________________
થયું. પિતાજી મને ત્યાં મહારાજશ્રીની પાસે મૂકી ગયા. પૂજ્ય ગુરુ ભગવંતોનો ચાતુર્માસ પ્રવેશ અને મારો પ્રવેશ એક જ દિવસે થયો. ત્યાંનું તે વાતાવરણ મને ભાવી ગયું. પૂજ્ય ઉપાધ્યાય મેરુવિજયજી મહારાજની હેત-પ્રીતભરી કાળજીના કારણે પૂજ્ય પંન્યાસ શ્રી દેવવિજયજી મહારાજની વહાલપભરી સંભાળથી, પે'લી રખડું બાળકની સિકલમાં બદલાવ આવવા લાગ્યો. શ્રી ભક્તામર સ્તોત્રની ચાર-ચાર ગાથા રોજ થતી. સામાયિક બે થતાં. પ્રતિક્રમણ સાંજનું થતું. વાતાવરણ શાંત અને ધર્મભાવથી ભર્યું ભર્યું અનુભવાતું હતું. આમ પ્રગતિ થતાં-થતાં મહાપર્વના દિવસો આવ્યા. શ્રાવકાગ્રણી શ્રી ઝવેરભાઈ અને શ્રી સોભાગભાઈના હૂંફાળા સહવાસથી ૬૪ પહોરી પૌષધ કરવાનું બન્યું. વીપ્રભુના જન્મવાચનના દિવસે જ્યારે શ્રી સંઘ હરખ હિલોળા લેતો હતો ત્યારે સાંજના પડિલેહણ પછી, ઝવેરભાઈના મુખથી પહેલીવાર, 'કેમ દોસ્ત ! દીક્ષા લેવી છે ને !” --આ શબ્દો સંભળાયા. સાંભળીને મોં પર શરમના શેરડા પડ્યા ! મોં મરક-મરક થયું. થોડી વારે સોભાગભાઈએ પણ એ દોહરાવ્યું. મનથી “હા” પડાઈ ગઈ ! આજ સુધી કોઈ ગુરુ ભગવંતે આ સ્વરૂપની પૃચ્છા પણ કરી ન હતી. વ્યાખ્યાન-પ્રવચન સમજાય કે ન સમજાય, હું નિયમિત સાંભળતો અને તે પછી ઉપાશ્રયના પાછળના સ્થાનમાં વયોવૃદ્ધ મુનિ મહારાજ શ્રી જય સાગરજી મહારાજ પાસે શાતા-પૃચ્છા માટે અચૂક જતો.
મહિના તો વિતવા લાગ્યા. કાળની રેતી તો સતત સરકતી જ રહેતી હોય છે. આસો મહિનો ગયો. તે પછી નવા વરસના દિવસોમાં જ ઉપાધ્યાયજી મહારાજે કહ્યું, ‘તને દીક્ષા આપી દેવાની છે ! પેલી ઓરડીમાં છાની દીક્ષા કરી દઈશું. પત્રિકા બહાર નહીં પડે ! ફોટા પણ નહીં પડે !' (આ બધી વાતમાં મારા પિતાશ્રી હીરાભાઈએ સંમતિ આપેલી. તે વાત પછી જાણવા મળી.)
મને તો ત્યારે કશી ગતાગમ પડે નહીં. તેઓશ્રી પ્રત્યે મને ઘણું બધું બહુમાન, તેથી તેમની બધી વાતે હું ‘હા’ કહું.
સુશ્રાવક ઝવેરભાઈ-સોભાગભાઈને જ્યારે જાણ થઈ કે દીક્ષાનો પ્લાન ઘડાઈ રહ્યો છે, ત્યારે તેમણે એકી અવાજે કહ્યું, “મહારાજ સાહેબ ! બાળક નાનો છે એમ સમજીને, આમ છાનું ન ગોઠવશો. કોઈ વિરોધ કરશે એવી ફિકર રાખશો નહીં. સરસ રીતે અને ઉલ્લાસપૂર્વક, ધામધૂમ વરઘોડા સાથે, આ વાડીના ઉપાશ્રયે જ દીક્ષા ઊજવીશું.’
પૂજ્ય ઉપાધ્યાયજીના વિચારો પણ બદલાયા. શુભ મંગલ મુહૂર્ત વિ. સં. ૨૦૧૭ના માગસર મહિનાની સુદિ પાંચમનું આવ્યું. પૂજ્ય બા મહારાજ તથા તેમના ગુરુણી શ્રી ચંપકલતાશ્રીજી તથા સાધ્વીજી શ્રી ચારિત્રશ્રીજીને પત્ર લખ્યો. પૂજ્ય બા મહારાજે મંગળ આશીર્વચન આ શબ્દોમાં મોકલ્યા :
“ભાઈ પ્રવીણ, તારો કાગળ ઘણા વખતથી નથી. ભાઈ, તારી તબિયત સારી હશે. તે જે પ્રતિજ્ઞા લીધી તે ચોક્કસ પૂરી કરી લાગે છે. તું ગયો તે ગયો કે હું દીક્ષા લઈશ ત્યારે અમદાવાદ આવીશ એ વાત સાચી કરી બતાવી. ભાઈ, તું જેવી રીતે ઉત્સાહથી સિંહની પેઠે લે છે તેવી જ રીતે પાળવામાં પણ ઉત્સાહ રાખજે, પ્રમાદ કરીશ નહીં. તું આટલો બધો સુધરી જઈશ એ મને શંકા હતી, પણ મારી શંકા તે દૂર કરી. તે આજે તું કેટલો બધો આગળ વધ્યો. હમે તારી દીક્ષા જોવા માટે નિષ્ફળતા મેળવી હશે કે જોઈ શક્યા નહીં. હશે, પણ અહીંયા બેઠાં-બેઠાં તને હમારા આશીર્વાદ આપીએ છીએ કે શાસનદેવી સહાય કરો. એજ, પદ્મલતાના ધર્મલાભ.
એમના શબ્દોમાં નિર્મળહૃદયના ઊછળતા કરુણાવારિના શીકરનો છંટકાવ મને આજે પણ ભીંજવી રહ્યો છે ! એમનાં હૃદયમાંથી સહજ ઊગેલા આશિષ, મારા જીવનમાં નવું બળ સતત સીંચી રહ્યા છે. એ અહોભાવભરી કૃતજ્ઞતાને જાહેરમાં પ્રગટ કરવાની ઝંખના હતી તે આજે “પાઠશાળા'ના માધ્યમથી સાકાર થાય છે. મનમાં એનો અત્યંત હરખ છે.
પિતાજી તથા મોટાભાઈ ધનસુખભાઈ, ઈન્દુબહેન વગેરે સ્વજનોની હાજરીમાં દીક્ષા
બાવીસ:પાઠશાળા Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org