________________
૨૦
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
મતિજ્ઞાન - “પાંચ ઈન્દ્રિય અને મન વડે પદાર્થોને વિશેષ ધર્મસહીત જાણવા.” જેમ ગોળ જીભ ઉપર મૂકવાથી આ ગોળ છે, ગળ્યો છે, સારો છે વિગેરે.
શ્રુતજ્ઞાન - “શબ્દ ઉપરથી પદાર્થનું અને પદાર્થ ઉપરથી શબ્દનું જ્ઞાન થાય તે.” જેમ સાકર શબ્દ સાંભળવાથી સાકરનો સ્વાદ-કલર વિગેરેનો ખ્યાલ આવે છે અથવા સાકરનો ગાંગડો જોતાં સાકર નામ યાદ આવે, આને સાકર કહેવાય એવું જ્ઞાન થાય તે.
અવધિજ્ઞાન - પાંચ ઈન્દ્રિય અને મન વિના રૂપીપદાર્થો ( પુલ)નું આત્મસાક્ષાત્ જ્ઞાન, દૂર રહેલ પદાર્થ પણ પ્રત્યક્ષ દેખાય.
આ જ્ઞાનથી જેટલા ક્ષેત્રનું થયું હોય અને જેવો ક્ષયોપશમ હોય તેટલા ક્ષેત્રનું તેવા પદાર્થોનું જ્ઞાન (બોધ) થાય.
મન:પર્યવજ્ઞાન - અઢી દ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનરૂપે પરિણામ પામેલ મનોભાવનું આત્મસાક્ષાત્ જ્ઞાન તે.
કેવલજ્ઞાન - એક સમયમાં સર્વ દ્રવ્યોના ત્રણે કાળના સર્વ ભાવોને વિશેષ ધર્મસહિત જાણવા.
આ પાંચ જ્ઞાનનું વિસ્તારથી વર્ણન આગળ આપવામાં આવેલ છે. જ્ઞાનના બે ભેદ પણ કહેલ છે. (૧) પરોક્ષ જ્ઞાન (૨) પ્રત્યક્ષ જ્ઞાન
પરોક્ષ જ્ઞાન - આત્મા ઈન્દ્રિયો દ્વારા પદાર્થોનો બોધ કરે તે. તે બે જ્ઞાન છે. (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન.
પ્રત્યક્ષ જ્ઞાન - ઈન્દ્રિયોના આલંબન વિના આત્મા સાક્ષાત્ પદાર્થોનું જ્ઞાન કરે છે. તેના ત્રણ પ્રકાર છે. (૧) અવધિજ્ઞાન (૨) મન:પર્યવજ્ઞાન (૩) કેવલજ્ઞાન.