________________
ચૈતન્ય કેન્દ્ર પ્રેક્ષાનો આરંભ શક્તિકેન્દ્રથી શરૂ કરીને ક્રમશઃ સ્વાસ્થ્ય કેન્દ્ર, તેજસ કેન્દ્ર, આંનદ કેન્દ્ર, વિશુદ્ધિ કેન્દ્ર, બ્રહ્મ કેન્દ્ર, પ્રાણ કેન્દ્ર, ચાક્ષુસ કેન્દ્ર, અપ્રમાદ કેન્દ્ર, દર્શન કેન્દ્ર, જ્યોતિ કેન્દ્ર, શાંતિ કેન્દ્ર અને અંતમાં જ્ઞાન કેન્દ્ર સુધી જવાનું હોય છે. દરેક કેન્દ્ર ઉપર બેથી મિનિટ ત્રણ રોકાઈને પ્રેક્ષા કરતા રહેવાની હોય છે. મહત્ત્વનાં કેન્દ્રો ઉપર વધારે ધ્યાન કરી શકાય અને ઓછાં મહત્ત્વનાં કેન્દ્રો ઉપર ઓછું રોકાઈ શકાય.
આ ધ્યાન કરતી વખતે એ ખ્યાલમાં રાખવાનું છે કે આનંદ કેન્દ્રની નીચેનાં કેન્દ્રો કામનાઓનાં કેન્દ્રો વિશેષતઃ છે અને તેની ઉપરનાં કેન્દ્રો વિવેકનાં કેન્દ્રો છે. બધાં જ કેન્દ્રોનું ધ્યાન ન કરવું હોય તો આનંદ કેન્દ્ર, વિશુદ્ધિ કેન્દ્ર, દર્શન કેન્દ્ર, જ્યોતિ કેન્દ્ર, શાંતિ કેન્દ્ર અને જ્ઞાન કેન્દ્રનું ધ્યાન કર્યું હશે તો પણ ઘણો લાભ થશે. તેનાથી વિવેક ચેતનાનું જાગરણ થશે – જ્ઞાનનો ઉઘાડ થશે, શાંતિનું અવતરણ થશે, દર્શનશક્તિનો વિકાસ થશે.
ચૈતન્ય કેન્દ્રનું ધ્યાન કરવાની રીત પણ સમજવા જેવી છે. જે કેન્દ્ર ઉપર ધ્યાન કરવું હોય તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને આગળથી પાછળ સુષુમ્મા સુધી ચિત્તને ફેલાવવું. ત્યાં થતાં પ્રકંપનોનો અનુભવ કરવો પણ તે માટે કોઈ પ્રતિક્રિયા કરવી નહીં. તે વખતે અનાયાસે જ કુંભક થઈ જાય છે.
જે જે ચૈતન્ય કેન્દ્રોની પ્રેક્ષા થાય છે ત્યાં પ્રાણધારા વેગીલી બને છે. પ્રાણધારાના સ્પર્શથી - સંસર્ગથી કેન્દ્રોની નિર્મળતા થાય છે. આ ધ્યાનથી ગ્રંથિતંત્ર સજગ થઈ જતાં ગ્રંથિઓની ક્ષમતામાં વધારો થાય છે. તેને કારણે તન-મનની જરૂરિયાતો પ્રમાણે ગ્રંથિઓમાંથી સ્રાવોની વધ-ઘટ થતી રહે છે. પરિણામે શરીરનું સ્વાસ્થ્ય અને ચિત્તની સ્વસ્થતા સારી રહે છે. ધ્યાનને લીધે ગ્રંથિતંત્ર સક્રિય બને છે અને તેની બહારથી નાડીતંત્ર પણ સક્ષમ બને છે. આ ધ્યાન સધાતાં શક્તિનો આવિર્ભાવ થાય છે અને આનંદ કેન્દ્રનું જાગરણ થાય છે. પરિણામે પદાર્થો માટેની પ્રતિબદ્ધતા ઓછી થતી જાય છે. આ ધ્યાનનો સૌથી મોટો લાભ છે સ્વસ્થતા અને ચિત્તની પ્રસન્નતા.
ધ્યાવિચાર