Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
હોવાનું માની શકાય. એ સમયના યુગપ્રધાન જૈનાચાર્ય શ્રી જિનચંદ્રસૂરિએ પોતાના સ્વહસ્તે તેમને દીક્ષા આપી હતી અને પોતાના પ્રથમ શિષ્ય સકલચંદ્ર ગણિના શિષ્ય તરીકે તેમને જાહેર કરી તેમનું દીક્ષિત નામ સમયસુંદર રાખ્યાના ઉલ્લેખો મળે છે.
જન્મ સમયની જેમ જ તેમના જન્મનામનો પણ ક્યાંય ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી. એટલે દીક્ષા અંગીકાર કરી સમયસુંદર બનતા પહેલા એમનું બાલ્યવયનું નામ શું હતું તે વિશે કશું જાણવા મળતું નથી. દીક્ષા લીધા પહેલા સમયસુંદરે કંઇ અભ્યાસ કર્યો કે નહિ એ વિશે પણ કોઇ નિર્દેશ મળતો નથી. મારવાડના સાંચોર જેવા પછાત ગામમાં અભ્યાસ માટે તેમને અનુકૂળતા મળી હોય તે સંભવિત નથી. દીક્ષા પછી અભ્યાસ માટે તેમને ઘણી બધી તક મળી હતી એમ એમના લખાણ પરથી જાણી શકાય છે.
સમયસુંદરે પોતાનો અભ્યાસ વાચક મહિમરાજ અને સમયરાજ ઉપાધ્યાય પાસે કર્યો હતો. 'ભવશતક' અને 'અષ્ટલક્ષ્મી’ નામની પોતાની કૃતિમાં આ બંનેને એથી જ તેઓ વિદ્યાગુરુ તરીકે ઓળખાવે છે. 'ભવશતક' અને અષ્ટલક્ષ્મી’ જેવા ગ્રંથો જોતા લાગે છે કે કવિએ વાચક મહિમરાજ અને સમયરાજ ઉપાધ્યાય પાસે બેસીને કાવ્યો, ટીકાઓ, વ્યાકરણ અને ધર્મશાસ્ત્રોનો ઘણો ઊંડો અભ્યાસ કર્યો હશે. કવિના ઉચ્ચ અભ્યાસ, તીક્ષ્ણ બુદ્ધિ, અસાધારણ પ્રતિભા અને તપસ્વી તથા સંયમી સાધુજીવન જોઇને શ્રી જિનચંદ્રસૂરિએ તેમને સં. ૧૯૪૦માં મહા સુદ પાંચમના દિવસે ગણિપદપ્રદાન કર્યું હતું.
દાદાગુરુ શ્રી જિનચંદ્રસૂરિએ સં. ૧૬૪૪માં ખંભાતમાં ચાતુર્માસ કર્યું એ પછી તેઓ અમદાવાદ પધાર્યા. એમના ઉપદેશથી પોરવાડ જ્ઞાતિના સોમજી તથા એમના ભાઇ શિવાએ શત્રુંજય મહાતીર્થનો સંઘ કાઢ્યો હતો. એ સંઘમાં પોતાના દાદાગુરુ અને વિદ્યાગુરુ સાથે કવિ સમયસુંદર પણ જોડાયા હતા.
જ્ઞાનધારા-૧
૧૮૧
જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૧