________________
४
પ્રબુદ્ધ જીવન
નિષ્કારણ પદગતિ ! n ડૉ. પ્રવીણ દરજી
હમણાં રોબ પ્રિયેની એક સ૨સ વાર્તા વાંચી. વારંવાર યાદ કરવી તો ગમે જ, પણ જ્યારે જ્યારે યાદ કરીએ ત્યારે એક જુદા જ અર્થઘટન પાસે એ વાર્તા મૂકી આપે છે. વાચકે વાચકે એના ભિન્ન અર્થો નીકળી શકે એવી કૃતિ છે. ખાસ તો આજના સામજિક પરિવેશમાં મનુષ્ય જે રીતે જીવી રહ્યો છે, એ સંદર્ભે આ વાર્તા સ્પર્શી ગઈ. વાર્તાનું નામ છે ‘સમુદ્રકાંઠો’, શીર્ષક જોતાં આપણને એમ થવાનું કે કદાચ એમાં સમુદ્રની વાર્તા હશે. અથવા સમુદ્ર કાંઠે બેઠેલા નાયક-નાયિકાની તેમાં કથા હશે, કે પછી સમુદ્ર કાંઠે વિષાદ મગ્ન કોઈ નાયક-નાયિકા જાત સાથે વાર્તાલાપ કરતાં હશે. પણ ના, અહીં એમાનું એવું કશું નથી. આ વાર્તામાં કોઈ નાયક નથી કોઈ નાયિકા નથી, નથી એમાં વિષાદની વાત આવતી કે નથી એમાં કોઈ આનંદનો સંકેત. એમાં તો ત્રણ બાળકો આવે છે. કથાનાં પાત્રો ગણો કે નાયક ગણો એ ત્રણ બાળકો જ. છતાં આપણે એમ પણ માની લેવાની જરૂર નથી કે એ કથા બાળકો માટે લખાઈ છે, અથવા બાળકોની કથા છે. રોમ્બે બાળકો તો આડશ રૂપે લીધા છે. બાળકોની પાછળ જે કંઈ એ સૂચવવા માગે છે તે તો મોટેરાંઓ સાથે, કહો કે મારી-તમારી સાથે સંબંધિત છે.
હા, તો અહીં આ વાર્તામાં ત્રણ બાળકો છે. બાળકો એ બાળકો. બહુ મોટી ઉંમર તો એમની નથી જ. પ્રાથમિક શાળામાં ભણતાં બાળકો જ હોવાં જોઈએ. અલબત્ત, લેખક એ વિશે ફોડ પાડતા નથી. આટલી જ હકીકત-એ ત્રણ બાળકો છે. ખુલ્લાં છે. પરગખાં કે એવું કશું તેઓએ પહેર્યું નથી. ત્રણે ધીમે સમુદ્ર કાંઠાની રેતી ઉપર ડગલાં ભરે છે. પોતાની રીતે પોતાની મસ્તીમાં રેતી ઉપર એ ત્રણેની પગલીઓ અંકિત થતી જાય છે. રેતીમાં ખુલ્લા પગે ચાલવું, પોતાનાં પદચિહનો અંકિત થતાં જોવાં એ એક વિસ્મયકારી ઘટના છે. ભીની ભીની રેતી, ખુલ્લા પગને ભીની રેતીનો સ્પર્શ, ઉપર ખુલ્લું આકાશ, સમુદ્રમાં મોજાંનો ઉછાળ, એનું ગર્જન-આ બધું મનને નર્તતું કરી દે એવું છે. છતાં એ વિશે નથી એવું કશું લેખક કહેતા કે એવો કશો રોમાંચ બાળકો દ્વારા પણ નથી પ્રકટતો, લેખક તો વળી વળીને એક જ વાત અભિવ્યક્ત કરે છે; બાળકો ચાંલ્યા કરે છે, ડગલાં ભર્યા કરે છે. એમના પગ પેલી ભીની રેતીને સ્પર્ષા કરે છે, રેતીમાં તેથી તેમના પગલાં આકારાય છે, ક્યાંક આ પગલું એકાદ ઈંચ ઊંડું પડે છે, ક્યાંક સપાટી ઉપર એનું ચિહ્નન છોડી જાય છે. રોજ્બને જાણે રસ છે પેલાં બાળકોને એમ અન્યમનસ્ક રાખી રેતીમાં ચાલતાં રાખવામાં. દ્દશ્ય તરીકે એ અપીલ કરે તેવી બાબત છે. રોબ જો કે, પેલી પગલીઓને ઢાંકી દેવા મથતી હવાનું ચિત્ર દોરે છે, પાણીના મોજા વિશે પણ તે વચ્ચે વચ્ચે વર્ણન કરે છે. એની નજર વધુ તો બાળકોની પદગતિ ઉપર જ ઠરી છે. ઘડીભર વાચકને એમ થાય કે બાળકોની પદગતિ દ્વા૨ા રોબને શું અભિપ્રેત હશે ? પણ આપણા આવા પ્રશ્નોનો કશો ઉત્તર મળે તેમ નથી. કારણ કે આ બાળકો કોણ છે? ક્યાં જઈ રહ્યાં છે ? શા માટે તે ઓ જઈ રહ્યાં છે ? તેઓ શો વિચાર કરી રહ્યાં છે ? તેમની શી ઇચ્છાઓ છે ? કશી આકાંક્ષાઓ સાથે તેઓ આમ કરી રહ્યાં છે ? તેઓ ઘર ત્યજીને નીકળ્યાં છે ? ઘેર જશે કે કેમ ? –આ કે આવા અનેક પ્રશ્નો વિશે નથી બાળકો આપણને કશું કહેતાં કે નથી એના લેખક પણ કશું સૂચવતા. હા, એક બીજી વાત અહીં છે. બાળકોની આગળ આગળ પક્ષીઓ જે ઉડાઊડ કરી રહ્યાં છે તેનું વર્ણન અહીં હઘ રીતે થયું છે. પેલા નિર્દોષ, બાળકો અને એવાં જ આ પક્ષીઓનું કોલાજ રચાય છે.
તા. ૧૬-૧૧-૯૩
આખી વાર્તામાં આ બાળકો માત્ર એકવાર થોડીક વાતચીત કરે છે. એ વાતચીત ઘણી ટૂંકી છે. એ વાતચીતમાં નથી એમનાં સગાસંબંધીઓની વાત કે નથી એમાં તેમના ઘર અંગેની વાત. આગળ વધવા કે પાછળ જવા માટે પણ એમાં નિર્દેશ મળતો નથી. એ ત્રણ બાળકોએ ઘંટનો અવાજ સાંભળ્યો અને ત્રણેય પરસ્પ૨ એકબીજાને પૂછવા લાગ્યા ઃ ‘આ પહેલો ઘંટ થયો કે બીજો ઘંટ થયો ?’- વાતચીત ગણો કે જે ગણો તે આટલું જ પણ ઘંટના અવાજ વિશેય તેઓ પછી કોઈ ઝાઝી જિજ્ઞાસા દાખવતા નથી. કશું કુતૂહલ એમનામાં બાકી રહ્યું ન હોય તેમ ટૂંકી વાતચીત પછી તેઓ પોતાની પગલી પાડવાની ક્રિયામાં ગ૨ક થઈ જાય છે. લેખકે પણ વાત ત્યાં જ અટકાવી દીધી છે. ધાર્યું હોત તો તેઓ ઘંટના અવાજ વિશેસ્પષ્ટતા કરી શક્યા હોત. ઘંટનો એવો અવાજ શાળાનો પણ હોઈ શકે, અથવા કશાક ભયની ચેતવણીનો પણ એ અવાજ હોઇ શકે. ચર્ચમાંથી આવતો અવાજ પણ હોઈ શકે, પણ અહીં લેખકને એવી કોઈ સ્પષ્ટતા કરવી ગમી નથી. પેલાં બાળકોને પણ એ ઘંટનો અવાજ શાનો છે ? તેમાં દિલચશ્પી નથી, અવાજ સાંભળ્યો, ઘડી વાતચીત અને ફરી એ જ પૂર્વ ગતિ. આમ વાર્તા પૂરી થાય છે. વિવેચકોને આ વાર્તા વિશે જે કહેવું હોય તે ખરું, શિક્ષકોને એમાંથી જે અર્થઘટનો કાઢવાં ગમે તે ખરાં. પણ એક વાત અહીં દીવા જેવી છે. આ વાર્તા માત્ર પેલાં ત્રણ બાળકોની નથી. આ વાર્તા આજના આખા સમાજની છે. કદાચ જેટલી તે મારી કથા છે તેટલી જ તે તમારી કથા છે. આપણે સૌ દોડી રહ્યા છીએ-ક્યાં ? કેમ ? કઈ દિશામાં ? શાને કારણે ? –એની આપણને કોઈને કશી ખબર નથી. નિરુદ્દેશ, નિષ્કારણ આપણી પદગતિ રહી છે. પેલાં બાળકોની જેમ. એક બીજા સાથે વાત કરવાની, હૃદય ખોલવાની પણ કોઈને ઇચ્છા થતી નથી. બીજાની સાથેનો તો ખરો જ પણ પોતાની સાથેનો સંવાદ તાર પણ તૂટી ગયો છે. પેલી ઘંટડી રણકી એનો અવાજ કાને પડયો, કાન થોડાક સ૨વા થયા, પણ પછી તરત હતા ત્યાંને ત્યાં કશી ઉત્સુકતા તે વિશે નથી. આપણે ક્યાંય જવા ઇચ્છતા નથી, કશું કરવા માટેની આપણી તૈયારી જ નથી. કશા વિશે ચિંતા-ચિતન કે વિચાર વિમર્શ પણ શકય નથી. માત્ર ભોગ એજ જીવન એવું ટૂંકુ સમીક૨ણ સૌને હાથ લાગી ગયું છે. જ્ઞાન-વિજ્ઞાન, ઈતિહાસ, સંસ્કૃતિ, મનુષ્યની સભ્યતા, સારપ બધું એકદમ વ્યર્થ બનતું જતું જોવાય છે. કહો કે એનો અંત આવી રહ્યો જણાય છે. એની પેલી પદગતિ પ્રગતિ નથી. માત્ર ગતિ છે. સંભ્રમવાળી. અનિષ્ટોનો, ભ્રષ્ટતાને, ભોગને આપણા યુગમાં વ્યાપક માન્યતા મળી ચૂકી છે. એકલ-દોકલ કોઈનો જુદો પડતો અવાજ જુદો રહી શકે તેમ નથી. સરઘસમાં સૌની ચાલનો એક સમાજ સરઘસ બની ગયો છે. આ સરઘસ નિષ્પ્રયોજન છે, નિર્હેતુક છે, નિષ્કારણ છે. એક કાળમાં મનુષ્ય મૃત્યુને સમજપૂર્વક અતિક્રમવા મથતો હતો, એની આજુબાજુ એ જીવનની બાજી ગોઠાવતો હતો અને કશાક વધુ ઉર્ધ્વ જીવન માટે તેની વ્યાસ અને ગતિ હતાં. આજે ભોગપરાયણતાએ તેની વિચાર શક્તિને હણી લીઘી છે. મૃત્યુ એને માટે પ્રશ્ન રહ્યું નથી. કારણકે પ્રશ્ન કરનારાના મગજમાં એલિયેટ કહે છે તેમ, ‘કેવળ ઘાસ ભરેલું છે!’ રોમ્બની આ વાર્તા વાંચજો ક્યારેક !
und