________________
જે ઘટિત થાય છે તે શબ્દાતીત હોય છે. ત્યાર પછી તમે સંસારમાં રહો તો પણ તમને સંસાર સ્પર્શી શકતો નથી. ભગવાન બુદ્ધ આ માટે કહે છે તમે પાણીમાંથી નીકળો છો પણ તમારા પગને પાણી અડકતું નથી. વાસ્તવિકતામાં આ આખી યાત્રાનું લક્ષ્ય આત્મસ્થ બનીને પરમાત્મભાવમાં અવસ્થિત થવાનું છે.
સામાન્ય રીતે સાધક સાક્ષીભાવથી આગળ વધી શકતો નથી અને આ ભાવ પણ જો તે સજગ ન રહે, પ્રમાદમાં રહે તો ઝાઝો સમય ટકતો નથી. ઓશો સાક્ષીભાવ ઉપર પહોંચીને ધ્યાનની યાત્રા અટકાવી દેતા નથી પણ તેઓ પંદર મિનિટનું પાંચમું ચરણ રાખે છે જેમાં તમારે સાક્ષી ભાવમાં સ્થિતિ કર્યા પછી તેનો ઉત્સવ મનાવવાનો હોય છે અને પ્રગટેલી જીવંતતાને માણતા રહેવાની અને દઢ કરતા રહેવાની હોય છે. ત્યાર પછી સાધનાનું સમાપન થાય છે. ધ્યાન તો સંપન્ન થઈ જાય છે પણ સાધક ધ્યાન દરમિયાન પ્રગટેલી જીવંતતાને આખો દિવસ અનુભવ્યા કરે છે. તે સંસારની બધી પ્રવૃત્તિઓ કરે છે પણ તેનાથી રંગાયા વિના કે ક્ષુબ્ધ થયા વિના.
:
ઓશો અહંકારને ધ્યાનની મોટી બાધા ગણે છે. અહંકારમાં તમે કંઈ બનવા માગો છો જ્યારે ધ્યાનમાં જે બને છે તેને સાક્ષીભાવે જોયા કરવાનું છે. માણસમાં અહંકાર જેટલો પ્રચુર તેટલો તે ધ્યાનમાં નહીં ઊતરી શકે. અહંકાર ઓગળી ગયા પછી જ અસ્તિત્વ સાથે સંવાદ બની રહે છે. બુદ્ધ કહેતાઃ તમે તણખલા જેવા હળવા બનીને અસ્તિત્વ સાથે વહેવા માંડો, તમે વિશ્રામમાં આવી જશો. ધ્યાનમાં અસ્તિત્વથી તૂટવાનું નથી પણ અસ્તિત્વ સાથે જોડાવાનું છે. ચેતના અને અસ્તિત્વનું મિલન થઈ જાય એકમેવ થઈ જાય તે ધ્યાન જ છે. પરમાત્મા વસ્તુ કે વિષય નથી. તે સમષ્ટિ છે. તમારું કેન્દ્ર વાસ્તવિકતામાં અસ્તિત્વના કેન્દ્રથી ભિન્ન નથી. ધ્યાનમાં તેનો બોધ થાય. ધ્યાન મનની ઘટના નથી, મનની પારની અવસ્થા છે. ધ્યાન સ્વયંમાં વિશ્રામ છે. તમારી ચારેય બાજુ જે ઘટિત થઈ રહ્યું છે તેને જીવંત સમગ્રતા બનવા દો, તે એમ જ છે તેનો સ્વીકાર કરશો તો જ તમે વિશ્રામપૂર્ણ થઈ જશો. ઈન્કારમાં તમે તનાવગ્રસ્ત બની જાઓ છો. અસ્તિત્વનો સ્વીકાર એ વિશ્રામપૂર્ણ હોવાનો ઉપાય છે. ધ્યાનમાં આત્મનિરીક્ષણ નથી પણ આત્મસ્મરણ છે
આત્મસ્થિતિ છે.
૭૪
ધ્યાનવિચાર
-
-