________________
૬૦
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
ધ્રાણેન્દ્રિય છે તેથી ગંધ પારખવાનો ક્ષયોપશમ પામે છે. એટલે કીડી, મંકોડા, ગોળ-ખાંડને ધ્રાણેન્દ્રિય દ્વારા જાણી તે સ્થાન તરફ જાય છે. મચ્છર-માંકડ માણસના લોહીની ગંધથી તેની પાસે જાય છે.
ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય ન હોવાથી પ્રાણેન્દ્રિયની શક્તિ કંઈક તીવ્ર પણ મળે.
(૪) શ્રોત્ર અચક્ષુદર્શનાવરણીય કર્મ : જીવને કાન ન મળે અને કાન મળે તો પણ બહેરાપણું - ઓછું સંભળાય, તેથી શબ્દઅવાજનો સામાન્ય બોધ કરાવનારી શક્તિ મંદ-મંદતર થાય તેને શ્રોત્ર અચક્ષુદર્શનાવરણીય કર્મ કહે છે.
એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયને કાન (શ્રોત્રેન્દ્રિય) મળતાં જ નથી અને પંચેન્દ્રિયને કર્ણ મળે છે તો ક્ષયોપશમ મંદ-ઉત્કટ મળે એટલે કે બહેરાપણું વિગેરે મળે.
(૫) મન અચક્ષુદર્શનાવરણીય કર્મ : આ કર્મથી જીવને મનશક્તિ મળતી નથી અને મળે છે તો સામાન્ય બોધ કરાવનારી વિચાર શક્તિ કુંઠિત થઈ જાય એટલે મંદ મળે તેને મન અચક્ષુદર્શનાવરણીય કર્મ કહેવાય.
એકેન્દ્રિયથી લઈને અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવોને મન નથી મળતું. સંજ્ઞી જીવોને મન મળે તો મંદબુદ્ધિ અથવા મંદ વિચાર શક્તિ મળે અને ક્ષયોપશમ વધારે હોય તો તત્ત્વચિંતનાદિની સારી શક્તિ મળે.
આ રીતે અચક્ષુદર્શનાવરણીય કર્મના પાંચ પેટાભેદ છે. છતાં બહુ વિસ્તાર ન થાય તેથી તે પાંચ પ્રકારનો એક અચક્ષુદર્શનાવરણીયમાં સમાવેશ કર્યો છે.