Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
સર્વ-ધર્મ સમન્વય : પૂ. વિનોબાજીના વિચારોના સંદર્ભમાં
ડૉ. નિરંજના વોરા
(બૌદ્ધદર્શન અને જૈનદર્શનના વિશેષ અભ્યાસી ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં પ્રાધ્યાપક છે. ૧૫ પુસ્તકો પ્રકાશિત થયા છે. અનેક સેમિનારનું આયોજન કર્યું છે. હસ્તપ્રતોનું સંપાદનકાર્ય એમની પ્રિય પ્રવૃત્તિ છે.)
પૂ. વિનોબાજી સ્વભાવથી જ સમન્યવાદી છે. તેમના વિચાર, તેમની દષ્ટિ, તેમનું કાર્ય, તેમની પ્રેરણા-સંક્ષેપમાં તેમનું સમગ્ર-જીવન સમન્વયપ્રેરિત છે, સર્વમાં સંવાદિતા સાધનારું છે. ઈહલોક અને પરલોક; વિચાર અને આચાર; જ્ઞાન, ભક્તિ અને કર્મ; સાધના અને સેવા; વ્યક્તિ અને સમાજ આદિ સર્વ ક્ષેત્રોમાં તથાકથિત ભેદ અને વિરોધનું નિરસન કરવું અને સમન્વય સ્થાપિત કરવો, તે જ તેમનું જીવનલક્ષ્ય હતું.
વિજ્ઞાનના વિકાસની સાથે સાથે આજે વિશ્વના દેશો વચ્ચેનું અંતર ઘટી રહ્યું છે, મનુષ્યની દષ્ટિ વિશાળ બનતી ગઈ છે. આજે કોઈ ધર્માનુયાયી પોતાને જ સર્વશ્રેષ્ઠ માનવાની ભૂલ કરી શકે નહિ, કરવી ન જોઈએ. જો કે આજે ધર્મ સંપ્રદાયોના રૂપમાં વિભાજિત થઈ ગયા છે અને મનુષ્યો વચ્ચેના સંબંધોને જોડવાને બદલે તોડવાનું કાર્ય કરી રહ્યા છે. તેમ છતાં ધર્મનો ત્યાગ કરી દેવો અથવા દુનિયામાંથી ધર્મમાત્રનું અસ્તિત્વ સમાપ્ત કરી દેવું તે ન તો સંભવિત છે કે ન તો ઈચ્છનીય. વિનોબાજી માને છે કે ધર્મોએ આપસમાં એકબીજાનો વિરોધ કરવાને બદલે સાથે મળીને જે અધર્મ છે – સર્વથા અહિત કરનારું છે તેનો વિરોધ અને તેનો ત્યાગ કરી દેવો જોઈએ. ધર્મનું જે શુભ તત્ત્વ છે, ઊર્ધીકરણ કરનારું તત્ત્વ છે – દરેક ધર્મમાં જે સર્વ સામાન્ય તત્ત્વ છે તેના આધાર પર માનવધર્મનું નિર્માણ કરવું જોઈએ. ધર્મવિચારની મીમાંસાના સંદર્ભમાં જોઈએ તો ગાંધી-વિનોબાના જીવનદર્શનમાંથી એક નવો માનવધર્મ નિર્મિત થઈ રહ્યો છે. તેની વિશેષતા
જ્ઞાનધારા-૧
૧૨૭
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=