Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
પ્રકરણ-૧
જૈન કથા સાહિત્યનો ઉદ્ગમ, સ્વરૂપ, વ્યાખ્યા, પ્રયોજન તથા જૈન કથાના લક્ષણો અને પ્રકારો
પ્રાચીન કથા સાહિત્યઃ
વિવિધ દેશમાં જે પરંપરાગત ઉત્તમ વાર્તાઓ છે તેમાંની કેટલીય વાર્તાઓનું ઉદ્ભવ સ્થાન ભારત છે. ભારતનું વાર્તાધન આ રીતે વિશ્વની લોકવાર્તાનું પિયર છે.
આપણે આપણી ભારતની ઉત્તમ વાર્તાના વૈભવ વારસાના પરિચયથી વંચિત છીએ. મૂળ અંગ્રેજીમાંથી જે વાર્તાઓ ગુજરાતીમાં લાવ્યા છીએ. પણ તે તો મૂળભૂત રીતે આપણી ભારતની જ સંસ્કૃત, પ્રાકૃત, પાલી જેવી ભાષાઓમાં લખાયેલી વાર્તાઓ છે. અને આપણે ત્યાંથી જ આરબો દ્વારા અને અન્ય રીતે પશ્ચિમમાં ગઇ
છે.
‘સિંદબાદ ધ સેવર’ની વાર્તાના ગુજરાતીમાં અનેક રૂપાન્તરો આપ્યા. તે વાર્તાનું મૂળ તો આપણી પ્રાકૃત ભાષામાં રચાયેલી ચારુદત્તની વાર્તામાં છે. શુદ્રકના નાટકના નાયક ચારુદત્ત કરતા આ ચારુદત્ત જુદો છે. એની કથા જુદી છે. આજની કોઇ પણ રહસ્ય કથાની હરિફાઇ કરી શકે તેવી આ કથા છે. અને વિશ્વ વિખ્યાત અરેબિયન નાઇટ્સમાં વાર્તા સંકલનની જે યુક્તિ છે. તેનું મૂળ અહીંની ‘અનંગ સુંદરી’ વાર્તામાં
છે.
સાહિત્યમાં હાલના પ્રચલિત એવાં સર્વ સ્વરૂપ-પ્રકારો પૈકી વાર્તા પ્રાચીનતમ છે. યુગ પૂર્વે રચાયેલા સાહિત્યમાં એક યા બીજા રૂપમાં વાર્તાતત્ત્વનું પ્રાધાન્ય રહ્યું છે. ઋગ્વેદના દસમ મંડળના આખ્યાનોથી શરૂ કરીને શામળ સુધીની સંસ્કૃત, પ્રાકૃત અને જૂની ગુજરાતીમાં વાર્તા વિવિધ સ્વરૂપે વિહરતી રહી છે.
વાર્તાકારની કલ્પનાનો સૃષ્ટિકાળ ક્રમે વાસ્તવિક ઘટનારૂપે નિહાળવા મળે એવું જગતે જોયું છે. આજે આપણે વિમાન દ્વારા આકાશમાં ઉડ્ડયન કરીએ છીએ. વિમાન જ્યારે શોધાયું ન હતું ત્યારે આપણા પુરાણોએ આકાશમાં ઊડતા વિમાનોની કલ્પના કરેલી છે. આમ શસ્ત્ર, અસ્ત્ર, શિલ્પ વિવિધ પ્રકારના યંત્રો વિશે પ્રાચીન સાહિત્યમાં અનેક ચમત્કારપૂર્ણ કથાનકો મળે છે.
જે જમાનામાં માણસે યંત્ર રચનામાં કોઇ વિશેષ સિધ્ધિ પ્રાપ્ત કરી ન હતી ત્યારે-એ જમાનામાં વાર્તાકારની કલ્પના તો કેટલી ઉચ્ચ ભૂમિકાને, સીમાને આંબી
1