Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
• પ્રસ્તાવના ૦
15
અને સેંકડો ગ્રંથસંદર્ભોથી ખચિત ટીકા રચીને અભ્યાસી વિદ્વાનોને એક સ્થળે અનેક ગ્રંથોનો અર્ક પ્રાપ્ત કરાવી પ્રસન્ન કર્યા છે. એના ગુજરાતી વિવેચનોએ સામાન્ય અભ્યાસીઓને પણ ગ્રંથના હાર્દને સમજવામાં ઘણી સહાય કરી છે. આ ઉપરાંત “ભાષારહસ્ય”, “સ્યાદ્વાદરહસ્ય” (ભાગ ૧-૨-૩), “વાદમાલા',
ન્યાયાલોક' જેવા ગ્રંથ ઉપર નવ્યન્યાયની છાંટથી ભરપૂર ટીકા રચવા દ્વારા ટીકાકારશ્રીનું નવ્યન્યાયનું ગહન અધ્યયન પણ જાણીતું બન્યું જ છે.
પ્રસ્તુત પ્રકાશનમાં રાસની પ્રત્યેક કડીનું સંસ્કૃત-રૂપાંતર પદ્યમાં અપાયું છે. એક કડી ઉપર વિવેચન કરવું અપેક્ષાએ સરળ છે. પણ એક પદ્યમાં કડીના હાર્દને પૂરેપૂરું સમાવવું એ કઠિન કાર્ય છે. લેખકશ્રી માટે પણ આવું કાર્ય કરવાનું પ્રાયઃ પ્રથમવાર આવ્યું હશે. છતાં આપણે કડી અને પદ્યને વાંચીએ ત્યારે “રચનાકાર અહીં સફળ થયા છે' - એવી ખાતરી થાય છે.
સંસ્કૃત ટીકા રચતી વખતે ટીકાકારશ્રી વાચકોને તે તે વિષયની ગહનતામાં લઈ જવા માટે વિષયસંબંધિત અનેક ગ્રન્થસંદર્ભો રજૂ કરી રાસ અને ટબાના હાર્દ સુધી પહોંચાડે છે.
મહોપાધ્યાયજીએ જે જે ગ્રંથોનો ઉલ્લેખ કરીને કે જે જે સંદર્ભોને નજર સામે રાખીને વિષયની રજૂઆત કરી છે, ખંડન-મંડન કર્યા છે તે તે સંદર્ભો અને એની ચર્ચા આમાં થઈ હોવાના કારણે વિષયના એક-એક તાણાવાણાને સ્પષ્ટ રીતે સમજવામાં ઘણી સહાય મળે છે. - રાસ અને ટબાના પાઠનિર્ણય માટે ગણીશ્રીએ ૩૬ હસ્તલિખિત પ્રતિઓનો અને અન્ય મુદ્રિત રાસના ત્રણ પુસ્તકોનો ઉપયોગ કર્યો છે. ગણીશ્રીએ કરેલી પાઠશુદ્ધિનો લાભ આ અભયશેખરસૂરિજીને પણ મળ્યો છે.
ગણિવરશ્રી ગુજરાતી વિવેચન દ્વારા રાસ અને ટબાના અર્થને સરસ ખોલી આપે છે. ટીકાનો સરળ ભાવવાહી અનુવાદ પૂર્વપક્ષ-ઉત્તરપક્ષની સ્પષ્ટ સમજ તો આપે જ છે અને છેલ્લે ચર્ચાના અંતે આધ્યાત્મિક ઉપનય આપી સરસ ઉપસંહાર કરે છે. જે વાંચતાં આવી લાંબી ચર્ચા દ્વારા જે તારણ નીકળ્યું તે કેટલું મહત્ત્વનું અને લાભદાયી છે ? એ સમજાઈ જાય છે.
મુનિ યશોવિજયજીએ ભગવતીસૂત્રના જોગ કર્યા છે. પદસ્થ બન્યા છે. વર્ષોથી તેઓ મોટા ક્ષેત્રોમાં ચાતુર્માસ-વ્યાખ્યાન આદિ જવાબદારીઓ સંભાળે જ છે. શિષ્યાદિને અધ્યાપનાદિ કરાવે છે. વર્ધમાનતપની ૯૪ ઓળીઓ કરી છે અને સાથે સાથે ઉત્કૃષ્ટ પ્રકારની સાહિત્યિક પ્રવૃત્તિ, સંશોધન, સંપાદન, ટીકા રચના, અનુવાદાદિ દ્વારા અભ્યાસીઓ ઉપર ખૂબ ખૂબ ઉપકાર કરેલ છે. ગણિવરશ્રીને લાખ લાખ અભિનંદન. એમના આ સાહિત્યનો અભ્યાસીઓ ખૂબ ઉપયોગ કરી સ્વ-પરનું કલ્યાણ કરે એજ મંગળકામના.
મૌન અગિયારસ, સિદ્ધપુર, વિ.સં. ૨૦૬૩, ભાભર-તારંગા છરીપાલિતસંઘનો પડાવ.
આ. વિજય ભદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન મુનિરાજ શ્રીજિનચન્દ્ર વિજય મ.ના શિષ્ય
આ. વિજય મુનિચન્દ્રસૂરિ