________________
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ જ્ઞાનશક્તિ, ૨. સહજ રીતે ઉત્પન્ન થતું જ્ઞાન, અભયકુમાર, બિરબલ અને રોહકની જેમ પ્રશ્નને અનુરૂપ જવાબ આપવાની જ્ઞાનશક્તિ પ્રગટ થાય તે.
જેમ રોહકને નગરના રાજાના આદેશથી ગામનો કુવો કેવી રીતે મોકલવો એમ ગામ લોકોએ પૂછ્યું ત્યારે રોહકે જવાબ આપ્યો કે - રાજાને કહો કે અમારો કુવે શહેરના રસ્તાથી અજાણ છે તેથી તમારા કુવાને લેવા મોકલો.
આ રીતે પ્રશ્નના યોગ્ય જવાબ આપવાની જ્ઞાનશક્તિ અભ્યાસ વિના સહજ ઉત્પન્ન થાય તે.
(૨) વૈનયિકી બુદ્ધિ - “જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનોનો વિનયાદિ કરવાથી જે જ્ઞાનશક્તિ ઉત્પન્ન થાય છે.”
જેમ ઘણાં સમયથી પરદેશ ગયેલા પુત્રની ચિંતા કરતાં વૃદ્ધ માતા નદીથી પાણીનો ઘડો ભરીને આવતાં હતાં ત્યારે સામે જોષી જેવા લાગતા બે બ્રાહ્મણ વિદ્યાર્થી મિત્ર મળ્યા.
વૃદ્ધ માએ જોષીઓને પૂછ્યું - હે મહારાજ ! મારો દીકરો ઘણા સમયથી પરદેશ ગયો છે તેના કંઈ સમાચાર નથી. આપના જોષ (જ્યોતિષમાં) શું જણાય છે ? એમ બોલતા-બોલતાં માથા ઉપરથી ઘડો પડી ગયો અને ફુટી ગયો.
અવિનીત બ્રાહ્મણ વિદ્યાર્થી બોલ્યો - મા ! તમારો પુત્ર મરી ગયો છે.
ડોશીમા ગુસ્સે થઈ ગાળો ભાંડવા લાગ્યાં. ત્યારે વિનીત વિદ્યાર્થી બોલ્યો - માજી ! તમારો પુત્ર અત્યારે ઘેર આવેલ છે અને હમણાં તમને મળશે.
ડોશીમા ખુશખુશ થતાં ઘેર ગયા અને ઘેર પુત્રને આવેલ જોઈ આનંદીત થઈ ગયા.