાં. વસતીને જીવવું દોહ્યલું બન્યું.
ઇરેનાને એના પિતા પાસેથી લોહીમાં સેવાભાવના અને હૃદયમાં માનવતા મળી હતી. એણે યહૂદીઓની સલામતીની ચિંતા કરી. એમનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જાનના જોખમે ઝઝૂમીને વ્યવસ્થા કરવા લાગી. નિરાધાર કુટુંબોને આશ્રય આપ્યો. કેટલાકને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પહોંચાડી. બીજી બાજુ યહૂદીઓ વધુ ને વધુ બેહાલ બનતા હતા. માનવ તરીકેનો અધિકાર અને જીવવાના સઘળા હક્ક લગભગ છીનવાઈ ગયા હતા. આ સમયે ઇરેના સમાજસેવાને નામે લાચાર યહૂદીઓને મદદ કરતી હતી.
એક સમયે એણે સરકારી નેજા હેઠળ સેવાકાર્યો કર્યાં. નાઝીવાદ આવ્યો ત્યારે નવા કાયદા અમલમાં આવ્યા. આવે સમયે ગુપ્ત રીતે એણે નિઃસહાય યહુદીઓની સહાય કરવાનું ચાલુ રાખ્યું. વખત આવ્યે યહૂદીઓ પર દમન કરવાના નવા કાયદાનું ઉલ્લંઘન કરીને પણ એણે એની કામગીરી જારી રાખી.
આ સમયે ઇરેના સરકારી સેનિટેશન ઇજનેર તરીકે કામ કરતી હતી. આ એનું સરકારી ચોપડે નોંધાયેલું કામ હતું, પણ એના દિલના ચોપડે તો બેસહારાઓને તમામ પ્રકારે સહારો બનવાનો માનવતાનો લેખ લખાયો હતો. યહૂદીઓના આ ગેટોમાં ઇરોના દરરોજ સેનિટેશન ટ્રક લઈને જતી હતી. નાઝીઓને આમાં કશો વાંધો નહોતો. વિચારતા કે કોણ આવી વસ્તીમાં ટ્રક લઈને સાફ-સફાઈનું કામ સંભાળે ? વળી એમને એવો ભય પણ હતો કે ગેટોમાં ફેલાયેલો રોગચાળો એની દીવાલ કૂદીને એમના વિસ્તારમાં આવશે, તો ભારે થશે ! આવા ભયને કારણે ઇરેનાનું કામ કશીય રોકટોક વિના ચાલ્યું.
બરણીમાં જીવન • 5