________________
(અસ્તિત્વનો ઘટક) તદ્દન શુદ્ધ-વિશુદ્ધ અવસ્થામાં આવી જાય ત્યારે તે જ પરમાત્મા બનીને પરમાત્મભાવમાં વિલશે. આ રીતે લઈએ તો ધ્યાનની યાત્રાનાં ત્રણ ચરણ બને છે. બહિરાત્મદશા, અંતરાત્મદશા અને પરમાત્મદશા. વાચક આ રીતે વાતનો જરા વિચાર કરી જુએ.
ઓશોએ સાક્ષીભાવ પ્રતિની યાત્રા કરવા માટે જરા જુદી રીતે ત્રણ ચરણ ગણાવ્યાં છે જે સાધક માટે ઘણાં આવશ્યક છે. પ્રથમ ચરણ છે તમારા શરીર પ્રતિની જાગરૂકતા. શરીરમાં કંઈ પણ થતું હોય તે તમારા ધ્યાન બહાર હોય નહીં. તેની પ્રતિક્રિયા કરવાની નથી પણ કેવળ દ્રષ્ટા બનીને તેને જોયા કરવાનું છે. બીજા ચરણમાં ઓશો તમારા વિચારો પ્રતિ સજાગ રહેવાનું કહે છે. તમે ધાર્યું ન હોય, ચિંતવ્યું પણ ન હોય એવા કેટલાય વિચારો નિરંતર તમને આવ્યા જ કરે છે. એમાંથી કેટલાય ધ્યાન બહાર જતા પણ રહે છે. હવે તમે એટલા સજગ રહો કે કોઈ વિચાર તમારા ધ્યાન બહાર રહે નહીં. આ બીજું ચરણ સૂક્ષ્મ છે. ત્રીજા ચરણમાં તમારે તમારી ભાવદશાને - અનુભૂતિઓને તમારે હોશપૂર્વક જોવાની છે. તમારી અંદર ક્ષણે-ક્ષણે ભાવો બદલાતા રહે છે જેના દોર્યા તમે દોરાવ છો પણ હવે તમે પ્રત્યેક ભાવને - તેની અનુભૂતિને જોયા કરશો. જેવા તમે તમારા ભાવને જોશો કે તે તુરત જ સ્થિર થઈ જશે. આગળનાં બે ચરણ કરતાં આ ચરણમાં જોવાની વાત વળી વધારે સૂક્ષ્મ છે. •
જે સાધક હોશપૂર્વક આ ત્રણેય ચરણ સાધી લે છે તેનામાં તત્કાળ શાંતિ ઊતરવા લાગે છે. તે સ્વસ્થ બનતો જાય છે. આ ત્રણેય પરિણામો ભેગાં થતાંની સાથે તમારા વ્યક્તિત્વનું રૂપાંતર થઈ જાય છે. આ ત્રણેય અવલોકનોમાં તમે સતત સભાન રહો છો કે તમે એ ત્રણેયથી જુદા છો અને તેમને જુઓ છો. તમે શરીર નથી, તમે વિચાર નથી, તમે અનુભૂતિ નથી કે ભાવ નથી પણ તમે તે બધાના સાક્ષી છો. આમ સાક્ષી સધાતાં ચેતના તમારા તરફ પાછી વળે છે અને તમારામાં સ્થિતિ કરે છે ત્યારે તમને ચમત્કાર જેવું લાગે છે. ધીમે ધીમે દ્રષ્ટા અને દશ્ય એક બની જાય છે અને તમે તેનાથી અલિપ્ત સાક્ષીભાવમાં આવી જાવ છો. આ બહુ મોટી છલાંગ છે પણ તે શિખર છે માટે તેના તરફ ઇશારો કર્યો છે. આ પરમ આનંદની અવસ્થા છે. જેને તુરીય અવસ્થા કહે છે.
ધ્યાનવિચાર