________________
બેઠા હો, જે પરિસ્થિતિમાં હો, ત્યાં તે જ સમયે બધાથી અલિપ્ત થઈ જવાનું છે. આ માટે શરૂઆતમાં તમારે કેવળ થોડુંક ચિંતવવાનું છે કે અહીં મારી આસપાસ જે કંઈ છે તે હું નથી. અહીં જે કંઈ બની રહ્યું છે તેની સાથે મારે કંઈ નિસ્બત નથી. અરે, જે શરીરને આશ્રયીને હું રહ્યો છું તે પણ હું નથી. આમ ચિંતવન કરતાં કરતાં તમારે સૌનાથી અલગ પડી જઈને કેવળ હોવાનું છે. તમે છો ખરા, પણ કોઈ સાથે તમે જોડાયેલા નથી, તમે કશાયથી લેપાયેલા નથી. તમે કેવળ છો. આ ધ્યાન બહુ ઊંચા પ્રકારનું ધ્યાન છે. તે સધાતાં તમે અત્યંત શાંત અને સ્વસ્થ બની રહેશો. એક રીતે આ ધ્યાન તદ્દન સરળ છે તો બીજી રીતે તે અઘરું છે. પણ જો અભ્યાસ રાખ્યો હશે તો ધ્યાન એટલું મુશ્કેલ પણ નથી. થોડોક સમય પણ આ ધ્યાન સધાયું હશે તો અપૂર્વ તાજગીની અનુભૂતિ થયા કરશે.
આ ઉપરાંત બીજું એક નાનું પણ અત્યંત અસરકારક ધ્યાન છે. તેમાં તમારે બધાથી અળગા થવા જેટલો પણ ઉદ્યમ કરવાનો નથી. તેમાં તમારે થોડીક વાર માટે ફકત તમને જ ભૂલી જવાના છે. જાણે કે તમારું અસ્તિત્વ જ નથી અને આસપાસ જે કંઈ થઈ રહ્યું છે તેની અંતર્ગત તમે નથી કે તે બધું તમારી અંદર નથી. જ્યાં તમે જ નથી રહેતા પછી તમારે કયાંય રહેવાના કે હોવાનો પ્રશ્ન જ નથી રહેતો. આ ધ્યાન સિદ્ધ કરવું જરા મુશ્કેલ છે પણ તે થયા પછી કોઈ પ્રશ્ન જ નથી રહેતો. નિર્વાણને મળતું આ ધ્યાન છે. આ ધ્યાનમાં ઊતરનાર વ્યકિતને માટે સંસારની કોઈ સમસ્યા બાધક નથી રહેતી કે તેનું અસ્તિત્વ કોઈને બાધક નથી બનતું. આ ધ્યાન સધાયા પછી વ્યકિતનું અસ્તિત્વ એક છાયા સમું બની જાય છે અને પછી તે સંસાર રહે ત્યાં સુધી સુખે વિચરે છે. . • આમ અહીં ધ્યાનના જે ચાર-પાંચ નાના પ્રયોગો બતાવ્યા છે તે અલ્પ સમય માટે સાધી શકાય તેવા છે પણ તેનું મહત્ત્વ ઘણું વધારે છે. સંસારની અનેકવિધ પ્રવૃત્તિઓ વચ્ચે રહીને પણ અલ્પ સમય માટે કરેલાં આ ધ્યાનોમાં જીવનને સ્વસ્થ, શાંત અને પ્રસન્ન રાખવાની ઘણી તાકાત રહેલી છે. આવાં ધ્યાનો કંઈ એક દિવસમાં સિદ્ધ નથી થઈ જતાં. તેને સિદ્ધ કરવા માટે થોડોક અભ્યાસ જરૂરી છે. એક વખત અભ્યાસ થઈ જાય પછી થોડીક વારમાં જ તે લાગી જાય છે. ધ્યાનવિચાર
૧૦૯