________________
૫. પ્રેક્ષાધ્યાન
અત્યારે ભરોસાપાત્ર કહી શકાય તેવાં જે ધ્યાનો છે તેમાં પ્રેક્ષાધ્યાન આવે છે. આ ધ્યાન પાછળનો આશય લોકકલ્યાણ હોવાથી તેનું વેપારીકરણ થયું નથી તે તેનું મોટું જમા પાસું છે. આ ધ્યાનના પ્રણેતા તેરાપંથના ગણાધિપતિ તુલસી અને આચાર્ય મહાપ્રજ્ઞ છે. મોટે ભાગે સાધુઓ અને શ્રમણો તેનું સંચાલન કરે છે. આ ધ્યાનનો આશય આધ્યાત્મિક તો છે જ પણ સાથે સાથે સ્વસ્થ જીવનને પણ એમાં એટલું જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આમ તો આ ધ્યાનની શિબિરો યોજાય છે પણ આપણે તેને ઘરે બેઠાં વ્યક્તિગત રીતે કરીને તેનો લાભ લઈ શકીએ. જો આપણે તેને દરરોજ કરતા રહીએ તો આપણું જીવન સ્વસ્થ બની રહે અને સ્વભાવ પરિવર્તન થઈ જાય.
-
પ્રેક્ષાધ્યાનનાં મુખ્ય અંગ છેઃ કાયોત્સર્ગ, શ્વાસપ્રેક્ષા, શરીરપ્રેક્ષા, ચૈતન્યકેન્દ્રપ્રેક્ષા, લેશ્યાધ્યાન અને અનુપ્રેક્ષા. શિબિરમાં તો આખો દિવસ ધ્યાન કરવાનું હોવાથી વિધ વિધ સમયે આ બધાં ધ્યાન કરાવવામાં આવે છે. પરંતુ જો આપણે જીવનની બધી પ્રવૃત્તિઓ સાથે રોજ ધ્યાન કરવાના હોઈએ તો તેના એકાદ અંગ ઉપર ધ્યાન કરતા રહીએ તો પણ તે પર્યાપ્ત બની રહે. આપણી આવશ્યકતા પ્રમાણે ધ્યાનનાં અંગ પસંદ કરીને ધ્યાનને બદલી પણ શકાય. એક જ કલાકમાં ધ્યાનનાં બધાં અંગોને સ્પર્શ કરવાનું શકય નથી અને તેમ કરવા જતાં તેનો લાભ નહીં વર્તાય.
પ્રેક્ષાધ્યાનમાં પ્રવેશ કરવા માટે થોડીક પૂર્વ તૈયારીઓ કરવાનું આવશ્યક છે. તે માટે એકાંત સ્થળ અને સવારનો સમય વધારે અનુકૂળ રહેશે. ધ્યાન લેતાં પહેલાં ટી.વી., રેડિયો કે સમાચાર પત્રો વાંચવાથી અળગા રહેવું જરૂરી છે. જો તેમ નહીં થાય તો ધ્યાન લાગશે પણ નહીં અને લાગશે તો સારું નહીં લાગે. ધ્યાન કરતાં પહેલાં ચિત્ત શાંત હશે – ડહોળાયેલું નહીં હોય તો ધ્યાનમાં સત્વરે પ્રવેશ થઈ જશે. ધ્યાન માટે શરીરની સ્થિરતા અનિવાર્ય છે.
-
ધ્યાનવિચાર
૭૫