________________
ચૈતન્યકેન્દ્ર પ્રેક્ષા
પ્રેક્ષાધ્યાનનું આ એક વિશિષ્ટ અંગ છે. આપણા તન-મનને પ્રભાવિત કરનાર એક અંતઃસ્રાવી ગ્રંથિતંત્ર (એન્ડોક્રાઇમ સિસ્ટમ) છે અને બીજું નાડી– તંત્ર (નર્વસ સિસ્ટમ) છે. આ વૈજ્ઞાનિક તથ્યને નજરમાં રાખીને આ ધ્યાનની નિષ્પત્તિ કરાઈ હોય એમ લાગે છે. માણસોની આદતો-ટેવો કે કુટેવો, આવેગો વગેરેની ઉત્પત્તિ આ ગ્રંથિતંત્રમાં થાય છે અને તેની અભિવ્યક્તિ નાડીતંત્રમાં થાય છે. જો આપણે સ્વસ્થ રહેવું હોય તો આપણા ગ્રંથિતંત્રને સ્વસ્થ રાખવું જોઈએ. આ વાતને નજરમાં રાખીને ચૈતન્યકેન્દ્ર પ્રેક્ષાના ધ્યાનનું આયોજન થયેલ છે. જો ગ્રંથિતંત્ર સ્વસ્થ હોય તો સ્ત્રાવોનું યથાયોગ્ય નિયમન થતું રહે અને સ્વાસ્થ્ય જળવાઈ રહે.
આમ તો આપણી ચેતના શરીરવ્યાપી છે. છતાંય તે અમુક સ્થાનો ઉપર વિશેષ અભિવ્યક્ત થાય છે. આ સ્થાનો ઉપર જો સંકેતો છોડવામાં આવ્યા હોય તો તે તુરત ઝિલાય છે. જો આ મર્મસ્થાનોને આપણે સાધી લઈએ તો આપણા શરીર અને મન ઉપર આપણે ધાર્યો પ્રભાવ પાડી શકીએ અને સ્વસ્થ રહી શકીએ. ભારતીય યોગ પદ્ધતિમાં આ મર્મસ્થાનોને ચક્ર કહેલાં છે. આ ચક્રોનાં નામ છેઃ મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધિ, આજ્ઞા અને સહસ્રાર. જૈનયોગમાં તેને ચૈતન્યકેન્દ્રો કહેલાં છે. આ કેન્દ્રો છેઃ શક્તિકેન્દ્ર, સ્વાસ્થ્ય કેન્દ્ર, તેજસ કેન્દ્ર, આનંદ કેન્દ્ર, વિશુદ્ધિ કેન્દ્ર, દર્શન કેન્દ્ર અને જ્ઞાન કેન્દ્ર.
વાસ્તવિકતામાં આ ચૈતન્યકેન્દ્રોની નજીક જ આપણા તન-મનને પ્રભાવિત કરનાર અંતઃસ્રાવી ગ્રંથિઓ પથરાયેલી છે. આ ગ્રંથિઓ છેઃ ગોનાડ્સ, એડ્રીનલ, થાઇમસ, થાયરોઈડ, પિનિયલ અને પિચ્યુટરી. આ ગ્રંથિતંત્ર આમ તો સ્વયં સંચાલિત છે અને તેમાંથી નીકળતા વત્તા ઓછા સ્રાવો આપણા નાડીતંત્રને પ્રભાવિત કરી આપણા આવેગો અને શરીરનું નિયમન કરે છે. પ્રેક્ષાધ્યાનના પુરસ્કર્તાઓએ બીજાં કેટલાંક નાનાં ચૈતન્ય કેન્દ્રો શોધી કાઢ્યાં છે જ્યાંથી ચેતનાનો સ્પર્શ સરળતાથી થઈ શકે છે અને ભાવતંત્રનું નિયમન કરી શકાય છે. આ છે : બ્રહ્મકેન્દ્ર, પ્રાણકેન્દ્ર, અપ્રમાદ કેન્દ્ર, ચાક્ષુસ કેન્દ્ર, જ્યોતિ કેન્દ્ર અને શાંતિ કેન્દ્ર. એમાં જ્યોતિ કેન્દ્ર અને શાંતિ કેન્દ્ર વધારે મહત્ત્વનાં છે.
૮૪
ધ્યાનવિચાર