Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
આચાર્યોની હાજરીમાં વિદૂષી સ્ત્રીઓને પણ પોતાનું વક્તવ્ય રજૂ કરવા દેવાની પરવાનગી આપવામાં આવતી નથી.
બીજી બાજુ સ્ત્રીઓમાં શૈક્ષણિક તથા ધાર્મિક અજવાસની રુચિ વધી રહી છે. જ્ઞાનપ્રાપ્તિના માર્ગે સ્ત્રીઓ આગળ વધી રહી છે. મહિલા સ્વાધ્યાય સંઘો, મહિલા ભક્તિ મંડળો તથા સમાજસેવાનાં ક્ષેત્રમાં સ્ત્રીઓ દ્વારા નિર્માણકારી ચેતના જાગૃત થઇ રહી છે.
.
પ્રભુ મહાવીરના અનુયાયીઓ, સ્યાદ્વાદ અને અનેકાન્તના ઉપાસકો પોતપોતાના સંપ્રદાય અને ગચ્છો-પેટાગચ્છોમાં વહેંચાઇ-વિખરાઇ ગયા છે. તેઓ પોતાના નાનામાં નાના અહમ પોષે છે. જૈન એકતા માટે ખાસ કોઇ નક્કર વિચારણા આકાર લેતી નથી. આ કાર્યમાં સૌથી મહત્ત્વનો ભાગ સાધુજનો ભજવી શકે, પરંતુ દુઃખની સાથે કહેવું પડે છે કે તેઓ પોતે જ પોતાના અહમને પોષવામાં પડ્યા છે. આજથી ત્રણસો વર્ષ પહેલા આનંદઘનજી, ઉપાધ્યાય યશોવિજયજીએ ગચ્છના આ ભેદો વિશે બળાપો અને વ્યથા વ્યક્ત કરી હતી. આજે પણ પરિસ્થિતિમાં ઝાઝો ફેર પડ્યો નથી.
ચતુર્વિધ સંઘના મહત્ત્વના અંગ સમાન શ્રાવકો-મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના સમાજના લોકોને માટે આવાસનો પ્રશ્ન મુંબઇ જેવા શહેરમાં અતિ મહત્ત્વનો છે. રોજી-રોટી રળવા માટે પોતાનું વતન છોડીને આવેલા આ વર્ગને રહેવા માટે સસ્તા ભાડાના ઘરોનું સુવ્યવસ્થિત આયોજન થાય એ અતિ આવશ્યક છે. આ ક્રિયામાં શ્રીસંઘ તથા આચાર્ય મહારાજો પ્રેરણા આપે. અલબત્ત આ બાબતે હમણાં કેટલાંક આચાર્યો કાર્યરત છે પણ તે આંગળીને વેઢે ગણી શકાય એટલાજ છે.
જ્ઞાનધારા-૧
૩૦૨.
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧