________________
બનતા અટકી જાય અને ભવની પરંપરા ટૂંકાવા લાગે. ચિત્તમાં નવા સંસ્કાર ન પડે એટલે નવી આસક્તિઓ ઊભી ન થાય. ચિત્તને નવા સંસ્કારનો આહાર ન મળે એટલે અંદર પડેલી જૂની આસક્તિઓ બહાર આવવા લાગે અને સાધક જો તેને પણ ન ભોગવે તો અંદર પડેલા સંચિત-સંગૃહીત સંસ્કાર ઘટવા લાગે.
ચિત્ત ઉપર નવા સંસ્કાર પડતા રોકવામાં આવે તેને સંવર કહે છે. સંવર સધાતાં ચિત્તમાં પડેલ જૂના સંસ્કારો બહાર આવે અને તેના પ્રતિ પણ સાધક ઉદાસીન રહે તો તે સંસ્કાર પણ ક્ષીણ થતા જાય – જેને નિર્જરા કહે છે. આમ વિપશ્યનાનો સાધક સાધના દરમિયાન ભવબીજ સમા સંસ્કારનો સંવર અને નિર્જરા કરતો રહે છે. તેનાથી તેનો સંસાર પરિમિત થતો જાય છે. આ સાધના ચરમ સીમાએ પહોંચે છે ત્યારે ભવબીજનો સદંતર નાશ થઈ જાય છે અને સાધક નિર્વાણને ઉપલબ્ધ કરે છે. જે વિપશ્યના સાધનાનું અંતિમ લક્ષ્ય છે.
હવે આ આખી વાતને ખૂબ સરળતાથી અને ટૂંકાણમાં કહીએ તો આસક્તિનું મૂળ કારણ શરીર અને ચિત્ત છે. વિપશ્યના કરતાં આપણી સમક્ષ શરીર અને ચિત્તની સચ્ચાઈઓ સંવેદન રૂપે બહાર આવે છે. જો આપણે તેના પ્રતિ રાગ-દ્વેષ કરીને તેના સંસ્કાર ન બનાવીએ તો તન-મન શાંત થવા લાગશે અને ભવ પરંપરા ક્ષીણ થતી જશે. આ બધી ચર્ચા ઉપરથી એ ફલિત થાય છે કે વિપશ્યનાનું હાર્દ ચિત્ત ઉપર પડતા, નવા સંસ્કારોને રોકવાનું છે અને પહેલાં પડેલા સંસ્કારોને નિર્જરવાનું છે.
આપણી અંદર નામ-રૂપની બે ધારાઓ સાથે ને સાથે વહે છે. ચિત્તની ધારાને નામ કહે છે, શરીરની ધારાને રૂપ કહે છે. આ બંને ધારાઓને પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે આહારની જરૂર પડે છે. ચિત્તની ધારા સંસ્કારના સિંચન ઉપર નભે છે. શરીરની ધારા મુખ દ્વારા લેવાતા સ્થૂળ આહાર અને શરીરનાં અન્ય છિદ્રો દ્વારા લેવાતા સૂક્ષ્મ આહાર ઉપર નભે છે. વિપશ્યના આ ધારાઓને સીમિત રાખે છે. આ બંને ધારાઓ ક્ષીણ થતાં મન શાંત અને શરીર સ્વસ્થ થતું જાય છે. કાળક્રમે તેને કારણે સંસાર સંકોચાતો જાય છે. એ રીતે વિપશ્યના ભવચક્રનું ધીમે ધીમે ધર્મચક્રમાં પરિવર્તન કરનાર સાધના બની જાય છે.
ધ્યાનવિચાર
૬