________________
તા. ૧૬-૪-૯૩ અને તા. ૧૬-૫-૯૩
બોલાચાલી થઇ. વૃદ્ધિચંદ્રજી મહારાજે અને મુનિ નેમિવિજયજીએ પૂરી શાંતિ અને સ્વસ્થતા રાખી. લોકો એકત્ર થઇ ગયા. ઘણાએ લક્ષ્મીચંદભાઇને સમજાવ્યા, પણ તેઓ માન્યા નહિ. તેઓ બહાર ગયા અને ભાવનગરના મેજિસ્ટ્રેટને લઇને ઉપાશ્રયમાં આવી પહોંચ્યા અને પોતાનો પુત્ર પાછો મેળવવા માટે અરજ કરી. મેજિસ્ટ્રેટે મુનિ નેમિવિજયની જુદીજુદી રીતે ઉલટ તપાસ કરી અને છેવટે લક્ષ્મીચંદભાઈને કહ્યું, કે ‘આ છોકરાને બળજબરીથી દીક્ષા આપવામાં આવી નથી. એણે જાતે જ રાજી ખુશીથી દીક્ષા લીધી છે. એટલે રાજ્ય આ બાબતમાં કાયદેસર કશું જ કરી શકશે નહિ.' આથી લક્ષ્મીચંદભાઈ નિરાશ થયા. ત્યાર પછી મુનિ નેમિવિજયજીએ તથા ગુરુમહારાજ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજે તેમને બહુ સમજાવ્યા. છેવટે તેઓ શાંત થયા અને પરિસ્થિતિનો સ્વીકાર કરી લઈ મહુવા પાછા ફર્યા.
મુનિ નેમિવિજયજીએ ગુરુ મહારાજશ્રી વૃદ્ધિચંદ્રજી પાસે શાસ્ત્રાભ્યાસ ચાલુ કર્યો. ગુરુ મહારાજે જોયું કે નૈમિવિજયજી ઘણા તેજસ્વી છે. એમની સ્મરણ શકિત અને ગ્રહણ શકિત ઘણી સારી છે. તેઓ શ્લોકો પણ ઝડપથી કંઠસ્થ કરી શકે છે અને તેમની સાથે વાતચીતમાં તેમના વિચારોની રજુઆત વિશદ અને ક્રમબદ્ધ હોય છે. આથી ગુરુ મહારાજે તેમના વધુ વિદ્યાભ્યાસ માટે પંડિતની સગવડ પણ કરી આપી. નૈમિવિજયજીએ સંસ્કૃત, વ્યાકરણ, અલંકાર શાસ્ત્ર વગેરેનો અભ્યાસ ક૨વા સાથે ‘રઘુવંશ’, નૈષધીય વગેરે મહાકાવ્યોનો અભ્યાસ શરૂ કર્યો. હેમચંદ્રાચાર્ય અને યશોવિજયજીના સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોનો અભ્યાસ ગુરુ મહારાજ પોતે કરવા લાગ્યા. પ્રથમ ચાતુર્માસ ભાવનગરમાં જ કરવાનું નક્કી થયું. ચાર છ મહિનામાં તો મુનિ નેમિવિજયજીની પ્રતિભા ખીલી ઊઠી. તેઓ પોતાના કરતાં ઉંમરે મોટા અને મહુવાના વતની ગુરુબંધ મુનિ ધર્મવિજયજીને પણ સંસ્કૃતનો
અભ્યાસ કરાવવા લાગ્યા.
પ્રબુદ્ધ જીવન
ઉપાશ્રમાં રોજરોજ સાધુઓને વંદન કરવા આવતા લોકોમાંના કેટલાક મુનિ નેમિવિજયજી પાસે પણ બેસતા. કોઈ વાર કોઈનો પ્રશ્ન હોય તો નૈમિવિજયજી તેમને સમજાવતાં. એક ગૃહસ્થ તો તેમની પાસે રોજ નિયમિત આવતા . એક દિવસ ગુરુ મહારાજે જોયું કે એ ગૃહસ્થને સમજાવતી વખતે મુનિ નેમિવિજયજીની વાણી અસ્ખલિત વહે છે. તેમની ભાષા સંસ્કારી છે અને ઉચ્ચારો શુદ્ધ છે. તેમના વિચારો સરળતાથી વહે છે. વ્યાખ્યાન આપવાની તેમનામાં સહજશકિત જણાય છે. વૃદ્ધિચંદ્રજી મહારાજ શિષ્યોને આગળ વધારવામાં હંમેશા બહુ ઉત્સાહી રહેતા. પ્રસંગ જોઈને શિષ્યોને તેઓ અચાનક મોટી જવાબદારી સોંપી દેતા અને તેમના આત્મવિશ્વાસને વધારી દેતા.પર્યુષણ પર્વ દરમિયાન એક દિવસ જસરાજભાઈને કહ્યું કે ‘આવતી કાલનું વ્યાખ્યાન મુનિ નેમિવિજયજી વાંચશે. પરંતુ આ વાત હમણાં કોઈને કહેશો નહિ.' એથી જસરાજભાઈને આશ્ચર્ય થયું.
બીજા દિવસે ગુરુ મહારાજે નેમિવિજયજીના હાથમાં ‘કલ્પસૂત્રની' સુબોધિકા ટીકાની હસ્તપ્રતના પાનાં આપ્યાં અને વ્યાખ્યાન હોલમાં જવાનું કહ્યું. વળી તેમણે નેમિવિજયજીને પોતાનો કપડો પહેરવા આપ્યો. પરંતુ નેમિવિજયજી કશું સમજ્યા નહિ. ગુરુ મહારાજે વ્યાખ્યાન વાચનાર મુનિ ચારિત્ર વિજયજી સાથે એવી ગોઠવણ કરી હતી કે સભામાં નેમિવિજયજીને અચાનક જ વ્યાખ્યાન આપવાની ફરજ પડે. નેમિવિજયજી નીચેની પાટ પર બેસવા જતા હતા ત્યાં ચારિત્રવિજયજીએ એમની પોતાની બાજુમાં બેસાડયા અને શ્રાવક શ્રાવિકાઓને પ્રથમ પચકખાણ આપીને જાહેર કર્યુ કે આજનું વ્યાખ્યાન મુનિ નેમિવિજયજી વાંચશે, એટલું કહીને તેઓ તરત પાટ ઉપરથી ઊતરીને ચાલ્યા ગયા. નેમિવિજયજી એકદમ વિચારમાં પડી ગયા. પરંતુ હવે વ્યાખ્યાન વાંચ્યા વિના છૂટકો ન હતો. એમની સજ્જતા તો હતી જ અને આત્મવિશ્વાસ પણ હતો. એટલે ગુરુ મહારાજને ભાવવંદન કરી, એમના આશીર્વાદ માટે પ્રાર્થના કરી વ્યાખ્યાન વાંચવાનું ચાલુ કર્યું. પછી તો એમની વાણી અસ્ખલિત વહેવા લાગી. એથી વ્યાખ્યાનમાં બેઠેલા જસરાજભાઈ અને બીજા શ્રાવકો આશ્ચર્યચકિત થઈ ગયા. વ્યાખ્યાન પુરું થતાં તેઓએ નેમિવિજયજીની વ્યાખ્યાનશક્તિના ભારોભાર વખાણ કર્યા અને ગુરુમહારાજ આગળ જઈને પણ એ વાતની ખૂબ પ્રશંસા કરી.
મહારાજ શ્રી નેમિવિજયજીને વડી દીક્ષા આપવાના હતા, પરંતુ યોગોહન કરાવી વડી દીક્ષા આપે એવું મૂળચંદજી મહારાજના કાળ
૧૫ .
ધર્મ પછી કોઈ રહ્યું નહોતું. એટલે મહારાજશ્રીને અમદાવાદ મોકલવામાં આવ્યા હતા. ત્યાં પંન્યાસ શ્રી પ્રતાપવિજયજીએ યોગોદ્દહન કરાવી એ પછી મહારાજશ્રી નેમિવિજયજીને વડી દીક્ષા આપી. એ પછી મહારાજશ્રી વિહાર કરી પોતાના ગુરુ મહારાજ પાસે પાછા ફર્યાં.
એ દિવસોમાં શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજે ભાવનગરમાં સ્થિરતા કરી લીધી હતી, કારણ કે એમને સંગ્રહણીનો અને સંધિવાનો ભારે વ્યાધિ લાગુ પડી ગયો હતો. પોતાની તબિયત નાદુરસ્ત હોવા છતાં તેઓ ચારિત્રપાલનમાં, સ્વાધ્યાયમાં, શિષ્યોને અભ્યાસ કરાવવામાં કડક નિયમોનું પાલન કરાવવાવાળા હતા. તત્ત્વ-પદાર્થની તેમની જાણકારી ઘણી જ સારી હતી એટલે ગૃહસ્થો પણ તેમની પાસે શંકાસમાધાન તથા જ્ઞાન-ગોષ્ઠી માટે આવતાં. એ વખતે શ્રી અમરચંદ જસરાજ, શ્રી કુંવરજી આણંદજી વગેરે રાતના આવતા અને બાર-એક વાગ્યા સુધી ચર્ચા થતી. મહારાજશ્રીની તબિયત સારી રહેતી નહિ, છતાં તેઓ પોતે કોઈને ‘હવે તમે જાવ' એમ કહેતા નહિ મહારાજશ્રી નેમિવિજયજીએ જોયું કે ગુરુ મહારાજજીને બહુ તકલીફ પડે છે. એક દિવસ ગુરુ મહારાજથી નેમિવિજયજીને કહેવાઈ ગયું ‘જો ને નેમા, મારું શરીર ચાલતું નથી અને આ લોકો રોજ મને ઉજાગરા કરાવે છે.’
તે દિવસે રાત્રે શ્રાવકો આવ્યા ત્યારે મહારાજશ્રી નેમિવિજયજીએ શ્રાવકોને કહી દીધું કે ‘તમે બધા ગુરુ મહારાજની ભક્તિ ક૨વા આવો છો કે ઉજાગરા કરાવવા ?' સમજુ શ્રાવકો તરત વાત સમજી ગયા અને બીજા દિવસથી વહેલા આવવા લાગ્યા અને વહેલા ઊઠવા લાગ્યા.
મહારાજશ્રી નેમિવિજયજી સળંગ ચાર ચાતુર્માસ ગુરુ મહારાજ સાથે ભાવનગરમાં રહ્યા. ગુરુ મહારાજની વૈયાવચ્ચ અને પોતાના સ્વાધ્યાયની દૃષ્ટિએ એ બહુ જરૂરી હતાં. એથી મહારાજશ્રીનો શાસ્ત્ર અભ્યાસ ઘણો સારો થયો. તેઓ રોજના સો શ્લોકો કંઠસ્થ કરતા હતા. હેમચંદ્રાચાર્યના વ્યાકરણ ઉપરાંત પાણિનિના વ્યાકરણનો તેમણે પણ સરસ અભ્યાસ કર્યો તેમણે મણિશંકર ભટ્ટ, નર્મદાશંકર શાસ્ત્રી, તથા રાજ્યના શાસ્ત્રી ભાનુશંકરભાઈ એમ ત્રણ જુદા જુદા પંડિતો પાસે અભ્યાસ કર્યો. તેમની બોલવાની છટા પણ ઘણી સારી થઈ હતી. મહારાજશ્રીની એ વિષયમાં ખ્યાતિ પ્રસરતાં કાશી જઈ અભ્યાસ કરી આવેલા અને સંસ્કૃતમાં બોલતા એક નાથાલાલ નામના ભાઇએ સંસ્કૃતમાં સંભાષણ, શાસ્ત્રચર્ચા કરવાનો પડકાર ફેંક્યો. મહારાજશ્રીએ એ સ્વીકારી લીધો. સ્પર્ધા યોજાઈ. મહારાજશ્રી જે રીતે કડકડાટ સંસ્કૃતમાં અસ્ખલિત બોલતા હતા અને યોગ્ય ઉત્તરો આપતા હતા તે જોઈને નિર્ણાયકોએ મહારાજશ્રીને વિજયી તરીકે જાહેર કર્યા. આથી ગુરુ મહારાજને બહું આનંદ થયો. અભ્યાસ કરાવનાર પંડિતોને પોતાનો શ્રમ લેખે લાગ્યો જણાયો. મહારાજશ્રીની ખ્યાતિ આ પ્રસંગથી ઘણી વધી ગઈ.
એ દિવસોમાં પંજાબી સાધુ શ્રી દાનવિજયજીએ પાલિતાણામાં શ્રી બુદ્ધિસિંહજી જૈન સંસ્કૃત પાઠશાળાની સ્થાપના કરી હતી. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજની પણ એ માટે પ્રેરણા હતી. શ્રી દાનવિજયજીએ જોયું કે શ્રી નેમિવિજયજીમાં ભણવાની ઘગશ ઘણી છે અને ભણવાની શક્તિ ઘણી સારી છે. એટલે એમણે શ્રી વૃદ્ધિચંદ્રજીને પત્ર લખી શ્રીનેમિવિજયજી પાલિતાણા ચાતુર્માસ કરે એવી વિનંતી કરી. એ‘ વિનંતીનો સ્વીકાર થતાં મહારાજશ્રી નેમિવિજયજીએ વિ.સં. ૧૯૪૯નું ચાતુર્માસ પાલિતાણામાં કરવા માટે ચૈત્ર મહિનામાં વિહાર કર્યો. બીજી બાજુ થોડા દિવસમાં ગુરુ મહારાજ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ વૈશાખ શુદ ૭ ના દિવસે કાળધર્મ પામ્યા. અંતિમ સમયે પોતે ગુરુ મહારાજ પાસે રહી શકયા નહિ એનો મહારાજશ્રી નેમિવિજયજીને ઘણો આઘાત લાગ્યો.
પાલિતણામાં મહારાજશ્રીએ શ્રી દાનવિજયજી સાથે મળીને અધ્યયન-અધ્યાપનનું સંગીન કાર્ય કર્યું. ચાતુર્માસ પછી મહારાજશ્રી ગિરનારની યાત્રા કરી વિચરતા વિચરતા જામનગર પધાર્યા. અહીં એમનાં વ્યાખ્યાનોનું લોકોને એટલું બધું આકર્ષણ થયું કે સ. ૧૯૫૦નું ચાતુર્માસ જામનગરમાં કરવાનું નક્કી થયું. મહારાજના દીક્ષા પર્યાયને હજુ છએક વર્ષ થવા આવ્યાં હતાં, પરંતુ એમની તેજસ્વિતાનો પ્રભાવ ઘણો પડતો હતો. જામનગરનું આ એમનું સ્વતંત્ર ચાતુર્માસ હતું. અહીં