________________
૨. જૈનધ્યાન
જૈન ધર્મે ધ્યાનની ઘણે અંશે પૂર્ણ કહી શકાય તેવી વિધિ વિકસાવી છે. સાધક જો તે અપનાવે અને અનુસરે તો તેને શાન્તિ અને સ્વસ્થતા તો મળે જ પણ સાથે સાથે તેને આધ્યાત્મિક ઊધ્વરોહણનો માર્ગ પણ મળી જાય. જૈન ધ્યાન પૂર્ણતયા આધ્યાત્મિક છે છતાંય ઐહિક ઉપલબ્ધિઓ પણ તેની અંતર્ગત રહેલી છે. અત્યારનાં ઘણાં બધાં ધ્યાનો કેવળ તનાવમુકિતને જ પોતાનું લક્ષ્ય બનાવે છે. એ ધ્યાનોથી તનાવમુકિત થાય છે ખરી, પણ ધ્યાન છૂટ્યા પછી વળી પાછો તનાવ એકત્રિત થતો જાય છે અને માણસ હતો ત્યાં ને ત્યાં જ પાછો આવીને ઊભો રહે છે. જૈનધ્યાનનો મોટામાં મોટો ફાયદો એ છે કે તનાવના મૂળ કારણ કષાયોને – રાગ-દ્વેષને જ તે પોતાનું નિશાન બનાવે છે જેથી તનાવનું નિર્માણ જ ન થાય અને થાય તો તે અલ્પ થાય.
આ તો ધ્યાનની ઐહિક ઉપલબ્ધિની વાત કરી પણ જૈન ધ્યાનનું લક્ષ્ય તો સકળ કર્મોનો ક્ષયનું જ છે. જૈનધર્મે સંસારની બધી આપત્તિઓ અને વિપત્તિઓનું મૂળ કર્મમાં જોયું અને તેને લક્ષમાં રાખીને જ ધ્યાનની વિધિ વિકસાવી છે. આમ જૈનધ્યાન સાંગોપાંગ આધ્યાત્મિક અને મોક્ષલક્ષી છે. - સામાન્ય રીતે ધ્યાન એટલે એકાગ્રતા અને તેના દ્વારા થતો શક્તિનો આર્વિભાવ. એકાગ્રતાથી શકિત ઉત્પન્ન થાય તેની ના નહીં પણ તે શક્તિ સારા માટે વપરાય અને ખોટા માટે પણ વપરાય, તેથી જૈનધર્મ માત્ર ધ્યાનને જ સારું માનતો નથી. તેથી જૈનધર્મે ધ્યાનનું સારા-ઉપકારક ધ્યાન અને ખોટા - અપકારક ધ્યાન વચ્ચે ભેદ કરી જાણ્યો છે. જે ધ્યાન કલ્યાણકારી છે તેને ધર્મધ્યાન કહે છે અને જે ધ્યાન આત્માનું હિત કરનારાં નથી તેને દુર્બાન કહે છે. કેવળ જૈનધર્મે જ ધ્યાનની બાબત આવો ભેદ કરી જાણ્યો છે. વાત એટલી જ નથી પણ જૈનધર્મે એ વાતનો આગ્રહ રાખ્યો છે કે જે ધ્યાનો આત્મા માટે ઉપકારક નથી તેનાથી મુક્ત થયા વિના કે તેને નબળાં પાડ્યા વિના, ધર્મધ્યાનમાં આગળ વધી શકાય નહીં.
ધ્યાનવિચાર
,