________________
મંગલાચરણાદિ
(૩) વચનાતિશય :- તીર્થકર ભગવંતનું વચન જગતને હિતકર, વિશેષ લાભદાયી અને વિશેષ બોધપ્રદ ૩૫ ગુણવાળુ હોવાથી તીર્થકર પરમાત્મા વચનાતિશયવાળા છે.
(૪) પૂજાતિશય :- તીર્થંકર પરમાત્મા ત્રણે લોકમાં અસુરેન્દ્રો, નરેન્દ્રો અને દેવેન્દ્રોથી વિશેષ કરીને પૂજાતા હોવાથી તીર્થંકર પરમાત્મા પૂજાતિશયવાળા છે.
તીર્થંકર પરમાત્માને આ ચાર અતિશય હોય છે. આ રીતે ગ્રંથકારશ્રીએ આસન્ન ઊપકારી ચાર અતિશયવાળા વીર પરમાત્માને વંદન કરવારૂપ મંગલાચરણ કર્યું છે.
(૧) મંગલાચરણ :- મંગલ એ ઉત્તમકાર્યમાં વિદ્ગોના નાશ કરવામાં શ્રેષ્ઠ કારણરૂપ છે અને જ્ઞાનપ્રાપ્તિ એ જગતમાં સર્વશ્રેષ્ઠ વસ્તુ છે. તેથી તેના વિષયમાં કોઈપણ વિઘ્ન આત્માના વિકાસને ન અવરોધે તે હેતુથી મંગલ કરવું જોઈએ. તેમજ આ પરંપરા જૈન જગતમાં આર્ષ પુરૂષોથી આવેલી હોવાથી સિદ્ધ-પ્રસિદ્ધ છે.
તેમજ ગ્રંથ બનાવનારને ગ્રંથ રચવામાં અને પરંપરાએ કર્મનો નાશ કરી મોક્ષ મેળવવામાં વિઘ્ન ન આવે તેમજ આ ગ્રંથને ભણનારને ભણવામાં અને પરંપરાએ કર્મનિર્જરા કરી મોક્ષ મેળવવામાં વિઘ્ન ન આવે તે માટે ગ્રંથની શરૂઆતમાં મંગલાચરણ કરવામાં આવે છે.
તથા આર્ષપુરૂષો કોઈપણ કાર્યની શરૂઆતમાં મંગલાચરણ કરે છે, એ માર્ગ શિષ્ય પરંપરામાં પણ ચાલુ રહે અને શિષ્ટપુરુષોને ગ્રંથમાં પ્રવેશ કરાવવા તે માટે ગ્રંથની શરૂઆતમાં સ્પષ્ટપણે મંગલાચરણ કરવામાં આવેલ છે.
(૨) વિષય - કર્મનો વિપાક, કર્મનું ફળ, જોકે કર્મના ભેદ વાસ્તવિક વિચારીએ તો અસંખ્યાતા થાય. તેથી ફળ પણ અસંખ્ય પ્રકારે હોય. તોપણ બાળજીવો અસંખ્ય ભેદો ન સમજી શકે માટે ગ્રંથકારે મૂળ આઠ કર્મ અને તેના ઉત્તરભેદ ૧૫૮માં તે બધા ભેદોનો સમાવેશ કર્યો છે.