________________
તા. ૧૬-૩-૯૩
પ્રબુદ્ધ જીવન
જેમ એક અરીસો એનામાં ગમે એટલાં નાના-મોટા, જાડા-પાતળા બધાં ય આકારના ને બધાં ય ચિત્ર વિચિત્ર રંગ ઢંગવાળાને આકાર પ્રકા૨વાળા પદાર્થોને, પ્રતિબિંબિત કરી સમાવી શકે છે તેમ આત્માના જ્ઞાનનું સર્વજ્ઞપણું પણ એક મહાન અરીસા રૂપ અથવા તો બિંબ અને આદર્શરૂપ છે, કે જેમાં આકાશ જેવું અસીમ ક્ષેત્રમહાન દ્રવ્ય અનાદિ અનંત સંસારી જીવને પુદ્ગલ દ્રવ્ય જે ક્રમથી અનંત આકારોને પામી રહ્યાં છે તેના અનંતભૂતને અનંત ભવિષ્યવત આકારોને યુગપદ એક જ સમયમાં પોતાની ચિદજ્ઞાયક શક્તિમાં અર્થાત ચીદાકાશમાં સમાવી શકે છે આત્માની આ ચિદશક્તિને તેથી જ તો ચિદાકાશ કહેલ છે. જડ એવાં આકાશદ્રવ્યમાં ચાર અસ્તિકાયના માત્ર પ્રદેશો જ સમાય છે. પરંતુ તે સર્વ અસ્તિકાયના પ્રદેશોમાં રહેલાં ગુણ-પર્યાયોને એટલે કે ભાવોને સમાવી શકતું નથી.
ઉદાહરણ તરીકે...સાકરનો એક ગાંગડો અથવા કણસમૂહ સ્કંધ છે જે આકાશમાં સમાયેલ છે અર્થાત આકાશમાં રહેલ છે. પરંતુ તે પુદ્ગલ સ્કંધ ગાંગડામાં રહેલ મીઠાસ, ચીકાસ, શ્વેતતા આદિ જે છે તે સાકરના ગુણ-ભાવ એ કણસમૂહ સ્કંધમાં સમાયેલ છે. એટલે કે શ્વેતતા, ચીકાશ, મીઠાશનું ક્ષેત્ર સાકરનો કણ સમૂહ છે અને નહિ કે આકાશાસ્તિકાય ! જેમકે ટેબલ ઉપર રહેલ દૂધનો કપ. કપ ટેબલ ઉપર રહેલ છે. પરંતુ દૂધ કપમાં ૨હેલ છે. આમ ક્ષેત્રના બે ભેદ પડ્યાં. એક તો પદાર્થમાં રહેલ સ્વગુણ ભાવોનું તેંત્ર અને તે સ્વગુણ ભાવોના આધાર રૂપ દ્રવ્ય (પદાર્થ)નું ક્ષેત્ર. સ્વદ્રવ્ય એ ક્ષેત્ર કહેવાય અને તે દ્રવ્યમાં રહેલ તે દ્રવ્યના ગુણ-પર્યાયો (ભાવ) ક્ષેત્રી કહેવાય.
સ્વગુણપર્યાય (સ્વભાવ)ને સમાવનાર જે દ્રવ્ય છે. તે સ્વદ્રવ્ય છે સ્વક્ષેત્ર છે. એ સ્વપ્રદેશના સમૂહરૂપ એક દ્રવ્ય છે. વળી એ સ્વપ્રદેશના સમૂહરૂપ દ્રવ્ય આકાશાસ્તિકાય દ્રવ્યમાં સમાયેલ છે.
આમ આકાશાસ્તિકાય એ ક્ષેત્ર છે. અને તેમાં સમાયેલ રહેલ બાકીના ચાર અસ્તિકાય દ્રવ્યો ક્ષેત્રી છે. અને તે ચાર અસ્તિકાય દ્રવ્યોના પ્રદેશપિંડમાં સમાયેલ, રહેલ ગુણભાવો ક્ષેત્રી છે અને તે દ્રવ્ય પ્રદેશપિંડ એ ગુણભાવોનું સ્વક્ષેત્ર છે, સ્વદ્રવ્ય છે.
આ પ્રમાણે ક્ષેત્ર-ક્ષેત્રી ભાવ બે રીતે ઘટાવાય ! એક ગુણ પર્યાયભાવોનું ક્ષેત્ર અને ગુણ-પર્યાય-ભાવના ક્ષેત્રનું ક્ષેત્ર. જેને આકાશાસ્તિકાય કહેવાય. ઉદાહરણ તરીકે હું વિમાનમાં છું. અને વિમાન આકાશમાં છે. હું નું સ્થાન-ક્ષેત્ર વિમાંન અને વિમાનનું સ્થાન ક્ષેત્ર આકાશ.
વર્ણ, ગંધ, રસ, સ્પર્શાદિનું ક્ષેત્ર પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય અને પુદ્ગલાસ્તિકાય દ્રવ્યનું ક્ષેત્ર આકાશાસ્તિકાય દ્રવ્ય એટલે કે આકાશ ક્ષેત્ર અને પુદ્ગલ-પ્રદેશપિંડ ક્ષેત્રી. એટલે વર્ણ, ગંધ, રસ, સ્પર્શાદિનું ક્ષેત્ર આકાશ દ્રવ્ય નહિ પણ પુદ્ગલપ્રદેશપિંડ.
વળી આ આકાશાસ્તિકાય દ્રવ્યનો પોતાનો ગુણ પોતાનો ભાવ આવગાહના પ્રદાન શક્તિ છે. તેથી નિશ્ચયથી આકાશદ્રવ્ય એ અવાગાહના પ્રદાન સ્વગુણનું ક્ષેત્ર છે જ્યારે વ્યવહારથી ધર્મ, અધર્મ, જીવ, પુદ્ગલ એ ચાર દ્રવ્યોના પ્રદેશપિંડનું ક્ષેત્ર છે. પરંતુ તે ચાર દ્રવ્યમાં સ્થિત સ્વગુણભાવનું ક્ષેત્ર આકાશદ્રવ્ય નથી એ ખ્યાલમાં રાખવું.
જ્ઞાન દર્શન વેદનાદિ ભાવોનું ક્ષેત્ર આત્મપ્રદેશ છે. અને આત્મપ્રદેશ આકાશ દ્રવ્યમાં રહેલ છે. જો તે શુદ્ધાત્મા, સિદ્ધાત્માના આત્મપ્રદેશ હોય તો પરંતુ સંસારી જીવોના અશુદ્ધત્માના આત્મપ્રદેશો દેહમાં રહેલ છે અને દેહ આકાશમાં રહેલ છે. આટલી સમજણ બાદ હવે મોટો પ્રશ્ન આપણને એ ઉદ્દભવે છે કે ચારેય અસ્તિકાયના પ્રદેશપિંડો જો આકાશમાં સમાયેલ છે તો સ્વયં આકાશ શેમાં સમાયેલ છે ? બધાં ય દ્રવ્યોને સમાવનાર મૂળ આધારરૂપ અથવા કારણરૂપ આકાશદ્રવ્ય છે . સિદ્ધાંત એ છે કે આધારનો મૂળાધારનો કોઇ આધાર ન હોય. મૂળ કારણનું કોઇ કારણ ન હોય અને અંતિમ કાર્યનું પછી આગળ કોઇ કાર્ય ન હોય ! થયા પછી થવાપણું આગળ ન હોય !
એક અસદ્ કલ્પના કરીને માની લો કે આકાશને સમાવનાર બીજો આકાશ છે. તો તે બીજો આકાશ શેમાં સમાયો ? એ પ્રમાણે બીજા, ત્રીજા, ચોથા કેટલાં આકાશ ઊભા કરીશું ? આકાશનો પોતાનો જ ગુણ
સમાવવાનો છે, અવગાહના આપવાનો છે. જેનામાં પોતામાં જ સમાવવાની ક્ષમતા છે એને પોતાને બીજામાં સમાવાની આવશ્યકતા રહેતી નથી. પાણીની પરબમાં બેસી વટેમાર્ગુને પાણી પાનારા એ પાણી પીવા માટે બીજે જવાનું રહેતું નથી. પાણી પાનારો કેમ તરસ્યો હોય ? મૂળાધારનો કોઇ આધાર ન હોય ! અનાથોનો નાથ સ્વયં નાથ હોય સર્વશક્તિમાન હોય ! એથી તો લોક કહેવત છે કે ઘણીનો કોઇ ઘણી છે ?' ધણીનો કોઇ ઘણી ન હોય !
ઉપર જણાવ્યા મુજબ મૂળાધારનો કોઇ આધાર નથી, અંતિમ મૂળ કારણનું કોઇ કારણ નથી તેમ અંતિમ છેવટના કાર્યનું કોઇ કાર્ય નથી હોતું.
આ વિશ્વમાં કારણ કાર્યની પરંપરા માત્ર જીવ અને પુદ્ગલ દ્રવ્યોમાં જ ચાલી રહી છે. પુદ્ગલદ્રવ્યમાં અનાદિકાળથી કારણ કાર્ય અને નિમિત્ત નૈમિત્તિક ભાવો ગતિમાન છે. પુદ્ગલદ્રવ્ય વિષે એ કારણ કાર્ય અને નિમિત્ત નૈમિત્તિક ભાવોની પરંપરા કદી અટકનાર નથી. એટલે કે તે પરંપરા અનાદિથી ચાલું છે અને અનંત કાળ સુધી ચાલું જ રહેવાની છે. તેથી તે પુદ્ગલ દ્રવ્ય વિષે અનંત કાળે પણ અંતિમ કાર્ય નથી. સંસારી જીવ પણ અનાદિકાળથી પુદ્ગલના સંગે એજ રંગે રંગાયેલ છે. તેનાથી એટલે કે પુદ્ગલના સંગથી છૂટી, પોતાના સ્વરૂપને શુદ્ધ કરી સંસારી જીવ, જ્યારે પોતાના સિદ્ધ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપનું પ્રગટીકરણ કરે છે તે સંસારી જીવ વિષેનું અંતિમ કાર્ય છે. આ એવંભૂત નય છે. એ કાર્ય થયા બાદ આગળ કોઇ કારણ, ક્રિયા કે કાર્ય થવું રહેતું નથી. આવા આ કાર્યને અંતિમ કાર્ય કહે છે. જીવ જાતનો અવિનાશી છે એટલે એને અંતિમકાર્ય સ્વ સ્વરૂપ પરમાત્મ સ્વરૂપ પ્રગટીકરણ હોય છે. જ્યારે પુદ્ગલ સ્વરૂપથી જ વિનાશી હોવાથી તેનું અંતિમકાર્ય હોતું નથી. પુદ્ગલ વિષે માત્ર વિનાશી પરંપરા જ હોય
છે.
જીવનું સત્ય સ્વરૂપ અવિનાશી છે. જીવને સંસારમાં પ્રાપ્ત થયેલ જન્મ-મરણાદિ, ભવ-ભવાન્તરાદિ વિનાશી દશા પુદ્ગલ દ્રવ્યના સંગે અને રંગે છે. આમ સંસારી જીવની જાત-પોત અવિનાશીની છે, પણ ભાત વિનાશી એવાં પુદ્ગલની છે.
જ્યારે જીવ પુદ્ગલાનંદી મટી જઇ વીતરાગી બને છે ત્યારે પુદ્ગલદ્રવ્યનો રાગી-સંગી-રંગી મટી જઇ મુક્ત બને છે અને પોતાના સ્વભાવમાં, સ્વરૂપમાં, શુદ્ધાવસ્થામાં આવે છે અને તેના ૫રમાત્મસ્વરૂપનું પ્રગટીકરણ થાય છે. જીવ પોતાના સચ્ચિદાનંદ, અવિનાશી, અવિકારી સ્વરૂપને પામે છે. એ જીવની આત્યંતિક અવસ્થા છે અને એ અંતિમકાર્ય છે. પછી કાંઇ કરવાપણું કે થવાપણું રહેતું નથી. આ જ તો જીવને પુદ્ગલના અવિનાશી અને વિનાશીના એવા ભેદ છે.
હવે આકાશદ્રવ્યના નામકરણ વિષે વિચારીએ. અવગાહના આપનાર દ્રવ્યનું નામ આકાશ આપવામાં આવ્યું છે તે આત્માની જ્ઞાયકભાવની ચિક્તિના અનુસંધાનમાં આપવામાં આવ્યું છે. આત્માની સર્વજ્ઞતા ચિક્તિને ચિદાકાશ કહેલ છે કેમકે તે ચિદાકાશમાં સર્વદ્રવ્યોના પ્રદેશપિંડો અને તેમાં રહેલ ગુણભાવો સમાઇ જાય છે. આ વાતને લગતું એક સૂત્ર પણ વેદમાં સાંપડે છે જે નીચે પ્રમાણે છે.
આકાશવત સર્વગતશ્ચ નિત્યમહતો મહિયાન...એટલે કે આકાશ જેમ સર્વગત, નિત્ય અને ક્ષેત્રમહાન છે, એનાં કરતાં ય આત્મા મહાન છે. કારણકે આકાશ ચાર અસ્તિકાયોના પ્રદેશોને જ અવગાહના આપે છે, તેના ગુણભાવોને નહિ. આત્મા તો પોતાની શાયકશક્તિચિદાકાશમાં આકાશદ્રવ્ય સહિતના સર્વ દ્રવ્યના ગુણભાવોને પોતામાં અવગાહના આપે છે અર્થાત કેવળજ્ઞાનમાં સર્વ શેય, તેના સર્વ ગુણભાવો સહિત, પ્રતિબિંબિત થાય છે. વળી આત્મા સર્વદ્રવ્યનો પ્રકાશક છે. સર્વદ્રવ્યને ખ્યાતિ આપનાર આત્મા છે.
આમ આત્માની જ્ઞાયક શક્તિ ઉપરથી અવગાહના આપનાર દ્રવ્યનું નામ આકાશ પડ્યું.
આ રીતે આત્મદ્રવ્ય પોતાના ગુણ અને શક્તિથી આ વિશ્વમાં સર્વદ્રવ્યોમાં સર્વવોપરી એવું સર્વોચ્ચ દ્રવ્ય છે. સર્વને આત (અંદર)