Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
ગઈ હતી તેનો પુરાવો પ્રાકૃત સાહિત્યમાં મળતી અદ્ભુત યંત્રવિદ ‘કોક્સાસ” નામની વાર્તા આપે છે.
આપણા પ્રાચીન મીમાંસકોએ વાર્તા સાહિત્યને બે પ્રકારોમાં વહેંચ્યું છે. - કથા અને આખ્યાયિકા. મનોરંજક કલ્પનોત્ય વાર્તાઓને કથા અને ઐતિહાસિક, પૌરાણિક કથાનકને આખ્યાયિકા કહેવામાં આવે છે.
કથાને પણ ધર્મકથા, અર્થકથા, કામકથા, નિદર્શન કે દૃષ્ટાંત કથા એવા જુદા જુદા વર્ગોમાં આપણા પ્રાચીન મીમાંસકોએ વહેંચી છે.
પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્યમાં વાર્તા કોઈ વિચારની સ્થાપના કે દલીલની સચોટતાનું સાધન મનાયું છે. ધર્મના ગૂઢ અને સૂક્ષ્મ એવા સિધ્ધાંતો સાધારણ માણસો પણ સમજી શકે એ માટે વૈદિક, બૌદ્ધ અને જૈન એ ત્રણે ધારાઓમાં ટૂંકા ટૂંકા કથાનકોનો ઉપયોગ થયેલો છે. ભારતીય પરંપરાની જેમ ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મની પરંપરામાં પણ આ પ્રકારે વાર્તાનો ઉપયોગ કરીને ધર્મના સિદ્ધાંતો જનસામાન્ય માટે હસ્તામલકત બનાવાયા છે.
રોજિંદી જિંદગીમાં આપણે આપણા મતને પુષ્ટ કરવા દાખલાઓ આપીએ છીએ. પ્રાચીનોએ આ કામ વાર્તાઓ પાસેથી લીધું છે. આ પ્રકારની વાર્તાઓ તે નિર્દશન કથાઓ. આ પ્રકારની વાર્તામાં વાર્તા કરનારો પોતાનો મત અથવા અભિપ્રાયને વાર્તાના રૂપમાં એવું સુંદર અને સચોટ રીતે નિરૂપે છે કે સાંભળનારને ગળે એ વાત ઉતરી જાય છે. જૈન સાહિત્ય -
ભારતની જ્ઞાન સમૃધ્ધિ બહુ જૂના વખતથી જાણીતી છે અને અપાર છે. તે અનેક જાતની છે. એ જ્ઞાન સમૃધ્ધિની અનેક શાખાઓમાં એક જ શાખા આ વિદ્યાના અભ્યદયકાળમાં હજુ પણ એવી રહી છે કે જેની બાબતમાં પશ્ચિમીય વિચારકોની દષ્ટિ પણ ભારત તરફ વળે છે. એ શાખા તે દાર્શનિક વિદ્યાની શાખા.
એમા જૈન દર્શનનું સાહિત્ય બૌધ્ધ દર્શનના સાહિત્યની પેઠે મગધમાં જ જન્મ પામેલું. પણ પછીના કાળમાં તેની રચના દક્ષિણ અને ઉત્તર હિંદુસ્તાનમાં થતી ગઈ અને છેલ્લા પંદરસો વર્ષનો ઇતિહાસ તો સ્પષ્ટ કહે છે કે જૈન દર્શનના પ્રધાનતમ સાહિત્યની રચના, તેની પુરવણી અને તેનો વિકાસ એ બધું જ ગુજરાતમાં જ થયું. છે. આથી જ કેટલાય અપૂર્વ અને દુર્લભ ગ્રંથરત્નો એક માત્ર ગુજરાતના ખૂણે ખાંચરેથી અત્યારે પણ જડી આવે છે.