________________
૧૨
પ્રબુદ્ધ જીવન
- તા. ૧૬-૪-૯૭ અને તા. ૧૬-૫-૯૩
કેવી વિચિત્ર છે આ વાત ! પોતાનો બાપ બીમાર હોય તો રજા લેવી જરૂરી બને અને બીજાનો બાપ બીમાર હોય તો એને રજા ન મળે!
પોતે જ્યાં નોકરી કરતાં હોઈએ ત્યાં, ઓફિસ છૂટવાના સમય પછી બૉસ આપણને રોકાવાનું કહે તો આપણે કહીશું કે બૉસ બહુ ખરાબ માણસ છે, શોષણ કરે છે. પરંતુ આપણા ઘેર કોઈ કામ માટે માણસ રાખ્યો હોય તો એને થોડો વધુ સમય રોકીને ય આપણે આપણું ' કામ પૂરું કરાવવાનો આગ્રહ રાખીએ છીએ !
એકાન્ત દષ્ટિ માનવીને આત્મકેન્દ્રી અને સંકુચિત મનોવૃત્તિવાળો બનાવે છે. પોતાને માટેના તેમ જ અન્યને માટેના માપદંડો, ધોરણો અને આગ્રહો વચ્ચે તે ભેદ કરે છે.
ભેદદષ્ટિ સત્યની વિરોધી છે. એકાન્તદષ્ટિ અસમાનતાની જનેતા છે.
વિરોધીસત્યમાં રહેલો વિરોધ ટાળવા માટે “અનેકાન્ત’ સિવાયના તમામ ઉપાયો વ્યર્થ છે. અનેકાન્ત કોઈ વાદ નથી. અનેકાન્ત કોઈ પંથ નથી. અનેકાન્ત કોઈ તત્ત્વદર્શન નથી. અનેકાન્તને જૈનો સ્યાદ્વાદ પણ કહે છે. '
અનેકાન્ત એટલે વ્યાપક છતાં સહજ જીવનદર્શન.
એકાન્તને સીમાઓ છે, પણ અનેકાન્ત તો નિઃસીમ-અસીમ છે. એકાન્તમાં મતાગ્રહ છે, અનેકાન્તમાં મુક્તાગ્રહ છે. એકાન્તની દિશા વિનાશની છે, એટલે એમાં વિકૃતિ છે. અનેકાન્તની દિશા વિકાસની છે, એટલે એમાં સંસ્કૃતિ છે.
ભગવાન મહાવીર અનેકાન્તના પુરસ્કર્તા હતા તેથી તેમનું વ્યક્તિત્વ અવિરોધાત્મક રહ્યું. ગણધર ગૌતમસ્વામી દ્વારા તેમને પૂછાયેલા તમામ પ્રશ્નોના, તેમણે આપેલા ઉત્તરો અનેકાન્ત દષ્ટિથી પરિપૂર્ણ છે. એક વખત તેમને પૂછવામાં આવ્યું કે સાધના જંગલમાં થઇ શકે કે નગરમાં? પ્રભુએ કહ્યું , “સાધના જંગલમાં પણ થઇ શકે અને નગરમાં પણ થઈ શકે. એટલું જ નહિ, સાધના જંગલમાં પણ ના થઇ શકે, અને નગરમાં પણ ના થઈ શકે !'
એકાન્ત દષ્ટિએ જોતાં સ્થળ અને સાધના ભિન્ન દેખાશે. અનેકાન્ત દષ્ટિથી જોતાં સ્થળ અને સાધના અભિન્ન થઈ જશે.
વસ્તુસ્થિતિને તેના પૂર્ણ સંદર્ભોસહિત જ મૂલવી શકાય. જો આંશિક સંદર્ભો ઉપરથી સમગ્રનું તારણ પામવા જઈએ તો આપણે કે અર્ધસત્ય જ પામી શકીએ. અર્ધસત્ય વાસ્તવમાં અસત્ય કરતાં વિશેષ જોખમી છે. આ જગતને મિથ્યાદષ્ટિવાળા નાસ્તિકોએ જેટલું નુકસાન નથી પહોંચાડ્યું તેટલું નુકસાન એકાન્ત દષ્ટિવાળા અંધશ્રદ્ધાળુ લોકોએ પહોંચાડ્યું છે!
વ્યાધિને જાણવો જરૂરી છે, ભોગવવો નહિ. દેહમાં રહેલા વ્યાધિને જાણનાર તેને દૂર કરી શકે છે, તેને ભોગવનાર તો તેમાં વૃદ્ધિ જ કરશે ! અનેકાન્ત “જાણવાની ક્રિયા છે. એટલે કે જાગવાની ક્રિયા છે. અનેકાન્ત એટલે જાગૃતિ અને એકાન્ત એટલે મૂચ્છ. અનેકાન્ત દષ્ટિ વિનાની એકાગ્રતા ય કોઇવાર માનવીને અનિષ્ટ પરિણામ તરફ વાળી દે છે. :
અનેકાન્તની સમન્વય દષ્ટિ માત્ર ધર્મક્ષેત્રે જ નહિ, સંસારના ક્ષેત્રે પણ અત્યંત મહત્ત્વની છે. ખરેખર તો એમ કહેવું જોઇએ કે સંસારમાં જ અનેકાન્ત દષ્ટિ વિશેષ અગત્યની છે.
એક બહેન સૌને કહેતાં હતાં કે, “મારી દીકરીને તેના સાસરે ભરપૂર સુખ છે. મારી દીકરી તો સાસરે ય સ્વર્ગનું સુખ ભોગવે છે ! સવારે નવ વાગ્યા સુધી નિદ્રા માણે છે ! એનો પતિ એનો પડ્યો બોલ ઉપાડે છે! ગમે તેટલા પૈસા ખરચે તો ય કોઈ એને પૂછનાર નથી !'
એ જ બહેનનો દીકરો પરણ્યો અને ઘરમાં નવી વહુ આવી પછી થોડા દિવસ બાદ એમણે બળાપો કાઢવાનું શરૂ કર્યું, “મને વહુ સારી ના મળી. ખૂબ આળસું છે. સવારે નવ વાગ્યા સુધી પથારીમાં ઘોર્યા જ કરે છે. મનફાવે તેમ ખર્ચા કરે છે. સાવ ઉડાઉ છે. એનો પતિ, એટલે કે મારો દીકરો પણ સાવ વહુઘેલો છે! એની વહુને એ કાંઈ કહેતો જ નથી !' - ' પોતાની દીકરી માટે અને પોતાની પુત્રવધુ માટે સમાન બાબતોમાં આવો વિરોધી અભિપ્રાય આપનાર એ બહેનની સંકુચિત દષ્ટિએમના ઘેરા વિષાદનું કારણ હતું !
માત્ર સાસુઓ જ એવી હોય છે તેવું પણ નથી. પુત્રવધુઓ પણ તેમની સાસુ અને પોતાની માતા પ્રત્યે આવો જ ભેદનીતિવાળો વ્યવહાર કરતી હોય છે.
પોતાનો દીકરો ભણવામાં પ્રથમ નંબર લાવે તો તેની માતા ગૌરવથી કહેશે કે, “અમારો દીકરો તો પહેલેથી જ ભણવામાં ખૂબ હોશિયાર છે. તમામ વિષયોમાં એ આગળ જ હોય. મને તો ખ્યાલ હતો જ કે તેનો પ્રથમ નંબર જ આવશે !' પરંતુ જો પોતાનો દીકરો નાપાસ થાય અને પાડોશીનો દીકરો પ્રથમ નંબર મેળવે તો એ તરત જ કટાણું મોં કરીને કહેશે, “જવા દો ને વાત હવે એનો દિકરો તો પરીક્ષામાં ચોરી કરવામાં ખુબ ચાલાક છે ને એનો બાપ પણ પૈસા આપીને પોતાના દીકરાનો પહેલો નંબર ખરીદી આવ્યો છે !'
એકાન્તદષ્ટિ આપણી સહિષ્ણુતાને પીંખી નાખે છે. પછી તો બીજાનું સુખ પણ આપણા માટે અસહ્ય બની જાય છે. આપણી પાસે મોટર નથી એની આપણને કશી વેદના નથી. પણ પાડોશીને ત્યાં મોટર આવે એટલે આપણો બળાપો અને અજંપો શરૂ થઈ જાય છે !અને, આપણે ત્યાં જે સુખ છે, તે સુખ ઉપર પણ આપણે નર્યો એકાધિકાર ભોગવવા માગીએ છીએ !
સંપત્તિ સુખનું સાધન છે એવો એક સામાન્ય ખ્યાલ છે. પણ કોઈ વ્યક્તિ ધન-સંપત્તિ લઈને જતી હોય અને કોઈ ગુંડો તે પડાવી લેવા માટે તેની હત્યા કરે તો એ સંપત્તિ એના સુખનું સાધન બની કે એના મૃત્યુનું નિમિત્ત બની? અથવા તો ઇન્કમટેક્સ વગેરેના પ્રશ્નોને કારણે તેને અનિદ્રાનો ઉપદ્રવ લાગુ પડે તો એની સંપત્તિ એના માટે તો દુઃખનું જ સાધન બની ગણાય ને!
સુખ કોઇ વસ્તુ, પદાર્થ , પરિસ્થિતિ કે સંયોગમાં નથી. સુખ કોઇ સ્થળવિશેષમાં પણ નથી. સુખ તો સમાધાનમાં છે. સમન્વયમાં જે સુખ છે, તે અન્યત્ર ક્યાંય નથી !
એક પુરુષને બે પત્નીઓ હતી. પુરુષ હમેશાં એક પત્નીની ગેરહાજરીમાં બીજીની પ્રશંસા કરતો અને બીજીની ગેરહાજરીમાં પહેલીની પ્રશંસા કરતો. ધીમે ધીમે બન્ને સ્ત્રીઓને આ વાતનો ખ્યાલ આવી ગયો. બન્ને સાથે મળીને પતિ પાસે ગઈ અને પૂછ્યું કે, “અમારા બેમાંથી કોણ વિશેષ ગુણવાન છે તે સ્પષ્ટ કહો.”
સંઘર્ષની ક્ષણ આવી ગઈ.
હવે શું કરવું? પતિએ તરત જ સમાધાનનો અભિગમ સ્વીકારી લેતાં કહ્યું, ‘તમે બન્ને પરસ્પર કરતાં અધિક ગુણવાન છો. તમે બન્ને મને પરસ્પર કરતાં વધુ પસંદ છો !' પત્નીઓ શું બોલે ?
સંઘર્ષની ક્ષણ પસાર થઈ ગઈ. કોઈ વિકલ્પ જ ન રહ્યો, પછી કોઇ શું બોલે ?
આપણે જ્યારે કોઈ એક શાસ્ત્રને, કોઈ એક વ્યક્તિને કે કોઈ એક સત્યને અનુસરીએ છીએ ત્યારે અનેક વિકલ્પો રહી જાય છે. વિકલ્પો વિરોઘ જગાડે છે. અનેકાન્ત દ્વારા નિર્વિકલ્પ કક્ષાએ પહોંચી શકાય છે. પછી કશો વિરોધ રહેતો નથી. આપણે અવિરોધને પામીએ છીએ ! અવરોધ રહિત થવાથી આપણાં કલ્યાણનો પંથ સરળ બને છે ! વિરોધથી મોટો કોઈ અવરોધ નથી. અને તમામ વિરોધોનો એક માત્ર ઉપાય છે : અનેકાન્ત.
મોતીયાનાં ઓપરેશન સંઘના ઉપક્રમે ડૉ. કુમુદ પ્રવીણ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી મોતીયાના દરદીઓને લેન્સ બેસાડવા સાથે મફત| ઓપરેશન કરાવી આપવાની યોજના, મર્યાદિત સંખ્યાના દર્દીઓ માટે કરવામાં આવી છે. નબળી આર્થિક સ્થિતિવાળા જે દર્દીઓ આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા હોય તેઓએ સંઘના કાર્યાલયનો સંપર્ક સાધવો.
'ઉષાબહેન મહેતા નિરુબહેન એસ. શાહ પુષ્પાબહેન પરીખ પ્રવીણચંદ્ર કે. શાહ
મંત્રીઓ
સૈયોજકો