Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
પૂ. આનંદૠષિજીએ સંતોને ટિફીન તથા માઇક વાપરવાની છૂટ આપેલ. આની સાથે આપણે સંતોના સાદડી સંમેલનને પણ યાદ કરવું જોઇએ. જેમાં સમર્થમલજી, આત્મારામજી આદિ આચાર્યોએ ઊભા થઇને પોતાના આચાર્યપદ રૂપી પરિગ્રહનો પણ ત્યાગ કરી. એકજ આચાર્યની નિશ્રા સ્વીકારેલ. પરંતુ આજે પણ અમુક સંપ્રદાય ટિફીન લેતા નથી, માઇક પંખા વગેરે વાપરતા નથી. ત્યારે એક જ્ઞાની સંતે કહ્યું કે વર્તમાન સમયમાં શાસ્ત્રના નિયમ પ્રમાણે જે ચારિત્ર પાળે છે તેમની પણ જરૂર છે અને જમાના પ્રમાણે જૈન ધર્મનો વિશ્વમાં પ્રચાર કરે તેવાં આધુનિક સંતોની પણ જરૂર છે. ચતુર્વિધ સંઘે સંપ્રદાયના આચાર્યોને મળી સમાધાન કરવું જોઇએ. એક બીજા ગચ્છસાધુની નિંદા ન કરાય અને જેઓને ધર્મ-પ્રચારની ઉત્કટ ભાવના હોય તો તેરાપંથીની જેમ સંયમ-નિર્વાહના પણ વિભાગ કરી દેવા જોઇએ. એક પંચ મહાવ્રતધારી સંત, બીજા ત્રણ મહાવ્રતધારી. જેઓ પરિગ્રહની મર્યાદા સાથે વાહન વાપરી ધર્મ પ્રચારક બને. પછી રાગ-દ્વેષ, નિંદાને અવકાશજ નહીં. અમુક ગચ્છના સંતો તો તેમજ કહે છે કે ભગવાને સાબુ, સોડા વગેરે વાપરી સંતોને સ્વચ્છ-સુંદર રહેવાનું કહ્યું નથી. ચોમાસામાં તેમને અઠમ પણ વરસાદના લીધે થઇ જાય છે. ત્યારે તેમના ત્યાગને નમન થઇ જાય છે. જો કે અમ્માપિયા શ્રાવક-શ્રાવિકાએ તુરતજ દરવાજા ખુલા રાખી, સૂઝતો આહાર રાખી ભાવના ભાવે કારણ કે ગોચરી વહોરાવતી પહેલા, વહોરાવ્યા પછી તથા વહોરાવતી વખતે ઉત્કૃષ્ટ ભાવ હોય તો ભગવાન ૠષભદેવની જેમ તીર્થંકર ગોત્ર બંધાઇ જાય. આના માટે વર્તમાન તથા ભવિષ્યના શ્રાવક-શ્રાવિકા રૂપી તીર્થને શાસ્ત્રનું પઠન, જ્ઞાન તથા વ્યાખ્યાનમાં જવું આવશ્યક છે. પ્રતિદિન નવકાર મંત્ર ગણવા, સામાયિક પ્રતિક્રમણ શીખવું તથા કરવું, જૈનત્ત્વની પ્રારંભિક નિશાની છે. વર્તમાન – પરિસ્થિતિમાં આ બધા ગુણો આપણે ધરાવીએ છીએ ? જવાબ નકારાત્મક હોય તો આના સમાધાન માટે સંતો-દાનવીરો-વિદ્વાનો, લેખકો, પત્રકારો પોતાની સમાધાન પ્રત્યેની નૈતિક જવાબદારી નિભાવે છે ? આપણેજ શિથિલાચારી બનાવી આપણેજ નિંદા કરીએ છીએ. શ્રાવકો સંતોની સાધનામાં સહાયક બને, વિરાધક નહીં.
જ્ઞાનધારા-૧
२७१
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧