________________
૩. આનાપાનસતી અને વિપશ્યના
અત્યારનાં પ્રચલિત ધ્યાનોમાં કદાચ વધારે વૈજ્ઞાનિક કહી શકાય તેવું ધ્યાન વિપશ્યના છે. વિપશ્યના ધ્યાન મૂળ તો બૌદ્ધ ધ્યાનપદ્ધતિ છે. ભગવાન બુદ્ધ સત્યનો સાક્ષાત્કાર કરવા માટે ધ્યાનના જે વિધવિધ પ્રયોગો કર્યા હતા તેમાંથી આપણને આજે આ પદ્ધતિ સુલભ છે. આ ધ્યાનની ભૂમિકા બૌદ્ધ તત્ત્વસિદ્ધાંતને આધારે રચાયેલી છે. વિપશ્યનાની શિબિરો સામાન્ય રીતે દસ દિવસની હોય છે. નિષ્ઠાપૂર્વક સમર્પિત થઈને આ ધ્યાન કરવાથી સાધકને શાન્તિનો અને સ્વસ્થતાનો અનુભવ થાય છે. એ વાત નિઃશંક છે. જો આપણે વિપશ્યના ધ્યાનનાં વિધિ-વિધાનો પાળવા માટે તત્પર હોઈએ તો તે ધ્યાન આપણે સ્વયં કરી શકીએ અને તેનાથી લાભાન્વિત થઈ શકીએ.
આપણે જોઈએ છીએ અને જાણીએ છીએ કે આજનો માણસ સતત અશાંતિ અને તણાવ વચ્ચે જીવે છે. આપણી પાસે બધાં સાધન હોય - સંપત્તિ હોય છતાંય આપણને હંમેશાં એક પ્રકારની બેચેની લાગ્યા કરે છે. આજે આપણે દુઃખી છીએ, અસ્વસ્થ છીએ, અશાંત છીએ કારણ કે આપણું મન ચંચળ છે. તે સતત દોડતું જ રહે છે. તે કયારેક ભૂતકાળને ફંફોળે છે. તો કયારેક ભાવિમાં ભટકતું રહે છે. તે ઠરીને કયારેય વર્તમાનમાં રહેતું જ નથી. જે વર્તમાન આપણા અતીતની ઊપજ છે અને આપણા ભાવિનો આધાર બની શકે છે તે વર્તમાનમાં આપણે ભાગ્યે જ જીવીએ છીએ. જે વર્તમાનને પકડી જાણે છે તે તેના ભાવિને સુધારી શકે છે. વિપશ્યના આપણને વર્તમાનમાં જીવતાં શિખવાડે છે.
આપણી અશાંતિ અને અસ્વસ્થતાનું બીજું કારણ આપણી અંદર પડેલા વિકારો છે. અંતરમનમાં સતત ઊઠતા વિકારો આપણને સતત દોડાવ્યા કરે છે – અશાંત કરી મૂકે છે. આ વિકારોની જ્યાં સુધી આપણે શુદ્ધિ નહીં કરીએ ત્યાં સુધી આપણને શાંતિ મળવાની નથી અને આપણા ઉપરની તાણ
૫૦
ધ્યાનવિચાર