Book Title: Dhyanvichar
Author(s): Chandrahas Trivedi
Publisher: Gurjar Agency

View full book text
Previous | Next

Page 103
________________ પ્રાર્થના કરીએ છીએ. આ ધ્યાન માટે ખાસ કોઈ પૂર્વતૈયારી કરવાની હોતી નથી. તેથી સંસારની પ્રવૃત્તિઓની વચ્ચે જ્યાં અને જ્યારે સમય મળે ત્યારે પણ તે થોડીવાર માટે કરી શકાય તેવું છે. કોઈ પણ પરિસ્થિતિમાં હોઈએ અને જો ત્યાં થોડોક ફાજલ સમય મળી જાય તો તેટલા સમય પૂરતું આ ધ્યાન કરી શકાય તેવું છે. આ ધ્યાનથી ચિત્ત શાંત અને સ્વસ્થ થઈ જાય છે. આ ધ્યાનના સાધકના જીવનમાં એક પ્રકારની સ્થિરતા આવી જાય છે. આ ધ્યાનથી તનાવનું વિસર્જન થતું રહે છે તેથી તન-મન હળવાશ અનુભવે છે. લાંબે ગાળે આ ધ્યાનના સાધકના સ્વભાવમાં પરિવર્તન આવતું જાય છે અને તેનો જીવન પ્રત્યેનો અભિગમ બદલાઈ જાય છે. અલ્પ પ્રયાસે વધારે સ્વસ્થતા આપનાર આ ધ્યાન છે. આ ધ્યાન હોય કે કોઈપણ ધ્યાન હોય, ધ્યાનના અર્થીએ પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરીને ધ્યાને લેવું અને તેમને વંદન કરીને ધ્યાનનું સમાપન કરવું જરૂરી છે - પછી ભલે તે માટે લાંબી વિધિ ન કરીએ. દર્શન ધ્યાન ધ્યાન વિધ-વિધ રીતે થઈ શકે છે. તેમાં આ રીતે જ ધ્યાન થાય અને બીજી રીતે ધ્યાન ન થાય તેવો આગ્રહ અસ્થાને છે. જે આપણને અનુકૂળ આવે અને જેનાથી આપણા ચિત્તને શાંતિ મળે, મન પ્રસન્ન રહે તે ધ્યાન સાધી શકાય. એ રીતે બહુજનસમાજમાં જે પ્રચલિત છે અને જે ઘણા લોકો નિત કરે છે તે દર્શનનું ધ્યાનમાં રૂપાંતર કરી શકાય તેવું છે. ભગવાનનાં જે દર્શન આપણે રોજ કરીએ છીએ તે દર્શનનું જો આપણે ધ્યાનમાં પરિણમન કરી લઈએ તો આપણને ધ્યાનથી મળતા ઘણા લાભો સહેજમાં મળી જાય તેમ છે. તે માટે આપણે વધારાનો બીજો સમય પણ ખાસ ફાળવવાની જરૂર પડે તેમ નથી. ક્રિયા તો એની એ જ રહે પણ તે કરવાની રીતમાં અને તેના ભાવમાં થોડોક ફેરફાર કરવો પડે. ધર્મમાં જે લોકોને આસ્થા હોય છે તે લોકો સામાન્ય રીતે પોતાના સંપ્રદાયના દેવમંદિર કે દેરાસરમાં રોજ જતા હોય છે. કેટલાક લોકો તો ૧૦૨ ધ્યાનવિચાર

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114