________________
વિરમી જાય છે. પણ જે કંઈ અલ્પ સમય માટે યોગી તેમાં અવસ્થિત થઈને રહે છે તે દરમિયાન તે વાસ્તવિક રીતે પરમાત્મભાવમાં હોય છે. આ ધ્યાન કેવળજ્ઞાન ઉત્પન્ન કરનાર અંતિમ શુકલ ધ્યાનનું કારણ બને છે.
સામાન્ય સાધકનું આ ધ્યાન લેવાનું ગજું નથી. અધ્યાત્મની ઘણી આગળની ભૂમિકાએ પહોંચેલા યોગીઓ કે અપ્રમત્ત મુનિઓને આ ધ્યાન હોઈ શકે છે. આ ધ્યાનથી ઘાતી કર્મોનો પૂર્ણ સંવર થાય છે અને સંચિત કર્મોમાંથી અનર્ગળ કર્મોની નિર્જરા થાય છે જેને કારણે આત્મા ઘણી હળવાશ અનુભવે છે. જે કંઈ અલ્પ કર્મનો તે વેળાએ આસ્રવ હોય તો તે બહુ ઊંચી કક્ષાના પુણ્યકર્મનો જ હોય છે અને ધ્યાનની વેળાએ જો આયુષ્ય કર્મનો બંધ પડે તો તે નિયમા ઉચ્ચ દેવલોકનો જ હોય. આ ધ્યાનની પૂર્વ અવસ્થા અને ઉત્તર અવસ્થા - બંને ઘણી મહત્વની હોય છે. ચિત્તની શુદ્ધિ વિના તેમાં પ્રવેશ થઈ શકતો નથી અને આ ધ્યાન વિરમ્યા પછી પણ યોગી થોડીક વાર સુધી સિદ્ધાત્માઓના ગુણચિંતનમાં વ્યસ્ત રહે છે. ત્યાર પછી તે ચિત્તને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્યની ભાવનાઓમાં રમતું રાખે છે.
આપણે આમ ધર્મધ્યાનના બે ભેદો વિશે વિચારણા કરી. આજ્ઞાવિચય, અપાયરિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચયની ચર્ચા કર્યા પછી પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત ધ્યાન ઉપર વિચાર કર્યો. ધર્મધ્યાન સાધકને અધ્યાત્મની ઊંચી ભૂમિકા સુધી લઈ જાય છે. ત્યાર પછી સાધક સંસારની જે પ્રવૃત્તિ કરે છે તે સ્વાભાવિક રીતે અલ્પ રાગ અને અલ્પ વૈષવાળી હોય છે. સાધકનું ચિત્ત મોક્ષમાં હોય છે. તેનું જીવન વધારે તો આત્મસ્થ હોય છે. તે સ્વભાવે શાંત થઈ ગયો હોય છે અને જીવનમાં 'આવતા ઉપદ્રવોથી તે વિચલિત થતો નથી હોતો. ધર્મધ્યાન પ્રાપ્ત થયેલ યોગીને અનુક્રમે વિશુદ્ધતાવાળી તેજોવેશ્યા, પદ્મલેશ્યા અને શુકલેશ્યા હોય છે. ધર્મધ્યાનમાં સ્થિર થયેલ સાધકને ઇન્દ્રિયોના વિષયોને ઓળંગી ગયેલ ઈન્દ્રિયાતીત સુખનો અનુભવ અહીં જ થતો હોય છે.
ધ્યાનની જિજ્ઞાસુએ બધાં ધર્મધ્યાન એક સાથે લેવાની ઉતાવળ ના કરવી પણ ધીમે ધીમે આગળ વધવું ઇષ્ટ રહેશે. અથવા તો કોઈ એક - ધ્યાનમાં સ્થિર થવું પણ ઠીક રહેશે. ધ્યાનવિચાર