________________
અનેક પ્રસંગોમાંથી એક કે વધારે પ્રસંગોની કલ્પના કરીને તેના ઉપર ધ્યાન કરી શકાય. સામાન્ય રીતે જૈનોમાં સમોવસરણમાં બેઠેલા અતિશયોથી યુક્ત, આઠ પ્રાતિહાર્યોથી શોભતા તીર્થંકર પરમાત્મા ધ્યાન માટે વધારે લેવાય છે. જૈન ગ્રંથોમાં તેના વિશે વિસ્તૃત લખાણો-વર્ણનો થયેલાં છે અને વ્યાખ્યાનોમાં પણ તેનું સવિસ્તર વર્ણન અવારનવાર થતું જ હોય છે. તેથી સમોવસરણનું ધ્યાન લેવું દેરાસર અને ઉપાશ્રયે જતા જૈન માટે વધારે સરળ અને સુલભ બની રહે છે. વળી તેમાં એટલી બધી સામગ્રી હોય છે કે ધ્યાનને વિધ વિધ રંગે રંગી શકાય અને લાંબો સમય તેના ઉપર ચિંતવન કરી શકાય.
રૂપસ્થ ધ્યાન, સરળ એટલા માટે છે કે તેમાં મૂર્તિ કે ચિત્રનું આલંબન સ્પષ્ટ અને પરિચિત હોય છે. તેથી તેને પકડીને કલ્પના કરવી કે ચિંતનમાં ઊતરવું ઠીક રહે છે. આ ધ્યાન કરતી વખતે ખાસ એ લક્ષ રાખવાનું કે તે સમયે મન અન્ય વિષયો ઉપર ભટકતું ન રહેવું જોઈએ. આ ધ્યાનમાં રૂપથી શરૂ કરીને ગુણ ઉપર જવાનું હોય છે તે તેની વિશિષ્ટતા છે. આ રીતે ધ્યાન કરવાથી ધ્યાનમાં વૈવિધ્ય રહે છે જેથી મન તેમાં પકડાયેલું રહે છે.
તીર્થંકર પરમાત્માના ગુણોનો વિચાર કરતાં કરતાં જો સાધક તેની સાથે તન્મય થઈ જાય અને થોડીક વાર માટે પણ જો તેને પોતાના અસ્તિત્વની વિસ્મૃતિ થઈ જાય તો તે સમયમાં અનંત જન્મોનાં કર્મો ખપાવીને મોક્ષની નજીક પહોંચી જાય છે. તે સમયે જો આયુષ્યકર્મનો બંધ પડે તો તે નિયમા ઉચ્ચ દેવલોકનો જ હોય. બાકી આ ધ્યાન ધરતાં સતત કર્મક્ષય થતો જ રહે છે જે તેને મોક્ષમાર્ગે આગળ વધવામાં ઘણો સહાયરૂપ નીવડે છે.
રૂપાતીત ધ્યાન
ધર્મધ્યાનનો ચોથો પ્રકાર રૂપાતીત ધ્યાનનો છે. આ ધ્યાન ઘણી ઊંચી ભૂમિકાનું છે. આ ધ્યાન પરમાત્માના રૂપ કે આકારનું ચિંતવન કર્યા વિના કરવાનું હોય છે માટે તે અઘરું પડે છે. આ ધ્યાન ઘણું દુષ્કર છે અને અધ્યાત્મની ઊંચી ભૂમિકા સુધી પહોંચેલા યોગીઓ આ ધ્યાન લઈ શકે છે. આ ધ્યાન માટે લોકાગ્ર ઉપર સ્થિતિ કરેલ અમૂર્ત સિદ્ધાત્માઓનું ચિંતવન કરવાનું હોય છે. સિદ્ધાત્માઓને રૂપ કે આકાર નથી હોતાં પણ તેમનું અસ્તિત્વ અલગ હોય છે. તેઓ સકલ કર્મોનો ક્ષય કર્યા પછી આલોકના અગ્ર
ધ્યાનવિચાર
૪૧