________________
જાતિવાદનું ઝેર એટલું બધું પ્રસરેલું હતું કે એના પિતાના સહકર્મચારીઓએ એમની સાથે કામ કરવાનો ઇન્કાર કર્યો. પોતાનાથી ‘હલકા’ ગણાતા યહૂદીઓની સારવાર કરવાની ન હોય. તેમને તો મોતને હવાલે કરવાના હોય.
બન્યું એવું કે યહૂદી રોગીઓની સારવાર કરતાં કરતાં ઇરેનાના પિતા ખુદ આ ચેપી રોગના શિકાર બન્યા. ઇરેનાએ માત્ર સાત વર્ષની વયે પિતાનું શિરછત્ર ગુમાવ્યું. પોતાની માતા સાથે ઇરેના વોર્સો આવી. અહીં યહૂદી અને ખ્રિસ્તી વચ્ચે એ જ ભેદભાવ જોયો. શાળામાં યહૂદી બાળકો માટે ખાસ નિયમો બનાવવામાં આવ્યા હતા. અસ્પૃશ્ય હોય તેમ એમને અલાયદી જગામાં બેસવું પડતું હતું. ઇરેનાને આ રીતે બીજી અલાયદી જગાએ બેસવું પસંદ નહોતું, તેમ છતાં શિક્ષકો શિસ્તને નામે એમને અલગ બેસાડતા હતા.
ઇરેનાની આંખમાં એ દૃશ્ય હતું કે એના પિતાએ કશાય ભેદભાવ વિના બીમાર યહૂદીઓની સારવાર કરી હતી, તો આવાં યહૂદી બાળકો તરફ ભેદભાવ શા માટે? દરેક બાળક ઈશ્વરનું સંતાન હોય છે, તો પછી એમની વચ્ચે આવો ભેદભાવ શા માટે ? વળી એના પિતાએ શીખવ્યું હતું કે દરેક વ્યક્તિને માનવ તરીકે આદર આપવો જોઈએ. એનું માન સાચવવું જોઈએ અને એના સ્વાભિમાનને રક્ષવું જોઈએ. સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વના પાઠ શીખવ્યા હતા. આથી ઇરેનાએ નિશાળમાં યહૂદી બાળકો પ્રત્યેની અસ્પૃશ્યતાના નિયમનો પ્રખર વિરોધ કર્યો. પોતાના મિત્રો જેવા યહૂદી સહાધ્યાયીઓથી અલગ બેસવાનો ધરાર ઇન્કાર કર્યો. નિશાળનું તંત્ર ચોંકી ઊઠ્યું. સરકારી ફરમાનનું ઉલ્લંઘન એ તો વિદ્રોહ ગણાય. ઇરેનાના વિરોધના સૂરમાં સંચાલકોને બળવાની આગ જોવા મળી. ઇરેનાને ત્રણ વર્ષ માટે શાળામાંથી બરતરફ કરવામાં આવી. આ સમય દરમિયાન એને કહેવામાં આવ્યું કે એ પોતાનું વલણ બદલે તો નિશાળમાં પુનઃ પ્રવેશ મેળવી શકશે, પણ ઇરેના મનુષ્યતા ખોઈને વિદ્વત્તા મેળવવા ચાહતી નહોતી. એણે સ્પષ્ટ ઇન્કાર કર્યો. એ પછી એણે પૂરી મહેનતથી અભ્યાસ કર્યો અને બીજા વિશ્વયુદ્ધ પૂર્વે સ્નાતકની પદવી પણ મેળવી.
હિટલરના જર્મનીનો નાઝી પ્રભાવ પોલૅન્ડ પર પથરાતો હતો. 4 * જીવી જાણનારો