________________
ખીણમાં વિસ્તરેલી વનસ્પતિ સાથે અને પક્ષીઓના કલરવ સાથે તદ્રુપ થઈ ગયો અને વળી પાછો ખોવાઈ ગયો.
ધ્યાનનું આ બહુ ઊંચું શિખર છે. તેમાં સ્વયંના સ્વતંત્ર અસ્તિત્વનો ખ્યાલ સુધ્ધાં ઓગળી જાય છે અને પછી વર્તે છે કેવળ સમષ્ટિનું અસ્તિત્વ જેનામાં સર્વ સમાઈ જાય છે જે અદ્યાપિ પર્યંત અજ્ઞેય જ રહ્યું છે. તેમ છતાંય વિવિધ નામે તેનો ઉલ્લેખ થતો રહ્યો છે. આ છે પરમ ધ્યાન. એમાં સ્વયંનું અસ્તિત્વ, પરમ અસ્તિત્વ પરમાત્માથી ભિન્ન નથી રહેતું.
-
‘સહજ ધ્યાન’માં આપણે ધ્યાનનાં કેટલાંક શિખરોનાં દર્શન કર્યાં. ધ્યાન એ જીવનની મોટામાં મોટી ઉપલબ્ધિ છે. તે પ્રાપ્ત કરવા માટે સૌએ પોતાનો ધ્યાનમાર્ગ પસંદ કરવો જોઈએ કે તેનું સ્વયં નિર્માણ કરી લેવું જોઈએ. ધ્યાનાર્થીની પસંદગી માટે પુસ્તકમાં વિધ વિધ ધ્યાનો બતાવેલ છે. તેમાં ઘણાં બધાં ધ્યાનો તો સરળ છે પણ શુક્લ ધ્યાન જેવાં બે-ત્રણ ધ્યાનો સાધવાં દુષ્કર છે. વિષય અપૂર્ણ ન રહે તેથી પુસ્તકમાં તેમનો સમાવેશ કર્યો છે. બાકી અત્યારે તો તેની કેવળ જાણકારી પર્યાપ્ત બની રહેશે. બીજી એક મહત્ત્વની બાબત એ છે કે કોઈ પણ ધ્યાન લેતા પહેલાં સાધકે પરમાત્મશક્તિનું સ્મરણ કરી, તેને વંદન કરી, ધ્યાનની સફળતા માટે પ્રાર્થના કરીને ધ્યાન લેવું જોઈએ અને તેના પ્રતિ કૃતજ્ઞતા વ્યકત કરી ધ્યાનનું સમાપન કરવું જોઈએ. માનવી ગમે તેટલો સક્ષમ હોય પણ તેની શક્તિ મર્યાદિત છે. અજ્ઞાત અસ્તિત્વનું ભાવપૂર્વક ઝૂકીને સ્મરણ કરતાં તેની સાથે આપણું અનુસંધાન થઈ જાય છે અને આપણને ખબર પણ ન પડે તેમ તેની સહાય આપણને આવી મળે છે. તેના પ્રતિની કૃતજ્ઞતાના ભાવથી મળેલી સિદ્ધિ સ્થિર થાય છે અને ચિત્તમાં પ્રસન્નતા પ્રવર્તે છે.
૨૪
ધ્યાનવિચાર