Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૪
નવમી ઢાળમાં અગિયાર ગાથા દ્વારા શ્રી મહાનિશીથ સૂત્ર, જ્ઞાતાધર્મકથા, રાયપણી સૂત્ર વગેરે આગમગ્રન્થોનો આધાર આપી મુનિ ભગવંતોને ભાવ-પૂજા અને ગૃહસ્થોને દ્રવ્ય તથા ભાવપૂજા હોવાનું ઉદાહરણ સાથે જણાવ્યું છે. દશમી ઢાળમાં નવગાથા દ્વારા દ્રવ્ય એ ભાવનું કારણ હોવાથી દ્રવ્યસ્તવ એ ભાવ સ્તવનું કારણ છે. પરિણતિ સ્વરૂપ નિશ્ચયધર્મ જીવનમાં પરિણત બનાવવા માટે પ્રવૃત્તિ સ્વરૂપ વ્યવહાર ધર્મની જરૂરિયાત વગેરેનું વર્ણન કર્યું છે. અગિયારમી ઢાળમાં અગિયાર ગાથા દ્વારા દેવાધિદેવ શ્રી સીમંધરસ્વામી પરમાત્માની “તારા ઉપરનો રાગ” પણ મારા “સંસારને નાશનું કારણ છે” વગેરે જણાવવા સાથે અંતરના ઉત્કટ ભાવપૂર્વક સ્તવના કરી છે. અને છેલ્લે ઉપસંહાર કરવા સાથે કર્તાએ પોતાના ગુરુના નામ નિર્દેશ સાથે પોતાના નામનો નિર્દેશ પણ કરેલ છે.
આ અગિયાર ઢાળમાં બતાવેલ વિષય વર્તમાન કાળની વાસ્તવિક વિષમતાને જણાવે છે. તેથી ખૂબ ગંભીરતાપૂર્વક સારી રીતે સમજવા જેવો છે. આ સ્તવન ઉપર પૂ. શ્રી પદ્મવિજયજી મ. સાહેબે ટબાર્થ લખેલ છે. લગભગ તેને અનુસારે પૂ. પં. શ્રી ચરણવિજયજી મ. સાહેબે તેમજ અન્ય વિદ્વાનોએ પણ ભાવાર્થ લખેલ છે. પરંતુ તે ભાવાર્થ વિદ્વદ્ભોગ્ય છે. એટલે તેના ઉપર બાલજીવો પણ સારી રીતે સમજી શકે એવા વિવેચનની જરૂર હતી.
આદરણીય પંડિતવર્ય શ્રી ધીરજલાલભાઈએ આ જરૂરિયાતને પૂર્ણ કરવા પોતાનાથી શક્ય બને તેટલો પ્રયત્ન આ વિવેચન દ્વારા કર્યો છે. સુંદર અને સરળ ભાષામાં કરાયેલ આ વિવેચન અભ્યાસકોને ખૂબ ઉપયોગી બનશે. તેમનો આ પ્રયત્ન કેટલા અંશે સફળતાને વર્યાં છે ? તે તો આ વિવેચનના વાચકો જાતે જ નક્કી કરી જણાવશે.
અભ્યાસોપયોગી આવા અન્ય ગ્રન્થો ઉપર પણ સુંદર વિવેચનો લખી જિજ્ઞાસુઓને આત્મ-પરિણતિ શુદ્ધ કરવામાં પંડિતજી સહાયક બને એજ અભ્યર્થના.
-રતિલાલ ચીમનલાલ દોશી (લુદરાવાળા)
ભાભર. (ઉ.ગુ.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org