________________
સરળ લાગતી બુદ્ધની વાતમાં તત્ત્વનાં ઊંડાણ છે. ધ્યાનમાં બહાર વહેતી ચિત્તધારા અંદર તરફ વળે છે અને ધ્યાન સિદ્ધ થતાં તે આત્મામાં સ્થિતિ કરી લે છે. ત્યાર પછી બાહ્ય જગતનું અસ્તિત્વ છાયા સમું બની જાય છે. પછી સ્ત્રી શું કે પુરુષ શું? સુંદર શું કે સામાન્ય શું બધાનાં પરિમાણ બદલાઈ જાય છે. ત્યાં વિલસે છે આત્મતત્ત્વ જે પોતાના સ્વભાવમાં વર્તે છે. ત્યાર પછી બચે છે કેવળ સાક્ષીભાવ – જે ધ્યાનસાધનાનું ઊંચું શિખર છે. - સાક્ષીભાવ દર્પણ જેવો હોય છે. તેમાં જતી આવતી વસ્તુઓનું પ્રતિબિંબ ઝિલાય પણ જેવી વસ્તુ ખસે કે અરીસામાં પડતું પ્રતિબિંબ ઓઝલ થઈ જાય છે. દર્પણ વસ્તુના પ્રતિબિંબને સહેજ પણ સંગ્રહે નહીં. વસ્તુ ખસી કે દર્પણ ખાલી. સાક્ષીભાવમાં સ્થિતિ થયા પછી સમસ્ત સંસારનું અસ્તિત્વ છાયાથી કંઈ વિશેષ ન લાગે. એક રીતે આ જીવનમુક્ત અવસ્થા છે. તેમાં જીવન રહે પણ સંસાર ન રહે. - સાક્ષીભાવ એ જ્ઞાતા-દ્રષ્ટાભાવથી પણ આગળની અવસ્થા છે. જ્ઞાતાદ્રષ્ટાભાવમાં જોનાર અને જાણનાર રહે છે પણ તે રાગ-દ્વેષથી રહિત હોય છે. આ ભાવ એક રીતે ફોટોપ્લેટ જેવો હોય છે. એમાં જ્ઞાતા-દ્રષ્ટાએ જે જાણ્યું કે જે જોયું તેની છાપ રહી જાય, પણ જ્ઞાતા-દ્રષ્ટા તેના પ્રતિ ઉદાસીન હોય. જ્યારે સાક્ષીભાવમાં વસ્તુનું પ્રતિબિંબ છાયાવત હોય છે. જેવી વસ્તુ ખસી કે તેની છાયા પણ ખસી જાય. પછી ત્યાં તેની કોઈ છાપ રહેતી નથી. આમ સાક્ષીભાવમાં સ્થિત ચેતના સંસારમાં રહેવા છતાંય સંસારથી અલિપ્ત હોય છે. સાક્ષીભાવ એ ધ્યાન-સાધનાનું બહુ ઊંચું શિખર છે. ત્યાં સુધી મહાત્માઓ જ પહોંચી શકે છે.
પરમ ધ્યાન કૌસાનીના પહાડી પ્રદેશમાં આવેલા અનાસકત આશ્રમમાં સૂર્યોદય જોવા વહેલી સવારે ભેગા મળેલા પ્રવાસીઓમાં ચાર મિત્રો હતા. તેઓ ગિરિપ્રદેશમાં સવાર-સાંજ આમતેમ ફરવા જતા હતા. નાની મોટી કેડીઓ પકડીને તેઓ કોઈ વાર દુર્ગમ પહાડોમાં પહોંચી જતા હતા. એક દિવસ સૂર્યોદય જોયા પછી તે ચારેય મિત્રો ચાલતા ચાલતા એક નિર્જન સ્થળે
ધ્યાનવિચાર