Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
આત્મીયતાના ઊંડા કે સઘન ભાવ બંધાયા વિના શી રીતે શક્ય બને ? ભાયાણી સાહેબ જેવા પ્રખર બુદ્ધિવાદી અને પોતાને “સંશયાત્મા’ ગણાવનાર માણસ પણ આ આત્મીયતાના સંસ્પર્શે હલી ઊઠ્યા છે અને જવાબ વાળતાં લખે છે કે “તમારા હમણાંના અનુભવને લગતી અને તેને નિમિત્તે કેટલીક વિગ્રંભવાર્તા કરવા માટે તમે મને પાત્ર ગણ્યો તેથી તમારા “આત્મીય ભાઈ એ સંબોધનને અર્થનો નવો પુટ મળ્યો છે (પત્ર-૧૦૨)”.
અને, એક સાધકને, એક નીતર્યા બૌદ્ધિકમાં “મનેર માનુષ” જડી ગયા પછી, આત્મીયભાવ કેવો હૃદયસ્પર્શી બને છે તે પણ અહીં જ જોઈ લઈએ. પત્ર ક્ર. ૧૦૧માં મકરંદભાઈ લખે છે :
“આધ્યાત્મિ-ક-ના કોઈ જ વાઘા વિના આપણી જે મૈત્રી થઈ છે, તમે જે મારી કાળજી લીધી છે, મને ભાષાકીય અને ભાવગત વિષયોમાં જે સ્નેહથી સદાય તત્પર રહી સહાય કરી છે, તેનું મારે મન બહુ મૂલ્ય છે. સદ્દગુરુમાં અને સંપ્રદાયોમાં હૃદય ઠર્યું નથી એ આવા પ્રીતિસંબંધોમાં ફૂલની જેમ ખીલી ઊઠે છે.” (પત્ર-૧૦૧)
“તમારા આગ્રહને તો અનુગ્રહ માનું, આજ્ઞાથે માનું. ભાઈ, તમે માત્ર ભાષાના પંડિત હોત તો વિનયથી માથું નમાવી ચાલતી પકડત. પણ મારી, કેટલાક શબ્દની પ્રથમ પૃચ્છાથી જ તમે વરસ્યા છો ને “ભાવગ્રાહી આત્મીય ભાઈ બની રહ્યા છો. અધ્યાત્મ-અધ્યાત્મ તો ઠીક, પણ આ જ માનવ-હૃદયની મોટી મૂડી છે.
God Speaks through whisper of a Friend, And all his love and light descend.”
(પત્ર-૧૦૪) મનેર માનુષ'ને શોધી લીધા પછી તેને નિતાંત “નિજનો જણ' બનાવવાની આ કેવી મથામણ ! ભાવાર્દ્રતાનો આ કેવો હૃદયંગમ વળાંક !.
આ આત્મીયતાનાં પગરણ પ્રથમ પત્રથી જ મંડાયાં હતાં, અને તેની પહેલ ભાયાણી સાહેબ તરફથી થઈ હતી, એ પણ, ભારે મજાની બાબત છે. ભાયાણી સાહેબ શુદ્ધ બુદ્ધિનિષ્ઠ માણસ; એ કદી ભાવુક કે લાગણીવશ બનવાનું વિચારે પણ નહિ. એમાંયે નવોસવો પત્ર-પરિચય હોય તેવી વ્યક્તિ સાથેના પ્રારંભિક-ઔપચારિક તબક્કાના વ્યવહારમાં પહેલે જ ધડાકે લાગણીનો સંસ્પર્શ અનુભવે- અનુભવાવે તે તો, તેમની અસલી તાસીરનો વિચાર કરીએ તો, કલ્પી પણ ન શકાય.
પણ મને લાગે છે કે મકરંદભાઈ સાધક તરીકે જેટલા સરળ, તેટલા જ કવિ તરીકે નટખટ હશે. સામી વ્યક્તિને કે તેની લાગણીને કેમ-કેવી રીતે અને ક્યારેછેડવી તે કળામાં તેઓ પાકા માહેર હોવા જોઈએ. લાગણી-હીણાનેય લાગણીભીના બનાવવાની કળાના એ સ-કળ-પુરુષ હશે એમ હું તો અટકળ કરું. એમણે પહેલા જ
15
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org